Gujarat

જેતપુરના આરબ ટીંબડી ગામે મારામારીના આરોપીને પકડવા ગયેલી 

હેડિંગ
જેતપુર તાલુકા પોલીસની ટીમ પર 7 શખ્સનો ખૂની હુમલો : 2 જવાન સહિત 3 ઘાયલ
પેટા
5ની ધરપકડ : મુખ્ય હુમલાખોર સહિત 2 હજુ પોલીસ પકડથી દૂર: આખી રાત જેતપુરના ડેપ્યુટીની સૂચનાથી પોલીસની વિવિધ પાંખોનો સ્ટાફ આરબ ટીંબડીમાં ખડકી દેવાયો :
જેતપુર તાલુકાના જેતલસર પંથકના આરબ ટીંબડી ગામે ગત રાત્રિના બે પરિવારો વચ્ચે ખૂની અથડામણની ઘટનાના આરોપીને પકડવા ગયેલી જેતપુર તાલુકા પોલીસ ઉપર પણ હુમલાખોરો ધારિયું, લાકડી વતી તૂટી પડતાં  2 પોલીસમેન સહિત ત્રણને ગંભીર ઇજાઓ સાથે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ 7 શખશ સામે ખૂની હુમલો, ફરજમાં રૂકાવટ સહિતની કલમો અન્વયે ગુનો નોંધી હુમલાખોરો સુધી પહોંચવા કવાયત આદરી છે.
ઇજાગ્રસ્ત અશોકભાઈના કાકા ભાવેશભાઈ ધીરુભાઈ મકવાણાએ બનાવની આપેલી વિગતો મુજબ જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામે રહેતા અશોકભાઇ ઈલુભાઈ મકવાણા ગઇકાલે રાત્રે પોતાની વાડીએથી પોતાના ઘર તરફ પરત ફરતા હતા ત્યારે રસ્તામાં(સેલામાં) બાવનજી ઉર્ફે બાવકી ગોરધન મકવાણા સહિતના શખશો દેશી દારૂ પીને કુંડાળું વળીને બેઠા હતા.
તે સમયે બાવકી દારૂના નશામાં બખેડો શરૂ કરીને અશોકભાઈને તારી ગાડી(બાઇક) મને આપી દે તેવી વાતથી બેફામ વાણીવિલાસ શરૂ કર્યો હતો. ત્યારે અશોકભાઈએ આવી ખોટી માથાકૂટ કરવા ના પાડતા બંને વચ્ચે હાથોપાઇ ઝગડો થયા બાદ બાવકીના પરિવારજનો લાકડી અને ધારીયા સાથે ઘસી આવીને અશોકને માથામાં ધારીયાનો ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ થઈ ગયો હતો.
બીજીબાજુ બંને પરીવાર વચ્ચે મામલો ઉગ્ર થવાની શંકાએ ગામના અમુક જાગૃત લોકોએ જેતપુર તાલુકા પોલીસને જાણ કરી દેતા જેતપુર તાલુકા પોલીસ કાફલો આરબ ટીંબડી ગામે રાત્રિના પહોંચ્યો હતો.
અહી પોલીસ ફરજ બજાવે તે પહેલાજ બાવકીએ તેમની બે દીકરી, બે પુત્રો સહિત સાતેક જણાએ જેતપુર તાલુકા પોલીસને ગામમાંથી ચાલ્યા જવા ઉપરાંત બેફામ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી રૌફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ નીડર જેતપુર તાલુકા પોલીસ બાવકી સહિતના પરિવારજનોને સમજાવવા તેમજ  પકડવાની ફરજ બજાવવા આગળ વધ્યા હતા. આ સમયે બાવનજી ઉર્ફે બાવકીએ  સંજયભાઈ નથુભાઈ પરમાર નામના પોલીસ જમાદારના જમણા હાથમાં લાકડીનો ઘા ફટકારી ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ સમયે બાવકીના પુત્ર જયસુખ ઉર્ફે બાડાએ પણ લાકડી વતી તેમના પર હુમલો કર્યાનું સંજયભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઈ પોપટભાઈ સોરીયાને બાવકીના પુત્ર ધર્મેશ ઉર્ફે ધમાંએ લોખંડના ધારીયાનો એક ઘા માથામાં ઝીંકી દેતા જયસુખભાઈ પણ લોહીલુહાણ થઈ ગયા હતા.
