જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં ૯ તાલુકાની ટીમ અને એક જિલ્લાની ટીમ એ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં માંગરોળ તાલુકાની ટીમ વિજેતા અને માળીયાહાટીના તાલુકાની ટીમ ઉપવિજેતા બની હતી.
ફીટનેશને આપણા રોજીંદા જીવનનો એક અભિન્ન ભાગ બનાવવાના ઉદેશથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “FIT INDIA” મુવમેન્ટ શરૂ કરી છે. “FIT INDIA” મૂવમેન્ટ ઝુંબેશને આગળ વધારવા, શારીરિક પ્રવુતિઓ વિશે જન-જાગૃતિ ફેલાવાના અને સ્વદેશી રમતોને પ્રોત્સાહન આપવાના ઉદેશ્ય તેમજ કર્મચારીઓના માનસિક, શારીરિક સ્વાસ્થ્ય જાળવણી તથા બિનચેપી રોગો સામે લડવા તથા વાહકજન્ય રોગો, રસીકરણ, ડાયાબિટીસ, ટીબી વગેરે આરોગ્ય કાર્યક્રમો અને આરોગ્યલક્ષી યોજનાઓનો પ્રચાર થાય તે હેતુથી જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ૨ દિવસીય આરોગ્ય કર્મીઓની ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બિલખા સ્થિત મનરેગા ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું.


