મકસુદ કારીગર,કઠલાલ
ગુજરાત સરકારની જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત અમલીકૃત માનવ કલ્યાણ યોજના હેઠળ બી.પી.એલ. તેમજ ઓછી આવક ધરાવતા કુટુંબના લોકોને સાધન/ ઓજાર સહાય આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારના વાર્ષિક રૂ ૧,૨૦,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા તથા શહેરી વિસ્તારમાં રહેતા વાર્ષિક રૂ. ૧,૫૦,૦૦૦/-થી ઓછી આવક ધરાવતા લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. માનવ કલ્યાણ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર તા. ૦૧-૦૪-૨૦૨૩ થી ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
અરજી કરવા માટે અસલ ડોક્યુમેન્ટસની સ્કેન કોપી જ ઓનલાઇન અપલોડ કરવાની રહેશે. ગયા વર્ષે જે અરજીઓ મંજૂર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ના હોય તેમણે અરજી કરવાની રહેશે નહી. કુટુંબમાં એક વાર લાભ મળેલ હોય તેમણે ફરી અરજી કરવી નહીં. આ અરજી ગામના VCE દ્વારા પણ ઓનલાઇન વિનામુલ્યે ભરી આપવામાં આવશે તેમ નડિયાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઈ.ચા. જનરલ મેનેજરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.
