મનને શાંતિ કેવી રીતે મળે તે વિશે એક બોધકથા જોઇએ..એક ગરીબ વ્યક્તિ હતો જે દરરોજ પોતાના ગુરૂના આશ્રમમાં જઇને ત્યાં સાફ-સફાઇ કરતો હતો અને ત્યારપછી પોતાના કામ ઉપર જતો હતો. ક્યારેક તે પોતાના ગુરૂને કહેતો હતો કે આપ મને આર્શિવાદ આપો કે મને ઘણી જ ધન-દૌલત મળે.એક દિવસ ગુરૂજી તેને પુછી લે છે કે શું તૂં એટલા માટે આશ્રમમાં કામ કરવા માટે આવે છે? ત્યારે તે ગરીબ કહે છે કે હા, મારો ઉદ્દેશ્ય તો એ જ છે કે મને ઘણી જ ધન-દૌલત ભૌતિક સંપત્તિ મળે એટલા માટે જ આપનાં દર્શન કરવા માટે આવું છું અને ત્યારબાદ છુટક સામાન વેચું છું.ગુરૂજી ! મારા જીવનમાં સુખના દિવસ ક્યારે આવશે? ત્યારે ગુરૂજી કહે છે કે તૂં ચિંતા ના કરીશ,તારા જીવનમાં પણ એક સમય આવશે કે તારી તમામ મનોકામના પૂર્ણ થશે.ગરીબનો ધંધો ધમધોકાર ચાલે છે અને ધન-સંપત્તિ વધતી ગઇ અને વ્યસ્તતાના લીધે તેનું આશ્રમમાં આવવાનું પણ ઓછું થઇ ગયું.
કેટલાક વર્ષો પછી એક દિવસ સવારમાં તે આશ્રમમાં આવે છે અને સાફ-સફાઇ કરવા લાગે છે. ગુરૂજીએ નવાઇ સાથે પુછ્યું કે શું વાત છે? આટલા વર્ષો પછી આશ્રમમાં આવ્યા? મેં સાંભળ્યું છે કે હવે તો તમે બહુ મોટા શેઠ બની ગયા છો? ત્યારે તે કહે છે કે ગુરૂજી ! ધન-દૌલત તો ઘણી કમાયો છું.ઘણા જ સારા સંસ્કારી અને શ્રીમંત ઘરોમાં દિકરા-દિકરીના લગ્ન થયા છે,પૈસાની કોઇ કમી નથી પરંતુ જીવનમાં શાંતિ નથી.વિચારૂં છું કે દરરોજ આશ્રમમાં સેવા કરવા માટે આવું પરંતુ કામની વ્યસ્તતાના લીધે આવી શકતો નથી. ગુરૂજી ! આપના આર્શિવાદથી મને તમામ ભૌતિક સુખના સાધનો મળ્યા પરંતુ આપે મને જીંદગીમાં શાંતિ તો આપી જ નથી ત્યારે ગુરૂજી કહે છે કે તે સૂખના સાધનો માંગ્યા હતા શાંતિ તો માંગી જ નહોતી. તે સમયે ગુરૂજી કહે છે કે તેં જે માંગ્યું હતું તે તો તને મળી ગયું તો પછી હવે અહી શા માટે આવ્યા છો? ત્યારે શેઠની આંખમાં આંસુ આવી જાય છે,તે ગુરૂજીના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે હવે હું કંઇક માંગવા માટે સેવા નહી કરૂં.બસ મારા જીવનમાં શાંતિ મળે.ત્યારે ગુરૂજી કહે છે કે હવે તું નક્કી કરી લે કે તૂં કંઇક માંગવા માટે ગુરૂ આશ્રમની સેવા નહી કરે,ફક્ત મનની શાંતિના માટે જ આશ્રમમાં આવીશ.ગુરૂજીએ સમજાવ્યું કે માંગવાથી તમામ ભૌતિક સુખના સાધનો તો મળી જશે પરંતુ નિષ્કામભાવપૂર્વક સેવા કરવાથી સાચી શાંતિ માંગ્યા વિના મળી જશે જે અનમોલ હોય છે.