આમ આ બનાવમાં આરબ ટીંબડીના અશોક મકવાણા, પો. જમાદાર સંજયભાઈ પરમાર અને પો. કો. જયસુખભાઈ મકવાણા એમ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
પોલીસ અત્યારે ધર્મેશ ઉર્ફે ધમો, કાજલ બાવનજી, જયસુખ ઉર્ફે બાડો, ભાવના બાવનજી, તેમજ ઉકા મગનની ધરપકડ કરીને તમામના કોરોના રિપોર્ટ્સ મેળવવાની કવાયત આદરી હોવાનું પોલીસ જણાવ્યું છે. જ્યારે આ ખૂની હુમલાનો મુખ્ય સૂત્રધાર બાવનજી ગોરધન ઉર્ફે બાવકી અને રવિ બાવનજી એમ બંને હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
બોક્સ
હુમલાખોરમાં કોણ કોણ સામેલ ? કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો ?
જેતપુર : આરબ ટીંબડી ગામે બે દેવીપૂજક પરિવારો વચ્ચેની મારામારીની ઘટનામાં આરોપીઓને પકડવા ગયેલી જેતપુર તાલુકા પોલીસના જમાદાર અને પો. કોન્સ્ટેબલ પર ખૂની હુમલો થયો હતો. હુલાખોરોમાં બાવનજી ઉર્ફે બાવકી ગોરધન મકવાણા, ધર્મેશ ઉર્ફે ધમો બાવનજી મકવાણા, રવિ બાવનજી મકવાણા, જયસુખ ઉર્ફે બાડો બાવનજી મકવાણા, કાજલ બાવનજી મકવાણા, ભાવના બાવનજી મકવાણા, ઉકા મગન મકવાણાનો સમાવેશ થતો હોવાનું પોલીસ જણાવ્યું છે. સરકાર તરફે ફરિયાદી બનનાર પોલીસ જમાદાર સંજયભાઇ પરમારે આ સાતેય હુમલાખોર સામે આઇપીસી 307 353,333,332, 336, 323, 504, 506(2), 143, 147, 148, 149, તથા જી. પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે.  આ હુમલાખોરોમાંથી મુખ્ય સૂત્રધાર અને તેમનો પુત્ર હજુ પોલીસના હાથમાં આવ્યા નથી.
બોક્સ :
જેતપુર તાલુકા પોલીસનો કાફલો છતાં હુમલાખોરો ફાવી ગયા !
જેતપુર : આરબ ટીંબડીના જાગૃત લોકોની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલો  સંજયભાઈ પરમાર, સુરેન્દ્રસિંહ ઝાલા, ભુપેન્દ્રભાઇ મોરી, અરવિંદસિંહ, કિરીટભાઈ ખાચર, વલ્લભભાઈ બાવળિયા, પોલીસ કોન્સ્ટેબલો છેટાંભાઈ ઠાકોર, ઓમદેવસિંહ જાડેજા, ગગુભાઈ ચારણ તેમજ જયસુખભાઈ સોરીયા એમ તમામ સ્ટાફ ટીંબડી પહોંચ્યો હતો અને હુમલાખોરોને સમજાવવા પ્રયાસો કર્યા હતા. પણ હુમલાખોરોએ પોલીસના ડર વગર ખૂની હુમલાને અંજામ આપ્યો હતો. દેશી દારૂના બુટલેગરો હવે ફાટીને ધુમાડે ગયા હોવાની વાતનો ખુદ પોલીસને અનુભવ થઈ ગયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
બોક્સ: દારૂના બુટલેગરોને પોષવાનું પરિણામ ?
જેતપુર : જેતલસર પંથકના ટીંબડી, જેતલસર જંકશન, ડેડરવા વિગેરે ગામોમાં દેશી દારૂની વકરેલી બદી બાબતે અગાઉ અનેક વખત અખબારી અહેવાલો વહેતા થયા છે. પણ જે તે સમયે પોલીસ માત્ર દેખાવ ખાતર કાર્યવાહી કરીને યેનકેન પ્રકારે દારૂના બુટલેગરો સામે આંખ આડા કાન કરીને બુટલેગરોને પોલીસ જે પ્રોત્સાહન આપ્યું તેનું આ પરિણામ હોવાનું બુદ્ધિજીવી લોકો કહી રહ્યા છે. સમજદાર લોકો તો એવો પણ વ્યંગ બતાવી રહ્યા છે કે, જેતપુર તાલુકા પોલીસ અત્યારે મનોમન એવું વિચારતી હશે કે ” હમને હિ પાલા થા, કયા કરે ?  જો આજ સર પે ચઢકર હમારી હી આબરૂ કર ગયે લિલામ !?
