દેશનું એકમાત્ર અને તે પણ ગર્વમેન્ટ ઓર્ગેનાઈઝડ ધરાવતું ગીર ગાયનું સંવર્ધન કેન્દ્ર જૂનાગઢમાં છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તેનું સંચાલન કરે છે. ગીર ગાય માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશી કુળની શ્રેષ્ઠ અને દૂધમાં અધિક ગુણ ધરાવતી ગાય તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે. ૭૦૦ ગીર ગાય અને ૪૦૦ જાફરાબાદી ભેંસનું સંવર્ધન કરતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કેટલ ફાર્મમાં દૂધના ઉત્પાદન અંગે આઇસીએઆર(ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ)ના બે પ્રોજેક્ટ કાર્યરત છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી તેમજ ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના સંકલનથી હવે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કેટલ ફાર્મની ૧૮૪ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીથી પશુચારામાં ઉપયોગી થતા પાકોના ઉત્પાદન થકી ગીર ગાયના સંવર્ધન કેન્દ્રને સંપૂર્ણ પ્રાકૃતિક કરવા માટે કમર કસી છે.
જૂનાગઢના ગીર ગાયના સંવર્ધન કેન્દ્રને માત્ર કૃષિ યુનિવર્સિટી પુરતું સિમિત ન રાખીને ગીર ગાયનું વિસ્તરણ થાય અને શ્રેષ્ઠ ઓલાદ મળી રહે તે માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પશુ સંવર્ધન કેન્દ્ર ગૌવંશ અને શ્રેષ્ઠ ઓલાદ ગ્રામ પંચાયતોને પણ આપવામાં આવે છે. આ યોજનાનો ઘણી ગ્રામ પંચાયતોએ પણ લાભ લીધો છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેટલ ફાર્મ અને પશુ સંવર્ધન કેન્દ્રના વડા તરીકે કાર્યરત સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.ડી.સાવલિયા વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢનું આ સરકારી યુનિવર્સિટી હસ્તકનું ગીર ગાય સંવર્ધન કેન્દ્ર હવે તેની વંશાવલીથી પણ જાણીતું બન્યું છે. ગાયોના ગોવાળ ગાયને આપેલા નંબરથી ગાયને ઓળખવામાં મૂંઝવણ અનુભવતા હતા. જેથી તમામ ગાયના નામ આપી દેવાયા છે. ૩૫ વર્ષનો રેકોર્ડ ઉભો કરીને હાલ દૂધ આપતી ગાયની તેની આગળની ચોથી પેઢીએ તેની માતાની ઓળખ થઈ શકે અને વધુ ઉત્પાદન માટે અભ્યાસમાં ઉપયોગી થાય તે માટે પણ એક અભ્યાસુ વંશાવલી પણ તૈયાર કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ફાર્મ ભારતનું સૌથી મોટુ ઓર્ગેનાઈઝડ સંવર્ધન કેન્દ્ર છે. આ ફાર્મ ઇ.સ.૧૯૨૦થી નવાબ વખતથી કાર્યરત છે અને ત્યારથી આ ફાર્મમાં ગીર ગાયને રાખવામાં આવે છે. હાલમાં વાછરડા, વાછરડી અને ગીર ગાય સહિત ૭૦૦ની સંખ્યા છે. જ્યારે ૪૦૦ જેટલી જાફરાબાદી ભેંસ છે. આ પશુ સંવર્ધન કેન્દ્રનો હેતું ગીર ગાય અને જાફરાબાદી ભેંસનું દૂધ ઉત્પાદન સુધારવા, વધારવા પશુનો ખોરાકમાં સંશોધન કરવામાં આવે છે. આ પશુ સંવર્ધન કેન્દ્રમાં આઇસીએઆર(ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ)ની યોજના હેઠળ ગાય માટે એઆઇસીઆર અને જાફરાબાદી ભેંસ માટે નેટવર્ક પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત ગીર ગાય અને જાફરાબાદી ભેંસના દૂધ ઉત્પાદનમાં વધારો, ખોરાક સહિતનાઓ પર કામ કરવામાં આવે છે. જેમાં ગીર ગાયના દૂધ ઉત્પાદનમાં ૩૬ ટકા અને જાફરાબાદી ભેંસના દૂધ ઉત્પાદનમાં ૨૬ ટકાનો વધારો થયો છે.
પશુ સંવર્ધન કેન્દ્રમાં અદ્યતન લેબોલેટરી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પશુ સંવર્ધન કેન્દ્રમાં અદ્યતન લેબોલેટરી કાર્યરત છે. જ્યા કૃત્રિમ બીજદાન માટે આખલા અને પાડાના સિમેન રાખવામાં આવે છે. આથી સારી પશુ ઓલાદ બની શકે અને એકંદરે દૂધ ઉત્પાદન વધારવા માટે આ લેબોલેટરીમાં પરીક્ષણ કરવામાં આવે છે.
ગ્રામ પંચાયતના ઠરાવથી ૧૫૦૦ રૂપિયાએ અપાઇ છે ધણખૂંટ
પશુ સંવર્ધન કેન્દ્ર દ્વારા ગ્રામ પંચાયતના ઠરાવ બાદ ધણખૂંટ આપવામાં આવે છે. જેમાં જિલ્લા પંચાયતના નાયબ પશુપાલનની મંજુરીથી ૧૫૦૦ રૂપિયાએ ધણખૂંટ આપવામાં આવે છે. આથી ગીર ગાયની સારી ઓલાદ મળી શકે.
૧૫ લીટરથી વધુ દૂધ આપતી ગાયને ઇલાઇટ તરીકે ઓળખાય છે
પશુ સંવર્ધન કેન્દ્રમાં ૧૫ લીટરથી વધુ દૂધ આપતી ગીર ગાયો છે. આ ગીર ગાયને ઇલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. એક ગાય ૧૫ લીટર દૂધ આપે છે. આથી સારી ઓલાદથી દૂધ ઉત્પાદન વધે છે.


