2 દિવસમાં જ 6 પોઝિટિવ કેશ બહાર આવતા લોકો ભયના ઓથાર તળે : બેદરકારી ગંભીર પરિણામો સર્જવાની સંભાવના
જેતપુર, તા. 27 (હરેશ ભાલીયા દ્વારા)
જેતપુર શહેર અને પંથકના ગામડાઓમાં કોરોનાનો વિકરાળ પંજો આગળ વધી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં કોરોનાના 6 પોઝિટિવ કેસ બહાર આવતા સંબંધિત આરોગ્ય તંત્ર સફાળું જાગતું થઈને દોડવા લાગ્યું છે. જો કે આ કાળમુખ રોગને અંકુશમાં લેવા વ્યક્તિગત લોકો બેદરકારી છોડીને સાવચેત રહે તે જરૂરી હોવાનું આરોગ્ય સૂત્રો જણાવે છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ આવતા જેતપુર શહેર અને પંથકમાં કુલ 6 કેસ સક્રિય હોવાનું આરોગ્ય તંત્ર જણાવી રહ્યું છે. લોકોના આક્ષેપો છે કે જેતપુર તેમજ ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય સતાવાળાઓ ક્યાંક ને ક્યાંક જરૂરી દવાનો છંટકાવ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધી તકેદારીઓ પ્રજા સુધી પહોંચાડવા નબળું પડી રહ્યું છે.
જો કે જાણકારો કહે છે કે, કોરોના વાયરલ રોગ છે. હવે પહેલાંની માફક લોકોએ જાગૃતિ દાખવીને માસ્ક પહેરવાનું ચાલુ કરી દેવું જોઈએ અથવા તો ભીડથી દૂર રહીને કોરોનાથી દૂર રહેવું જોઈએ. એ સિવાય જે વિસ્તારોમાં કોરોનાના કેસ બહાર આવ્યા છે તે વિસ્તારોમાં પણ તંત્રે જાગૃતિ માટે પ્રજાને સતર્ક બનાવી કેસવાળા વિસ્તારોને ખાસ સારવાર ઝોન હેઠળ આવરી લઈને તેટલા વિસ્તારોમાં લોકોની અવરજવર ઓછી કરવી જોઈએ. એટલું જ નહીં પોઝિટિવ દર્દીઓને કડક કાર્યવાહી વચ્ચે હોમ આઇસોલેટ કરવા જોઈએ.
જો કે તંત્ર કહે છે કે 5 દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા છે જ્યારે એકની સારવાર સિવિલ હોસ્પિટલમાં થઈ રહી છે. તંત્રે પ્રજાજોગ નિવેદનમાં એવું પણ કહ્યું છે કે લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી, માત્ર જાગૃત થઈને સાવચેત રહીએ તો કોરોનાથી દૂર રહી શકાય, હવે જેતપુર શહેર અને પંથકના લોકોએ કોરોનાથી બચવા સજાગ બનવું કે બેદરકાર રહેવું ? તે પોતપોતાના હાથમાં છે.
