અહીં નલ સે જલનું પાણી આવતું જ નથી
એક જ હેન્ડપમ્પમાં પીવા લાયક પાણી: દસ બેડાં પાણી નીકળ્યા પછી ડચકા ખાય છે એ હેન્ડપમ્પ
પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા બીજા બે હેન્ડપમ્પની ગ્રામજનોની માંગ: નહિતર આંદોલનનો ગોઠવાઇ રહ્યો છે તખ્તો
બોડેલી તાલુકાના પ્રતાપનગર ગામે પીવાના પાણી માટે ગ્રામજનો એકમાત્ર હેન્ડ પંપ ઉપર માથે બેડા લઈ લાઇન લગાવી રહ્યા છે. આ હેન્ડપંપમાંથી મોટર મૂકી અને ટાંકીમાં પાણી ભરવાની પણ યોજના કાર્યરત છે. જોકે હેન્ડપંપ ના બોરમાં 10 બેડા પાણી નીકળ્યા પછી ખૂટી પડે છે. જેથી આ યોજના પણ ફારસ રૂપ નીવડી છે. પાણી પુરવઠા વિભાગ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તેમજ વાસમો યોજના હેઠળના અધિકારીઓ પ્રતાપનગર ગામે સર્જાયેલા જળ સંકટના નિવારણ માટે પ્રયત્નો કરે તેવી ગ્રામજનોની માંગ છે.
પ્રતાપનગર ગામે આદિવાસી ફળિયામાં એકમાત્ર હેન્ડ પંપ એવો છે કે જેમાંથી મીઠું અને પીવા લાયક પાણી મળી રહે છે. અત્રે બીજા પણ હેન્ડ પંપ છે પરંતુ વધુ પડતા ક્ષારવાળું પાણી આવતું હોય ગ્રામજનો તેનો ઉપયોગ કરી શકતા નથી. ગામમાં નલ સે જલ યોજના હેઠળના નળ લગાવી આપવામાં આવેલા છે. પરંતુ તેમાં હજી સુધી પાણી આવ્યું નથી. પાણીના પોકાર કરતા ગ્રામજનોએ પ્રતાપ નગર ગામને પાણી આપો તે પ્રકારના સૂત્રોચારો કરી આંદોલનાત્મક પ્રદર્શન પણ કર્યું હતું. પ્રતાપનગર ગામે રૂબરૂ મુલાકાત લેતા ગ્રામજનોએ વહીવટદારના રાજમાં માત્ર અંધારું જ રહી ગયું હોવાની રજૂઆત કરી પીવાના પાણીના પ્રશ્નના નિવારણ માટે તંત્ર નિષ્ફળ ગયું હોવાનો ઉગ્ર રોશ વ્યક્ત કર્યો હતો.
બોક્સ 1
એક જ હેન્ડપમ્પમાં પીવા લાયક પાણી મળે છે તે પણ સાવ ઓછું છે!
વહીવટદારના રાજમાં ગામમાં અંધારું!
– રમણભાઇ રાઠવા, માજી કારોબારી અધ્યક્ષ, તાલુકા પંચાયત
પ્રતાપનગર ગામના આદિવાસી ફળિયામાં એકમાત્ર હેન્ડ પંપ છે જ્યાં પીવા લાયક પાણી મળી રહે છે આ હેન્ડ પમ્પ પર રામજનો પીવાનું પાણી મેળવવા માટે લાઇન લગાવે છે બીજો એક હેન્ડ પંપ આદિવાસી ફળિયામાં દોલાભાઈ ભાઈ ના ઘર પાસે કરવો જરૂરી છે નટુ ભગારાના ઘર પાસે તથા ખાંડીવાવ ફળિયામાં હેન્ડપમ્પ આપવામાં આવે તેવી અમારી માંગ છે.
બોક્સ 2
બીજા હેન્ડપમ્પ મુકાય તો જ પ્રશ્ન ઉકલે તેમ છે
– ખમાણભાઇ રાઠવા મુ.પ્રતાપનગર
આ એક જ હેન્ડપમ્પનું પાણી આખું ગામ પીવે છે.કેટલાક લોકો દૂર ખેતરોએથી ભરી લાવે છે.80 વર્ષના વૃધ્ધો પણ અહીં હેન્ડપમ્પ પર અશક્ત શરીર હોવા છતાં પાણી ભરવા મજબૂર છે.નલ સે જલ નુ અહીં કોઈ અસ્તિત્વ જ નથી.
બોક્સ 3
એક હેન્ડપમ્પ પર કેટલું નભીએ? લાંબુ પરિવાર હોઈ જરૂરતનું પાણી તો જોઈએ ને?
અમે બહાર રહીએ છીએ.10 થી 15 દિવસ માટે અહીં આવીએ છીએ.અમારું વિશાળ સંયુક્ત પરિવાર છે.આ હેન્ડપમ્પ પર અમારે પણ બે બે કલાક પાણી માટે લાઈનમાં ઉભા રહી બે બેડાં પાણી મેળવવા સંઘર્ષ કરવો પડે છે.
બોક્સ 4
પાણીની સમસ્યા તાત્કાલિક હલ કરો
– મનાભાઇ નાયકા
ઉનાળામાં પાણીની જરૂરત વધી રહી છે.બહાર રહેતા ગ્રામજનો પણ આવેલા છે.તે વચ્ચે ગામમાં પાણીની સમસ્યાઓને હલ કરવા આંદોલન કરવું પડે તે કેવી વાત કહેવાય?
બોક્સ 5
તાલુકાના અધિકારીઓ,પદાધિકારીઓને રજૂઆતો કરી પણ પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ કોઈ લાવી શક્યું નથી
-ભરતભાઇ રાઠવા
અમે એક હેન્ડપમ્પ પર આખું ગામ નભીએ છી.વધારાની સુવિધાઓ માટે તેમજ ગામમાં ઉભા થયેલા જળસંકટના નિવારણ માટે બોડેલી ટીડીઓ, પદાધિકારીઓને રૂબરૂ મળી રજુઆત કરી છે.થઇ જશે એમ કહ્યું હતું પણ કઇ ઉકેલ આવતો નથી.
બોક્સ 6
બોડેલીના પા.પુ..યોજના મિકેનીકલ વિભાગની મીની યોજના ફારસ રૂપ નીવડી
અહીં જ ગોઠવાયો છે હેન્ડપમ્પ, જ્યાં લાગે છે લાઈનો
આ યોજનાના સોર્સમાં અપૂરતું પાણી છે. જ્યાંના હેન્ડપમ્પ પર આખું ગામ રોજના બે બેડાં પાણી મેળવવા આકરા તાપમાં કલાકો ઉભા રહે છે! મીની યોજના હેઠળ ટાકી, બેઝ, પાઇપલાઇન બનાવાઈ છે.તેનો સોર્સ ગણાતા બોરમાં પાણી તળિયા ઝાટક થઇ ગયા હોવાનું ગ્રામજનો જણાવે છે.નિષ્ફળ નિવડેલી યોજના કામની નથી.પણ ગ્રામજનો આ બોરમાંથી હેન્ડપમ્પ મારફતે મળતા ત્રુટક ત્રુટક પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


