Gujarat

જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.

સુખ વ્યક્તિના અહંકારની અને દુઃખ વ્યક્તિની ધીરજની પરીક્ષા લે છે આ બંન્ને પરીક્ષામાં પાસ થનાર વ્યક્તિનું જીવન સફળ કહેવાય છે.જેમ વૃદ્ધાવસ્થા માનવીના રૂ૫ રંગનો નાશ કરે છે તેમ અહંકાર લક્ષ્મીનો વિનાશ કરી નાખે છે.અહંકાર ના આવે તેના માટે નિરંતર સંતોના ચરણોમાં ઝુકતા રહેવું જોઇએ. દેહને આત્મા માનવો એ અહંકાર છે.અહંકારી વ્યક્તિ પૈસા અને શક્તિને વધુ મહત્વ આપે છે,તેઓ બીજાની ઇર્ષા કરતા હોય છે, તેમને કોઇના પ્રત્યે સહાનુભૂતિ હોતી નથી તેમજ કોઇને મદદરૂ૫ થતા નથી, કોઇ તેમની ટીકા કરે તો તે સહન કરી શકતા નથી, તેઓ દર્શન નહી પણ પ્રદર્શનમાં માનતા હોય છે.

એક રાજ્યના રાજાએ પોતાની વૃદ્ધાવસ્થાના કારણે નિર્ણય કર્યો કે તે રાજ્ય કારભાર છોડીને સંન્યાસ લેશે પરંતુ તેને કોઇ પૂત્ર ન હોવાથી રાજપાઠ કોને સુપ્રત કરવો તેના વિશે વિચાર કરે છે.રાજાને એક રાજકુમારી હતી અને તેના લગ્નના વિશે રાજા જાહેરાત કરે છે કે આવતી કાલે સવારે જે વ્યક્તિ સૌથી પહેલાં નગરમાં પ્રવેશ કરશે તેની સાથે રાજકુમારીના લગ્ન કરવામાં આવશે અને તેને જ રાજ્યનો ઉત્તરાધિકારી બનાવવામાં આવશે.

બીજા દિવસે રાજ્યના સૈનિકો જેના શરીર ઉપર ફાટેલા કપડાં પહેરેલાં છે તેવા એક યુવાનને પકડી લાવે છે અને તેનો રાજ્યાભિષેક કરી દેવામાં આવે છે અને રાજકુમારી સાથે તેનાં લગ્ન કરાવી રાજા રાજ્યની તમામ જવાબદારીઓ તેને સુપ્રત કરીને પોતે વનમાં પ્રસ્થાન કરે છે.સમય પસાર થતાં આ યુવકે રાજ્યની તમામ જવાબદારીઓ સંભાળી લીધી અને એક સારા રાજાની જેવી છાપ ઉભી કરી રાજ્ય કારભાર ચલાવે છે.

રાજાના મહેલમાં એક નાનકડી રૂમ હતી જેને તાળું મારીને તેની ચાવી રાજા હંમેશાં પોતાની પાસે રાખતા હતા.અઠવાડીયામાં એકવાર રાજા આ રૂમ ખોલીને તેમાં જઇને અડધો કલાક આરામ કરીને મોટું તાળું આ રૂમને લગાવી પોતાના અન્ય કાર્યોમાં લાગી જતા હતા.અવારનવાર રાજા આ રૂમની મુલાકાત લેતા હતા એટલે સેનાપતિને નવાઇ લાગે છે અને વિચારે છે કે રાજ્યનો તમામ ખજાનો સારા સારા રત્નો, હીરા-માણેક અને ઝવેરાત તો ખજાંચી પાસે રહે છે.સેનાના શસ્ત્રગારની ચાવી તો મારી પાસે છે અને રાજ્યના બહુમૂલ્ય કાગળો જ્યાંની ચાવી તો મંત્રી પાસે રહે છે,તો પછી આ નાનકડી કોઠરીમાં એવું તે શું છે કે રાજા દર અઠવાડીયે અહીયાં આવે છે !

સેનાપતિથી રહેવાયું નહી એટલે એક દિવસ તેમને હિંમત કરીને રાજાને પુછ્યું કે રાજન..આપની ક્ષમાયાચના સાથે મારી એક શંકા રજૂ કરૂં છું કે આ રૂમમાં એવી તે કંઇ કિંમતી વસ્તુ છે કે જેની સુરક્ષાની આપશ્રીને આટલી બધી ચિંતા રહે છે? ત્યારે રાજા ગુસ્સામાં આવીને કહે છે કે સેનાપતિજી આ તમારે પુછવાનો વિષય નથી અને હવે ફરીથી આ પ્રશ્ન તમારે પુછવો નહી.હવે તે સેનાપતિની શંકા વધુ દ્રઢ થઇ. ધીરે ધીરે મંત્રીઓ અને સભાસદોએ પણ આ વિશે રાજાને પ્રશ્ન પુછ્યો તેમછતાં રાજાએ કોઇને આ રૂમનું રહસ્ય કોઇને ન બતાવ્યું.

