ગાંધીનગર,
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રએ આજે ગાંધીનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સ્ટીમ એન્જિનથી શરૂ કરીને વંદે ભારત ટ્રેન અને બુલેટ ટ્રેન સુધીની પ્રગતિ તથા ગુજરાતના રેલવે સ્ટેશનોના વિકાસ અંગે તેમણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે વિસ્તૃત વાતચીત કરી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતીય રેલવે દેશને એકતાના તાંતણે બાંધવાનું કામ કરે છે. રેલવેમાં સાથે સફર કરતાં કરતાં સહપ્રવાસીઓ વચ્ચે મિત્રતા અને પારિવારિક સંબંધો બંધાઈ જાય છે. દેશનું દર્શન કરવું હોય તો રેલવે યાત્રા સૌથી શ્રેષ્ઠ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય રેલવેએ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેનો કાયાકલ્પ કરી નાખ્યો છે. પહેલાં ગંદકીના પર્યાય સમી ભારતીય રેલવે આજે સફાઈ અને સ્વચ્છતામાં અજાેડ છે. લોકો હોંશે હોંશે રેલવે મુસાફરી કરી રહ્યા છે. પહેલાં ભારતીય રેલવે હંમેશા વિલંબથી જ ચાલતી. હવે લોકો રેલવે સાથે પોતાની ઘડિયાળ મેળવી શકે છે. વેપાર ઉદ્યોગની વૃદ્ધિમાં પણ રેલ્વે અને વાહન વ્યવહારના સાધનોની મહત્વની ભૂમિકા છે એમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું.
ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર-મુંબઈ અને મધ્યપ્રદેશની પણ જવાબદારી સંભાળતા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રએ કહ્યું હતું કે, ગાંધીનગર રેલવે સ્ટેશનની જેમ જ અમદાવાદ અને સાબરમતી તથા સુરત અને ઉધનાના રેલવે સ્ટેશનનું પણ ડેવલપમેન્ટ વર્ક હાથ ધરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં પણ મંદિરની પ્રતિકૃતિ તાદ્રશ્ય થાય એ પ્રકારે રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે.
વંદે ભારત ટ્રેનની સુવિધા અને સફળતા વર્ણવતાં તેમણે કહ્યું હતું કે, હવાઈ સફર કરતાં પણ મુસાફરોને વંદે ભારત ટ્રેનની યાત્રા વધુ આરામદાયક અને શાંત લાગે છે. વિમાન કરતાં અડધો અવાજ વંદે ભારત ટ્રેનમાં અનુભવાય છે.
અમદાવાદ ખાતેના ડિવિઝનલ રેલવે મેનેજર તરુણ જૈન પણ આ મુલાકાતમાં જાેડાયા હતા.