Gujarat

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના’ બની કઠલાલના પરિવાર માટે સુરક્ષા કવચ

સ્વાગત’ કાર્યક્રમ એટલે સમાજના છેવાડાના માનવીની પીડા દૂર કરવાનો સેવાયજ્ઞ
————————————–
માત્ર રૂ. ૧૨માં મળ્યો રૂ. ૨ લાખનો લાભ..
———————————-
મકસુદ કારીગર.કઠલાલ
જો કોઇ કહે કે, માત્ર રૂ. ૧૨માં રૂ. ૨ લાખનો લાભ મળે…. આવું જો કહીએ તો ચોક્કસ તેને ટાઢા પહોરનું ગપ્પું માની લે….. પરંતુ આ વાત હકીકત છે અને તે ખેડા જિલ્લાના કઠલાલમાં સાકાર થઇ છે.
રાજ્ય સરકારના લોકાભિમુખ વહીવટની પારાશીશી સમાન ‘સ્વાગત’ કાર્યક્રમમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના’ અંગેની એક અરજીનો તાજેતરમાં રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં નિકાલ થતાં સંબંધિત પરિવારને આ રૂ. ૨ લાખની રકમ મળી છે.
વાત જાણે એમ છે કે, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં લસુન્દ્રા ખાતે ભાડાના મકાનમાં રહેતા અને સહકારી મંડળીમાં સામાન્ય નોકરી કરતા સુરેન્દ્રસિંહ મોહનસિંહ પ્રાકડાએ કોઇ પાસેથી વિગતો જાણી ‘પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના’ હેઠળ વીમો લીધો હતો. તેમનું ઘર રાજીખુશીથી ચાલતું હતું. પરંતુ સમાન પરિસ્થિતિ રહે તો જીવન ન કહેવાય. સમયે-સમયે પરીક્ષા લે તેનું નામ જીવન છે.
કંઇક આવું જ થયું સુરેન્દ્રસિંહના જીવનમાં… કોરોનાના સમયગાળા દરમિયાન એક દિવસ તેઓ બાથરૂમમાં ન્હાવા ગયા ત્યારે તેઓને સાપે ડંખ મારી દીધો હતો. સાપ ઝેરી હોવાથી તેમનું પ્રાણપંખીડું ત્યાં જ ઉડી ગયું હતું. ઘરમાં એક જ કમાનાર વ્યક્તિ હતા અને તેઓનું આકસ્મિક મૃત્યુ થતા પ્રાકડા પરિવાર પર મોટી મુશ્કેલી આવી પડી હતી.
તેમના મૃત્યુ બાદ તેઓના ડોક્યુમેન્ટ્સ ચેક કરતાં તેઓની ‘પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના’ અંગેની જાણ થઈ હતી. તેઓ ફક્ત રૂ. ૧૨નો વાર્ષિક વીમો ભરીને આ યોજનામાં જોડાયા હતા. આ લઇને તેઓએ બેંકમાં તપાસ કરી. તપાસ કરતાં જાણવા મળ્યું કે, સ્વર્ગસ્થ પિતાજીએ ‘પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના’ લીધી હતી. ઘરની ખરાબ આર્થિક સ્થિતિમાં જો આ રૂ. ૨ લાખની રકમ મળી જાય તો તેમને માનસિક અને આર્થિક આશ્વાસન મળે. આથી, તેઓએ બેંકનો સંપર્ક કરતા તેઓએ વીમા કંપનીનો સંપર્ક કરવા માટે જણાવ્યું. વીમા કંપનીમાં સંપર્ક કરતાં તેઓએ સ્વ. સુરેન્દ્રસિંહના મૃત્યુને પ્રમાણિત કરતાં પ્રમાણપત્રોની માંગ કરી. પરંતુ ગામડામાં આવી જાણકારી ન હોવાથી એમ જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુનું કોઇ પ્રમાણપત્ર હતું નહીં. આથી, વીમા કંપની દ્વારા તેમનો દાવો મંજૂર કરવામાં આવતો ન હતો.
આ અંગે ન્યાય મેળવવા માટે તેમણે રાજ્ય સરકાર દ્વારા સામાન્ય નાગરિકની ફરિયાદ સાંભળીને તેનો સંવેદનશીલતાથી નિકાલ કરતાં કાર્યક્રમ રાજ્ય ‘સ્વાગત’માં આ અંગેની ફરિયાદ કરી હતી.
આ અંગેનો પ્રશ્ન રાજ્ય ‘સ્વાગત’ માં આવતાં મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અંગે જરૂરી પગલા લઇને ત્વરિત તેની ચૂકવણી કરવા માટેની સૂચના આપવામાં આવતાં તત્કાલિન નડિયાદ કલેક્ટર દ્વારા અને બેંક ઓફ બરોડાના લીડ બેંક મેનેજરના સહયોગથી તેમને સ્વ. સુરેન્દ્રસિંહના મૃત્યુ અંગેનું જરૂરી પ્રમાણપત્ર બનાવી આપવામાં આવ્યા. જેને વીમા કંપનીમાં રજૂ કરવામાં આવતા તેમનો દાવો મંજૂર કરવામાં આવ્યો હતો.
આમ, દર વર્ષે માત્ર રૂ.૧૨ ભરવાથી સુરેન્દ્રસિંહના પરિવારને મુશ્કેલીના સમયમાં રૂ. ૨ લાખની રકમ પ્રાપ્ત થઇ છે. આ તો એક કિસ્સો છે પરંતુ આવા હજારો રાજ્યના નાગરિકોની પીડા, વેદના, મુશ્કેલી અને સમસ્યાઓનું ‘સ્વાગત’ કાર્યક્રમ દ્વારા નિરાકરણ આવ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં ૫.૨૫ લાખથી વધુ અરજીઓનો ‘સ્વાગત’ કાર્યક્રમ દ્વારા નિકાલ લાવવામાં આવ્યો છે.

1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *