ગાંધીનગર
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયાએ આત્મીય અભિગમ દાખવીને ગાંધીનગરના સેક્ટર ૩ ખાતે કાર્યરત આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરીને આંગણવાડી ખાતે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ ભૂલકાઓને એક માતાની જેમ પોતાના હાથે ભોજન જમાડ્યું હતું. મંત્રીએ આંગણવાડી કેન્દ્રના ભૂલકાઓની સાથે સમય વિતાવ્યો હતો. આંગણવાડીના કાર્યકર તેડાગર બહેનો સાથે પણ આહાર તેમજ અને સુવિધા સંબંધી પરામર્શ કર્યો હતો.
મંત્રી ભાનુબહેન બાબરીયાએ ઉમેર્યું હતું કે, રાજ્યના ભુલકાઓને પાયાનું શિક્ષણ મળી રહે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્યના ૩ થી ૬ વર્ષના બાળકો માટે રાજ્યભરમાં ૫૩૦૨૯ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોને શિક્ષણની સાથે તેમનું આરોગ્ય પણ સ્વસ્થય રહે તે માટેનું સમયબદ્ધ આયોજન કરવામાં આવ્યું છે. આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને રમતની સાથે સાથે જ્ઞાન પણ આપવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂ.૨૬૮ કરોડની જાેગવાઇ પણ કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભણતરની સાથે બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સહી પોષણ દેશ રોશન”નાં આહવાનને ચરિતાર્થ કરવા રાજ્યની સંવેદનશીલ સરકાર કટીબદ્ધ છે. બાળકોનાં સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષના બાળકો માટે આંગણવાડી કેન્દ્રોમાં ૧૪ લાખથી વધુ બાળકોને બે વખત ગરમ નાસ્તો અને અઠવાડિયામાં બે દિવસ ફળ અપાય છે. રાજ્યના ૪૦ લાખથી વધુ ૬ માસથી ૩ વર્ષના નાના બાળકો અને ૩ થી ૬ વર્ષના અતિ ઓછા વજનવાળા બાળકો, કિશોરીઓ સર્ગભા અને ધાત્રી માતાઓ માટે ઘરે આપવા માટે રેડી ટુ કુક ટેક હોમ રાશન આપવામાં આવે છે. આ યોજના માટે રૂા.૧ હજાર ૪૫૨ કરોડ રૂપિયાની જાેગવાઈ આ વર્ષના અંદાજપત્રમાં કરવામાં આવી છે.
