જેતપુર: રાજકોટ-સોમનાથ નેશનલ હાઇ-વે પર કેનાલ નજીક બાઈક-કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અજયભાઈ કિશનભાઇ કટારીયા નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર શહેરના ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા અજયભાઈ કિશનભાઇ કટારીયા નામના યુવાન પોતાનું બાઈક રજી. નં. જી.જે. ૧૧ એ.ક્યુ. ૬૩૪૧ લઈને રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર જેતપુર શહેરના બળદેવધાર નજીક કેનાલ નજીક રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલ કાર રજી. નં. જી.જે. ૦૩ એમ.એલ. ૮૭૯૧ નંબરની ટાટા નેક્સન કારે અડફેટે લેતા અજયભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહને પી.એમ. માટે જેતપુર સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે જેતપુર સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જેતપુર શહેરના બળદેવધાર વિસ્તારમાં ઘણા પરિવારો વસવાટ કરે છે અને રોજબરોજની આવક જાવક કરવા માટે રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે નવાગઢ ચોકડી તેમજ તત્કાલ ચોકડી ખાતે ઓવરબ્રિજ આવેલ છે જે બળદેવધાર વિસ્તારથી થોડા દૂર આવેલ હોવાથી અહીં વસવાટ કરતા લોકો ડિવાઈડર ઓળંગીને જાનના જોખમે રોડ ક્રોસ કરે છે, જેના લીધે અવારનવાર અહીં અકસ્માત થાય છે, હાઇ-વે ઓથોરિટી દ્વારા આ સ્થળે જો ક્રોસિંગ મુકવામાં આવે તો અકસ્માત નિવારી શકાય એમ છે.


