નડિયાદ
કઠલાલના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર બાયપાસ રોડથી ઓવરબ્રિજ વચ્ચે રાત્રે પસાર થતી ટ્રકનું ટાયર એકાએક જામ થતાં રોડની સાઈડમાં ઉભેલી હતી. આ દરમિયાન ટ્રકની પાછળથી આવેલા કન્ટેનરે ટક્કર મારતાં ટ્રક ૫૦ ફુટ જેટલી ઘસેડાઈ હતી. આ ઘટનામાં ટ્રકના ક્લીનરનું મોત નિપજ્યું છે. ટ્રકના ચાલક અને ક્લીનર બન્ને ટ્રકની નીચે કામગીરી કરી રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલા કન્ટેનરે ટક્કર મારતાં ક્લીનર ટાયર નીચે કચડાઇ જતાં મોત થયું છે. જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે. આ મામલે કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. કઠલાલ નજીકના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર બાયપાસ રોડથી ઓવરબ્રિજ વચ્ચે રાત્રે પસાર થતી ટ્રક નંબર (એમપી ૦૯ એચએચ ૯૨૧૫)ના ટાયર જામ થતા આ ટ્રક બંધ થઈ ગઈ હતી. ટ્રકના ચાલક રાહુલ જામસી જાેગડીયાએ આ ટ્રક હાઇવેની સાઇડમાં ઉભી રાખી હતી અને ક્લીનર હીરાસિહ ભંગડા ડાવર (ઉ.વ.૧૯) સાથે બંધ ટ્રકની નીચે બેસી રીપેરીંગની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટે આવેલા કન્ટેનર નંબર (જીજે ૦૩ બીવાય ૯૪૧૫)ના ચાલકે ઉપરોક્ત ટ્રકને પાછળથી જાેરદાર ટક્કર મારી હતી. જેના કારણે બંધ ટ્રકની નીચે કામ કરતા પૈકી ટાયર પાસે બેઠેલા ક્લીનર હિરાસિંહ પર ટાયર ફરી વળતાં તે કચડાઈ ગયા હતા. ટ્રકનું ટાયર તેઓના શરીર પરથી ફરી વળતા તેમનુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જ્યારે અકસ્માત બાદ ટ્રક આગળ ૫૦ ફુટ જેટલી ઢસડાઈ હતી. આ ઘટનામાં ચાલક રાહુલ જામસી જાેગડીયાનો ચમત્કારિક બચાવ થયો છે. આ સમગ્ર બનાવ મામલે કઠલાલ પોલીસે રાહુલ જામસી જાેગડીયાની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