આ રહસ્યની વાત ફરતી ફરતી મહારાણી સુધી પહોંચી અને આપ જાણો છો કે સ્ત્રીહઠની આગળ કોઇનું ચાલતું નથી.રાણીએ ખાવા-પીવાનું બંધ કરી દીધું અને આ રૂમના રહસ્યને જાણવા માટે જીદ કરી. છેલ્લે રાણીની હઠ આગળ વિવશ થઇને રાજાએ સેનાપતિ,મંત્રીઓ અને સભાસદોને સાથે લઇને આ રૂમ તરફ જાય છે અને દરવાજો ખોલે છે તો આ રૂમમાં ફક્ત એક જોડી ફાટેલા કપડા ખીંટીએ ભરવેલા હતા.

આ જોઇને મંત્રીઓએ પુછ્યું કે મહારાજ ! અહીયાં તો કશું જ નથી.ત્યારે રાજાએ એ ફાટેલા કપડા હાથમાં લઇને ઉદાસ સ્વરમાં બોલ્યા કે આ જ મારૂં સર્વસ્વ છે.મને જ્યારે પણ થોડો ઘણો અહંકાર આવતો હતો ત્યારે આ રૂમમાં આવીને આ કપડાંને જોઇ લેતો હતો અને મને યાદ આવી જતું હતું કે જ્યારે હું આ રાજ્યમાં આવ્યો ત્યારે આ ફાટેલા કપડાં સિવાય મારી પાસે કશું જ નહોતું.ત્યારે મારૂં મન શાંત થઇ જતું હતું અને મારો ઘમંડ ઉતરી જતો હતો.આપણે પોતાની ઔકાત અને પ્રભુ પરમાત્માએ આપેલ સૌગાદને ભુલવી ના જોઇએ.

મોહયુક્ત જ્ઞાન તે અહંકાર.આ અહંકાર અગ્નિના સમાન હોય છે.જે મનુષ્યને પોતાના તાપથી ભસ્મ કરી દે છે.વાસ્તવમાં જે મોટો વ્યક્તિ હોય છે તે અહંકાર જેવા દોષોને પોતાનાથી દૂર રાખે છે.

તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે,જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે.જગતમાં જે કંઇ છે તે સર્વ પ્રભુ પરમાત્માનું જ છે એટલે તેમની આજ્ઞાથી તેનો ઉ૫ભોગ કરવો અને કોઇના ધન ઉ૫ર લલચાવવું નહી.મોહના કારણે જ સંસાર સત્ય લાગે છે અને નિરાકાર બ્રહ્મનો અનુભવ થતો નથી.સેવા,સુમિરણ,સત્સંગમાં સૌથી મોટું વિઘ્ન તન-મન-ધનનું મિથ્યા આકર્ષણ છે.તન-મન-ધનનું અભિમાન ના રહે તો ભક્ત સરળ ભાવથી ભક્તિ ૫થ ઉ૫ર આગળ વધે છે.

હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે.જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.આપણા અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.જેનામાં અભિમાન છે,અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે,વિનમ્રતા છે,જેના હ્રદયમાં મિઠાસ છે,જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.ભક્તિમાં અહંકારને કોઇ સ્થાન નથી કારણ કે ભક્તિમાં નમ્ર ભાવની મહત્તા હોય છે.અમારા અંતઃકરણમાં પ્રભુ-૫રમાત્માનો ભાવ અહંકારની અનુ૫સ્થિતિમાં જ થાય છે.માનવ જેટલો નમ્ર બને છે એટલો તેનો અહંકાર ઓછો થાય છે.દેહાભિમાન મરે તો શાંતિ મળે છે.અહંકારને મારે તો તે ઈશ્વરથી દૂર નથી.

અહંકાર ક્યારેય સત્યનો સ્વીકાર કરતો નથી અને એક સત્ય પરમાત્માને જાણવાવાળા ક્યારેય અહંકાર કરતા નથી.પૈસા તો ફક્ત જીવવા માટે જરૂરી છે.ર્હંસવા માટે તો હંમેશાં અમારા પોતાનાઓની જરૂર પડે છે.. અહંકાર ના કરશો.લક્ષ્મી જો મહેનતથી મળતી તો મજૂરો પાસે કેમ નથીજો બુદ્ધિથી મળતી તો ચાલાક અને ચતુર લોકો પાસે કેમ નથીઅને તાકાતથી મળતી તો પહેલવાનો પાસે કેમ નથી હોતીજીવનમાં સારા સંતાનો,સંપત્તિ અને સફળતા આપણા દ્વારા કરવામાં આવેલ પુણ્ય કર્મોથી મળે છે અને પુણ્યનો હિસાબ ભગવાન રાખે છે.આપણે ક્યારેય અહંકાર ન કરવો કે અમારા તમામ આશ્રિતો અમારી કમાઇનું ખાય છે.અમોને જે કંઇ મળ્યું છે તે અમારી સાથે જોડાયેલા લોકોના પુણ્યકર્મોનું પરીણામ છે.આપણા બધા ઉપર પ્રભુ પરમાત્માની કૃપા બનેલી રહે એવા ભાવથી કૃતજ્ઞ રહીએ..

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *