જેતપુર તાલુકા પોલીસ પિતા-પુત્ર સામે હત્યાનો અને અન્ય 4 સામે ખૂનમાં મદદ, કાવતરાનો ગુનો નોંધ્યો : ચારેય મદદગારને શોધતી પોલીસ
જેતપુર તાલુકા પોલીસ ગઇકાલે મોણપરના આધેડની હત્યાના બનાવમાં કુલ 6 શખશો સામે ગુનો નોંધ્યો છે. જેમાં હત્યામાં સંડોવાયેલા પિતા-પુત્રની અટક કરીને 4 મદદગારોની શોધખોળ આદરી છે.
જેતપુર તાલુકાનાં દેરડી ગામે સાડીનાં ધોલાઈ ઘાટ બાબતે મોણપર ગામના એક સમાજના બે જૂથ વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી. જેમાં ગઈકાલે એક જૂથના જગુભાઈ ઉર્ફે કટુભાઈ ધાધલ (રહે.મોણપર) નજીકના દેરડી ગામે બસ સ્ટેન્ડ પાસે હતા ત્યારે વિરોધી જૂથના બાઘુભાઈ ધાધલ અને તેમનો પુત્ર રવુભાઇ બંને એક ગાડીમાં હથિયારો સાથે ઘસી આવ્યા હતા. અને કટુભાઈ કઈ સમજે તે પહેલાં જ તેમના પર કુહાડી, ધારીયા અને ધોકા વડે તૂટી પડતાં કટુભાઈ લોહી નિંગળતી હાલતમાં બનાવ સ્થળે જ ઢળી પડ્યા હતા. અચાનક હિચકારા હુમલાથી આજુબાજુના દુકાનદારો અને રાહદારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
જો કે કટુભાઈ સાથે દુકાન પર બેઠેલા તેમના ભત્રીજા કિશોરભાઈ પણ ત્યાં હાજર હોય તેઓએ પરીવારજનોને જાણ કરતા પરીવારજનો દેરડી ગામ પહોંચતા લોહી નિંગળતી હાલતમાં કટુભાઈ રસ્તા વચ્ચે પડ્યા હતાં. જેમને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પીટલે ખસેડાયા હતા પણ હુમલામાં ઘવાયેલા કટુભાઈના શરીરમાંથી વ્યાપક લોહી વહી જતાં હોસ્પિટલે ફરજ પરના તબીબે તેમણે મૃત જાહેર કરતાં પરિવારજનો ભાંગી પડ્યા હતા. એક તબક્કે હોસ્પિટલે મૃતકના સમાજના લોકોના ટોળેટોળાં ઉમટી પડતાં પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. બીજીબાજુ બાઘુભાઈના પુત્ર રવુભાઈને પણ માથામાં ઇજા પહોંચી હોય તે પણ સારવાર માટે પહેલા જ સરકારી હોસ્પીટલ ખાતે હાજર હોય બંને જૂથ ભેગા થઈ જતાં વાતાવરણ ઉગ્ર બની ગયું. પરંતુ પોલીસ સમયસર પહોંચી જતાં માથાકૂટ થતા સહેજમાં રહી ગઈ હતી. ઇજાગ્રસ્ત રવુભાઈ પોતે જ તેના પિતા સાથે ગાડી હંકારી હોસ્પીટલ આવ્યા હતા તે ગાડી પોલીસની નજરમાં આવતા ગાડીમાં લોહીના નિશાનવાળી કુહાડી, ધારીયા અને ધોકા નજરે પડતા પોલીસે હથિયારો સાથે એક્સયુવી ગાડી કબ્જે લીધી હતી. એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારીના પગલે મામલો વધુ વણસે નહિ તે માટે પોલીસે હોસ્પીટલ અને મોણપર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મૃતકના ભત્રીજા કિશોરભાઈ ધાધલ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરીયાદ મુજબ કટુભાઇ ગુરૂવારની વહેલી સવારે તેમના ઘરે હતા ત્યારે રવુભાઈ બાઘુભાઈ, ભાવેશભાઈ ભીખુભાઇ ધાધલ, પ્રકાશભાઈ દાદભાઈ ધાધલ અને દેવકુભાઈ દાદભાઈ ધાધલ તેમને ઘરે મારવા માટે આવેલ હતાં. કટુભાઈ આ હુમલાખોરોથી બચી તેમના વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરવા જેતપુર આવતા હતાં ત્યારે રસ્તામાં રવુભાઈ અને તેના પિતા બાઘુભાઈ દેરડી ગામે ગાડીમાં આવી કટુભાઈ પર હથીયારો વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી. પોલીસે કિશોરભાઇ ધાધલની ફરીયાદ પરથી બાઘુભાઈ, તેમનો પુત્ર રવુભાઈ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
જ્યારે મુન્નાભાઈ ઉર્ફે ભુપતભાઇ ભીખુભાઇ ધાધલ(રહે જેતપુર), ભાવેશભાઈ ભીખુભાઇ ધાધલ, પ્રકાશભાઈ દાદભાઈ ધાધલ, દેવકુભાઈ દાદભાઈ ધાધલ (રહે તમામ મોણપર) સામે એકસમાન ઈરાદો પાર પાડવા કાવતરું રચી જાનથી મારી નાખવાની ધમકી આપી હત્યાના બનાવમાં મદદરૂપ થવા તેમજ કાવતરું રચવાનો ગુનો નોંધ્યો છે.
હત્યાની ફરિયાદ પરથી જેતપુર તાલુકા પોલીસ બાઘુભાઈ ધાધલ અને રવુભાઈ ધાંધલ એમ બંને પિતા પુત્રની ધરપકડ કરીને અન્ય બાકીના આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.


