જૂનાગઢ જિલ્લામાં રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩નો પ્રારંભ કરાવ્યો છે. મંત્રીશ્રીએ કેશોદ તાલુકાના અજાબ ગામના સૂડાવડલી તળાવ ખાતે ભૂમિ પૂજન કરી વિધિવિત આ જળસંચયના અભિયાનનો શુભારંભ કર્યો છે.
આ અભિયાન હેઠળ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૪.૯૫ કરોડના ખર્ચે કુલ ૨૪૬ જેટલા જળસંચયના કામો કરવામાં આવશે. જેમાં તળાવ, નાના મોટા જળાશયો, ડેમ, ચેકડેમમાંથી માટી કાઢીને ઊંડા ઉતારવામાં આવશે. જેથી જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરી શકાય. ઉપરાંત ડેમ,ચેકડેમનું મરામત કાર્ય અને સિંચાઈ માટેની નહેરની સાફ-સફાઈ સહિતના કામો હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૪૦૦થી વધુ જળસંચયના કામો કરવામાં આવ્યા છે. જેના પરિણામે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવી રહ્યું છે.