બોક્સ : પોલીસને ભગાડવા બેફામ પથ્થરમારો
જેતપુર : ગ્રામજનો ઉપરાંત એફઆઇઆરમાં એ વાતનો ઉલ્લેખ છે કે, આરોપીઓ બાવનજી ઉર્ફે બાવકીએ પરિવારજનોને સાથે રાખીને જેતપુર તાલુકા પોલીસના સ્ટાફને રિતસરના ભગાડવા માટે આડેધડ પથ્થરમારો શરૂ કર્યો હતો. છતાં પોલીસ ડગી નહોતી અને ફરજને પ્રાધાન્ય આપીને હુમલાખોરો સામે ઝઝૂમી હતી પણ અંતે પોલીસને પણ હુમલાનો ભોગ બનવું પડ્યું હતું.
બોક્સ : દારૂનો ધંધો બંધ નહિ કરાવું, ખેતરોમાં મજૂરો મળતા નથી ! સરપંચ મનીષ ચના વઘાસિયા
જેતપુર : જેતપુર તાલુકા પોલીસ ઉપર દારૂના બુટલેગરે ખૂની હુમલો કર્યો, આરબ ટીંબડી ગામમાં દેશી દારૂના ધંધાથી બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે પણ આરબ ટીંબડીના સરપંચ મનીષ ચના વઘાસિયાએ પત્રકારો સામે હસતાં હસતાં કરેલા બફાટથી જાણકારોમાં આશ્ચર્ય સર્જાયું છે. સ્ટિંગ વિડિયોમાં મહિલા સરપંચના પતિ મનીષ વઘાસિયા પત્રકારોને કહે છે કે, વાડી ખેતરોમાં મોટેભાગે પરપ્રાંતીય મજૂરો મજૂરી કરે છે. આવા મજૂરોને દેશી દારૂ વગર ન ચાલે ! એટલે દારૂનો ધંધો તો બંધ ના જ કરાવું, જો કરાવું તો મજૂરો મળતા નથી. એટલુંજ નહીં સરપંચ મનીષ વઘાસિયાએ એવું પણ બોલતા નજરે પડે છે કે દારૂની ભઠ્ઠી બાવકીની છે. દારૂનું દૂષણ તમારે બંધ કરાવવું જોઈએ તેવા પ્રશ્નમાં સરપંચે કહ્યું ખબર જ છે કે દારૂ વેચાય છે, પોલીસને જાણ કરવાથી શું ફાયદો ? ના.. રે.. ના , પકડાવાય થોડું ? પકડાવીએ તો શું ફાયદો થાય ?  મજૂરો ચાલ્યા જશે, સવારે ઊઠીને કામ કોણ કરશે ? તમે શું લોહી પીવો છો ? દૂષણ થાય તે બરાબર છે, એમપીના મજૂરોને દારૂ જોઈએ, હું તો કહું છું કે સૌ સૌની રીતે વેચાય !  હું ક્યારેય બંધ નહીં કરાવું, તમને જે છે તે ચોખ્ખું કહું છું, માણસો ખેતીમાં સાવ જડતા નથી. એમપી વાળાને દારૂ ન જડે તો ખેતી ન કરે, દારૂ ન મળે તો બીજા ગામે ચાલ્યા જાય ! એક ખુદ સરપંચ તરીકે મનીષ વઘાસિયાનું પત્રકારોએ સ્ટિંગ ઓપરેશન કર્યું છે ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા અને જેતપુર તાલુકા પોલીસ તેમની સામે સામે કોઈ પગલાં ભરશે કે કેમ તે સમય જ બતાવશે.
હરેશ ભાલિયા – જેતપુર –
પોલીસના ફોટો, તેમજ સરપંચનું સ્ટિંગ કરેલ વિડીયો ક્લિપ છે.

IMG_20230325_151417.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *