Gujarat

મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશેઃ પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ

ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. રાજ્ય મંત્રીમંડળની આ બેઠકમાં લેવાયેલા મહત્વના ર્નિણયો અને થયેલી ચર્ચા અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર અનધિકૃત વ્યાજખોરો દ્વારા સામાન્ય નાગરિકોને કરવામાં આવતી કનડગત સાંખી લેશે નહીં. તેના માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.
અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરતા વ્યાજખોરો વિરુદ્ધ રાજ્ય સરકાર મેગા ડ્રાઈવ ચલાવી રહી છે. તા. ૫મી જાન્યુઆરીથી ચાલી રહેલી મેગા ડ્રાઇવના બે અઠવાડિયામાં એટલે કે તા.૧૭ જાન્યુઆરી સુધીમાં ૧૦૭૭ વ્યાજખોરો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે, ૬૯૯ની ધરપકડ કરવામાં આવી છે અને ૬૪૩ વ્યાજખોરો સામે એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.
પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વ્યાજખોરોનો ભોગ બનેલા નાગરિકો ફરિયાદ કરી શકે અને પોલીસનું રક્ષણ મેળવી શકે તે માટે તા. ૧૭મી જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં ૧૩૬૯ લોકદરબાર યોજાયા છે. મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *