Gujarat

પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અંતર્ગત વર્ષ-૨૦૨૪ સુધીમાં રાજ્યના તમામ જરૂરીયાતમંદ કુટુંબોને પોતાના સ્વપ્નનું ઘર પુરૂ પાડવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક ઃ મંત્રી ઋષિકેશ પટેલ

ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) તા.૨૦મી નવેમ્બર ૨૦૧૬થી અમલમાં મુકવામાં આવી છે. આ પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૨૪ સુધીમાં ઘર વિહોણા અને કાચા આવાસ ધરાવતા એક પણ જરૂરીયાતમંદ કુટુંબો પોતાના સ્વપ્નનું ઘર વિના ન રહે તેવો ગુજરાત સરકારનો લક્ષ્યાંક છે. જેના ભાગરૂપે આ યોજના અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ ૧,૪૨,૧૮૬ આવાસોને મંજુરી આપી દેવામાં આવી છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અંબાજી ખાતે ૧૫,૦૦૦ આવાસોનું, વડોદરા ખાતે એક લાખ આવાસોનું તેમજ દાહોદ મુકામે ૯,૮૦૦ એમ કુલ ૧,૨૪,૮૦૦ આવાસોનું લોકર્પણ કરવામાં આવ્યુ હતુ તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ છે.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, આ યોજના અંતર્ગત પ્રથમ હપ્તાના રૂ. ૩૦ હજાર પેટે ૫૬,૩૫૮ લાભાર્થીઓના ખાતામાં ડ્ઢ.મ્.્‌ ના માધ્યમથી કુલ રૂ.૧૬૯ કરોડથી વધુ ટ્રાન્સફર કરવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત આ યોજના અંતર્ગત છ માસમાં આવાસ બનાવીને પૂર્ણ કરી દેનાર કુલ ૨૨,૫૦૦ લાભાર્થીઓને મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના હેઠળ રૂ. ૨૦ હજારની સહાય પેટે કુલ રૂ. ૪૫ કરોડ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવ્યા છે. એટલુ જ નહિ, રાજ્ય સરકારની મુખ્યમંત્રી બાથરૂમ બાંધકામ માટે લાભાર્થી દીઠ રૂ. ૫ હજારની અતિરીક્ત સહાય આપવામાં આવી છે. જે અંતર્ગત કુલ ૩૧,૩૮૫ લાભાર્થીઓને રૂ. ૧૫.૬૯ કરોડ લાભાર્થીઓના બેન્ક ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા તા.૧૯ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૧,૮૪,૬૦૫ આવાસનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકની સામે અત્યાર સુધીમાં કુલ ૧,૪૨,૧૮૬ આવાસોને મંજુરી આપી દેવામાં આવી છે. વર્ષ ૨૦૨૩ના મે મહિના સુધીમાં આ તમામ આવાસોનું ખાતમુહુર્ત કરી પ્લીન્થ લેવલ સુધી પહોંચે તે પ્રકારનું આયોજન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *