આજ રોજ બોડેલીની શેઠ ટી. સી. કાપડિયા આટર્સ એન્ડ કોમર્સ કૉલેજનો 59 મો વાર્ષિકોત્સવ અને શેઠ યુ. ટી. કાપડિયા લૉ કૉલેજનો પ્રથમ વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો આરંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મુખ્ય મહેમાન અને સૌરાષ્ટ્ર યુનિ. ના પૂર્વકુલપતિ ડૉ. નીતિનભાઈ પેથાણી સાહેબનું આ કોલેજના આચાર્યશ્રી ડૉ. હસમુખ એમ. કોરાટ સાહેબ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ મુખ્ય મહેમાન શ્રીને મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ. કોલેજના વાર્ષિક અહેવાલનું વાંચન આ કોલેજના કોમર્સ વિભાગના પ્રા. શ્રી બિપીનચંદ્ર સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આ કોલેજની પ્રગતિ અંગેનો અહેવાલ રજૂ કરતાં એમણે કહ્યું હતું કે, આ કૉલેજ સતત પ્રગતિના સોપાનો સર કરી રહી છે. અહીં એમ. એ. (ગુજરાતી / અર્થશાસ્ત્ર ), એમ. કોમ. ચાલુ કરવામાં આવ્યા તો લૉ જેવી ફેકલ્ટી પણ ચાલુ કરવામાં આવી. જેનો લાભ આ કોલેજના અને આ વિસ્તારના વિદ્યાર્થીઓને મળશે.
ત્યાર બાદ, આ કોલેજનાં ઉપપ્રમુખ શ્રી કન્ચનભાઈ પટેલ દ્વારા પણ ઉદબોધન કરવામાં આવ્યું હતું.
મુખ્ય મહેમાન એવા એવા ડૉ. નીતિનભાઈ પેથાણી સાહેબે એમનાં વક્તવ્યમાં જે વિદ્યાર્થીઓને અભિવાદિત કરવાનાં છે એ સહુને અને જેઓને પુરસ્કાર નથી મળવાનો એવાં વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ વ્યાખ્યાન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, વાર્ષિકોત્સવ એટલે આપણાં અસ્તિત્વનો ઉત્સવ. આ વૃતાંતનો દિવસ સીઘે. કોઈ પણ વૃત્ત કાં તો આપણને પ્રવૃત્ત કરે છે અથવા તો નિવૃત્ત. એમણે કહ્યું કે આ શ્રેષ્ઠ કોલેજનું શ્રેષ્ઠત્વ હું જોઈ રહ્યો છું. આ કૉલેજમાં 3500 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ બાબત જ બતાવે છે કે આ કૉલેજની મહત્તા શું છે? વ્યક્તિ નિર્માણની પ્રવૃત્તિ માટે અધ્યાપક કેન્દ્રસ્થ છે. માત્ર શૈક્ષણિક વિકાસ એ એકાંગી વિકાસ છે. વિકાસ સર્વાગી થવો જોઈએ. આપણે Local to Globle તરફની છલાંગ લગાવવાની હોય છે. એમણે સ્વામી વિવેકાનંદને યાદ કરીને એમણે દર્શાવેલા પંચશીલ ગુણ – લક્ષણોની વાત પણ કરી હતી. સ્વ ઓળખને કારણે પ્રગતિ તો થશે જ થશે પણ સાથોસાથ એક તંદુરસ્ત સમાજની રચના પણ થશે.
ત્યાર પછી અભ્યાસક્ષેત્રે અને અન્ય સાંસ્કૃતિક ક્ષેત્રે વર્ષ દરમિયાન સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું અને ખાસ કરીને આ કોલેજમાંથી રમત-ગમત ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. વચ્ચે વચ્ચે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવાકે, લોકનૃત્ય, સોન્ગડાન્સ, કોમેડી ડાન્સ વગેરે પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. છોટાઉદેપુર કોલેજના આચાર્ય શ્રી ડૉ. વી. એમ. પટેલ સાહેબ દ્વારા આ કાર્યક્રમ નિમિતે શુભેચ્છા સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો. અને પ્રતિનિધિ તરીકે એમની કોલેજના ગુજરાતી વિભાગના પ્રો. ડૉ. જયેન્દ્રસિંહ સિંધા સાહેબ હાજર રહ્યા હતા. વળી, કોલેજના આ કાર્યક્રમમાં આ કોલેજના શ્રી બોડેલી વિભાગ કેળવણી મંડળ, બોડેલીના તમામ સભ્યો એ હાજરી આપી અને ચાર ચાંદ લગાવ્યા હતા. તો કૉલેજનાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફે પણ હાજરી આપી પોતાને સોંપવામાં આવેલ જવાબદારી બરાબર અદા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના વડા ડૉ. ધાર્મિષ્ઠાબેન જી. રાજપૂતે કર્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


