Gujarat

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ચેકિંગ વિના પ્રવેશ નહીં મળે

અમદાવાદ
આગામી ૯ એપ્રિલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા સુચારું રીતે લેવા માટે કલેક્ટર તંત્ર દ્વારા તમામ તૈયારી કરાઇ છે. કોઇપણ પ્રકારે ગેરરીતિ ના થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાની ર્જીંઁનું કડક પાલન કરવા જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી. કે. દ્વારા તાકીદ કરવામાં આવી છે. તે સાથે પરીક્ષા આપનારા એક પણ ઉમેદવારને ચેકિંગ કર્યા વિના પરીક્ષા કેન્દ્રમાં જવા દેવામાં ન આવે તેવી સૂચના આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં કુલ ૪૯૪ પરીક્ષા કેન્દ્રો ૪૮૮૩ બ્લોકમાં ૧,૪૪,૯૯૦ ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે. ઉમેદવારોના માર્ગદર્શન માટે હેલ્પ લાઇન નંબર ૦૭૯ – ૨૫૫૦૮૧૪૧ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે પરીક્ષા સાથે સંબંધિત તમામ અધિકારીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં પરીક્ષાને લગતી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. મહિલા ઉમેદવાર હશે તેમનું ચેકિંગ મહિલા પોલીસકર્મી દ્વારા ગરિમાપૂર્ણ રીતે કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર એન્ટ્રી પોઇન્ટ, સીસીટીવી કેમેરા, ફ્લાઇંગ સ્ક્વોડ, વીડિયોગ્રાફી, સારવારની સુવિધા ગોઠવાશે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ પરીક્ષાને લગતી નાની બાબતની કાળજી રાખવા અને પરીક્ષાની ગંભીરતા સમજીને અધિકારીઓને સાવધ રહેવા જણાવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા કેન્દ્રમાં સક્ષમ અધિકારી સિવાય મોબાઇલ ફોન ઉપર પ્રતિબંધ, કેન્દ્રની નજીકની ઝેરોક્સની દુકાનો બંધ રખાશે… જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ દ્વારા ૨૭ માર્ચે પરીક્ષા સંદર્ભે બહાર પડાયેલા જાહેરનામામાં અનેક પ્રવૃતિ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષાર્થી અને ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થઇ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રમાં સક્ષમ અધિકારી સિવાય વિદ્યાર્થીઓ-શિક્ષકો ઇલેક્ટ્રોનિક આઈટમ મોબાઈલ ફોન, પેજર, ઇલેક્ટ્રિક ડાયરી, ઘડિયાળ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઇ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ. પરીક્ષામાં ગેરરીતિ થાય તેવું કોઇપણ સાધન લાવવા પર પ્રતિબંધ. સક્ષમ અધિકારી સિવાયના તમામ વિદ્યાર્થીઓ-શિક્ષકોએ મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક, વિજાણું ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ. પરીક્ષા સ્થળે કોઈ પણ પ્રકારનું હથિયાર લઈ જઇ શકાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *