Gujarat

નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ હેઠળ મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી વ્યાજ સહાયની યોજના

જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૨૮ એકમોની અરજી મંજૂર; રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૨૫૪.૩૨ લાખની સહાય ચૂકવાઈ
******
MSMEને પ્રોત્સાહન માટે ધિરાણના ૨૫ ટકા સુધીની કૅપિટલ સબસિડી આપવાની જોગવાઈ; સહાયની મહત્તમ મર્યાદા રૂ. ૩૫ લાખ
******
રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને ઊર્જાવાન બનાવવા માટે વર્ષ ૨૦૨૦માં ગુજરાતની નવી ઉદ્યોગ નીતિ જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજ્યના નવા ઉદ્યોગો માટે જમીન, સબસિડી તેમજ મધ્યમ, નાના અને સૂક્ષ્મ કદના ઉદ્યોગોને રાહત આપતી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ યોજનાની જ એક મહત્વપૂર્ણ કડી છે – MSME એટલે કે મધ્યમ, નાના અને સૂક્ષ્મ કદના ઉદ્યોગો માટે વ્યાજ સહાયની યોજના. આ યોજનાના પરિણામે આજે રાજ્યમાં MSME એકમો સાથે રોજગારીની તકોમાં ખૂબ જ વધારો થયો છે.
MSME એકમોને વ્યાજ સહાયની યોજનાથી પ્રેરાઈને ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૨ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માટે કુલ ૧૯૭ અરજીઓ મળી હોવાની વિગતો આજે વિધાનસભા ગૃહ ખાતે રજૂ કરવામાં આવી હતી. આ અરજીઓ પૈકી ૧૨૮ એકમની અરજીઓને મંજૂરી આપી રાજ્ય સરકાર દ્વારા વર્ષ દરમિયાન કુલ રૂ. ૨૫૪.૩૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નવી ઉદ્યોગ નીતિ – ૨૦૨૦ અંતર્ગત મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો એટલે કે MSMEને પ્રોત્સાહન આપવા માટે ધિરાણના ૨૫ ટકા સુધીની કૅપિટલ સબસિડી મળવાપાત્ર છે, જેની મહત્તમ મર્યાદા રૂ. ૩૫ લાખ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને વિદેશી ટેક્નોલૉજી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ નીતિમાં હેતુ માટે થયેલા કુલ ખર્ચના ૬૫ ટકા સુધીની સહાયની પણ જોગવાઈ કરવામાં આવેલી છે, જેની મહત્તમ મર્યાદા રૂ. ૫૦ લાખ નક્કી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *