સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં હવે ખરેખરો શિયાળો જામ્યો. ઠંડીનો પ્રભાવ વધવાથી લોકો ગરમ કપડાં અને તાપણાંની મદદથી લોકો ઠંડી દૂર કરવા પ્રયત્ન કરતાં જોવા મળ્યાં. આમ તો છેલ્લાં બેચાર દિવસથી વાદળિયું વાતાવરણ હટતાં ઠંડીએ બોકાસો બોલાવ્યો. આ કાતિલ ઠંડીના માહોલમાં ભલભલાની દાઢી ડગમગવા લાગી. આમ પોષ માસે પોતાનો અસલી મિજાજ જતાં જતાં બતાવ્યો તો ખરો. ઠંડીના આવા કાતિલ સમયમાં તાપમાનનો પારો ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યો છે.. હજુ પણ એકાદ અઠવાડિયું આવી જ ઠંડીમાં પસાર થાય તો નવાઈ નહી પામતાં. લોકો પણ હવે ઠંડી ઉડાડવા માટે ગરમાગરમ મસાલાથી ભરપૂર બ્લેક ટી (કાવો) એક શિયાળું સિઝનનાં પીણાં તરીકે પી રહ્યાં છે. તો વળી કોઈ બદામ અંજીરમિશ્રિત ખજૂરના દૂધનો આસ્વાદ માણતાં જોવા મળે છે.. આમ ખરો શિયાળો તો હવે જામ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ આ કાતિલ ઠંડીમાં સાવધાની રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. ખાસકરીને વૃદ્ધો હ્રદયને લગતી બિમારીઓ તથા નાના બાળકોને ઠંડીથી પુરતું સંરક્ષણ મળે એવી વ્યવસ્થા પરિવાર દ્વારા કરવી જરૂરી છે.

