ભરૂચ
ઝઘડિયા તાલુકાના બોરજાઈ ગામ પાસે ખોડીયાર માતાજી મંદિરથી મોરતળાવ વચ્ચે ટ્રેકટર ચાલકે બાઈક સવારને ટક્કર કરતા તેનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકાના ગુંડેચા ગામમાં રહેતા મહેન્દ્ર ખાલપા વસાવાનો પુત્ર ૨૩ વર્ષીય અંકિત વસાવા પોતાની બાઈક નંબર-જીજે.૧૬ ડીએચ ૫૨૫૭લઇ ઝઘડિયા જી.આઈ.ડી.સી.ની અનુપમ રસાયણ કંપનીમાં નોકરી ઉપર જવા નીકળ્યો હતો. તે દરમિયાન બોરજાઈ ગામ પાસે ખોડીયાર માતાજી મંદિરથી મોરતળાવ વચ્ચે પુરપાટ ઝડપે ટ્રેકટર નંબર જીજે ૧૬ આર ૮૯૫૩ના ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને ૧૦૮ સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા માર્ગમાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ઝઘડિયા જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


