ખેડૂતોને તેના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૩-૨૪માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉં, બાજરી,જુવાર, રાગી, મકાઈની ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફત ખરીદી કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીઈ દ્વારા તા.૩૧/૩/૨૦૨૩ સુધી કરવામાં આવશે. આથી તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરુરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭,૧૨, ૮- અની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમકે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત હોય આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ ઓળખ પત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે, તેની ખેડૂતોએ નોંધ લેવી.
નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવશે તો તે ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહીં કરવામાં આવે, તેની ખાસ નોંધ લેવી. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે, તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.


