કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે તા.૧૯-૦૩-૨૦૨૩ના રોજ જૂનાગઢ-એપીએમસી ખાતે ખેડૂતોની સવલતોમાં વધારો કરતું કિસાન ભવનનું લોકાર્પણ તથા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના મુખ્ય કચેરીના ભવન અને પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ સમારોહની સાથે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક કૃષિ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૦ હજાર જેટલા ખેડૂતો સહભાગી થશે.
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી અને રાજ્યના કેબિનેટ કૃષિ, પશુપાલન અને સહકાર મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ તકે માર્કેટીંગ યાર્ડ અને જિલ્લા સહાકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈના નેતૃત્વમાં એપીએમસી -જૂનાગઢના અને જિલ્લા સહકારી બેંકના હોદ્દેદારો-ડાયરેક્ટરશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે અને મહાનુભાવોને આવકારશે.
આ કાર્યક્રમ સવારે ૧૦ વાગ્યાથી પ્રારંભ થશે. જેમાં પ્રથમ સાંસ્કૃતિક કાર્યક્રમ ત્યાર બાદ પ્રાકૃતિક કૃષિ શિબિરનો પ્રારંભ કરવામાં આવશે અને તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક કૃષિ સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે અન્ય મહાનુભવો દ્વારા પ્રાસંગિક સંબોધન કરવામાં આવશે. બપોર ૧૨.૧૫ કલાકે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ એપીએમસી-જૂનાગઢ ખાતે આગમન થશે ત્યાર બાદ કિસાન ભવનનું લોકાર્પણ, પ્રાકૃતિક કૃષિ પેદાશનું નિદર્શન કરતાં સ્ટોલ્સ મુલાકાત બાદ મુખ્ય સભાસ્થળ ખાતે ઉપસ્થિત થશે અને ખેડૂતોને સંબોધિત કરશે.
