ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના મહત્વને સમજાવવા માટે કૃષીઋષી સંતયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શાળાકક્ષાની પ્રવૃતિ હેઠળ જિલ્લાની પ્રાથમિક શાળાના ૫૦ હજારથી વધુ બાળકોએ પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના મહત્વને નીતિગત સ્વીકારી તે બદલ વડાપ્રધાનશ્રીને પત્ર લખી આભાર વ્યક્ત કર્યો છે.
જૂનાગઢ જિલ્લાના પ્રાકૃતિક ખેતી વધુ પ્રોત્સાહન મળે સાથે જ દેશી ગાયનું પાલન, પોષણ અને સંવર્ધન કરે તે માટે તા.૪ જાન્યુઆરીથી સમગ્ર જિલ્લામાં ગાંમડે ગાંમડે ફરી રહી છે. આ યાત્રાનું તા. ૧૪ જાન્યુઆરીના રોજ સમાપન થશે. આ યાત્રાના ૧૫ રથ પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયનો પ્રચાર-પ્રસાર અર્થે ફરી રહ્યા છે. ત્યારે શાળાકક્ષાની પ્રવૃતિને લઈને જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાના ૫૦ હજારથી વધુ બાળકોએ વડાપ્રધાનશ્રીને પત્ર લખી જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીને નીતિગત સ્વીકારવાનું કામ કર્યું છે અને પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે માટે યોજનાઓ ઘડી છે. તેના લીધે હવે અમોને અમારા ભવિષ્ય માટે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. વધુમાં તેમણે લખ્યું કે, આપ અમોને આચાર્ય દેવવ્રત જેવા રાજ્યપાલ આપ્યા જેવો આ પ્રાકૃતિક ખેતીને દિવસે રાત મહેનત કરીને આગળ વધારી રહ્યા છે. બહુ જ કુનેપૂર્વક સરકારી તંત્ર અને કૃષિ યુનિવર્સિટીઓને પણ આમાં સામેલ કરી રહ્યા છે. તેના માટે અમો બાળકો ફરી વખત આપનો હ્રદય પૂર્વક આભાર માનીએ છીએ.
શાળા કક્ષાની પ્રવૃતિ દરમિયાન શાળાઓમાં બાલસભાનું આયોજન કરી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતિ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યાં હતા.