શ્રીમદ ભગવદ ગીતા(૨/૭૦)માં કહ્યું છે કે જેમ બધી બાજુંથી ભરપુર,અચળ,પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઇ જાય છે તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરૂષમાં કોઇપણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઇ જાય છે તે જ પુરૂષ પરમ શાંતિને પામે છે. માનવીની તમામ એષણાઓ આત્મકામ આત્મસ્વરૂ૫માં વિલિન થઇ જાય છે ત્યારે જ પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે.જે મને તત્વતઃ જાણી લે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે.ભગવાનની આ વાતને અમે સાંભળીએ છીએ પરંતુ તેને માનતા નથી અને માની લઇએ તો અમારૂં કામ થઇ જાય.(૫/૨૯)
આધ્યાત્મિક ક્ષેત્રમાં ૫ણ શાંતિ પ્રાપ્ત કરવા માટે કોઇ ૫રમ પુરૂષની શરણાગતિ અતિ આવશ્યક છે. જેવી રીતે પ્રકાશ વિના અંધકાર દૂર થતો નથી,જ્ઞાની વિના જ્ઞાન પ્રાપ્તિ ફક્ત કલ્પના જ છે,નાવિક વિના નૈયા પાર ઉતરી શકાતું નથી,શિક્ષક વિના શિક્ષણ પ્રાપ્ત થતું નથી,તેવી જ રીતે ગુરૂના જ્ઞાનરૂપી પ્રકાશ વિના માયાનો અંધકાર દૂર થઇ શકતો નથી.ગુરૂજ્ઞાન વિના રહસ્ય રહસ્ય જ રહી જાય છે.
જો મનને સુંદર બનાવવું છે,આ મનને આનંદ પ્રદાન કરવો છે તો અમારે પા૫ કર્મોથી બચવાનું છે. જો અમે ઘૃણા અને નફરત જેવા પા૫ કર્મોથી મુક્ત છીએ તો અમારા જીવનમાં શાંતિ અવશ્ય આવશે. જીવનમાં સુખ શાંતિ આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો આ પ્રભુ ૫રમાત્મા સાથે સબંધ જોડવો ૫ડશે.જે આત્મા ૫રમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે જોડાઇ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.જયારે જયારે મનમાં અશાંતિ થાય ત્યારે સમજવું જોઇએ કે અમે પ્રભુ પરમાત્માને ભુલી ગયા છીએ એટલે તે સમયે પ્રભુ પરમાત્માનું સ્મમરણ કરવું જોઇએ.જીવનનું સાચું ધન તો ધર્મ સેવા સુમિરણ સત્સંગ ભજન છે.
મનને ધ્યાનના દ્વારા એકાગ્ર કરી શકાય છે.જો કે આ કાર્ય જેટલું કહીએ-સાંભળીએ તેટલું સરળ નથી.મનુષ્ય મનમાં અપરિમિત શક્તિઓ છુપાયેલી છે.મનુષ્યનું મન કોઇપણ વિચાર કર્યા વિના ભટકતું રહે છે.મન ચંચળ હોવાથી તે કોઇપણ વિષય ઉપર વધુ સમય સુધી સ્થિર રહી શકતું નથી.સામાન્ય રીતે આ મન પોતાની શક્તિઓનો ઉપયોગ કરતું નથી.સંયમી મન જ શક્તિશાળી હોય છે જ્યારે અસંયમિત મન દુર્બળ હોય છે.મનને એકાગ્ર કરીને,ધ્યાન કે ધારણાના અભ્યાસ દ્વારા મનના વિખેરાઇ ગયેલા વિચારોને સંયમિત કરી શકાય છે.જ્યારે મનુષ્ય પોતાના મન ઉપર વિજ્ય પ્રાપ્ત કરી લે છે ત્યારે તે સામાવાળાના મનને પ્રભાવિત કરવામાં સક્ષમ બની જાય છે.
સંયમિત મન જે નિર્ણય લે છે તેનું પાલન તે બીજાઓ પાસે કરાવી શકે છે અને દ્રઢ સંકલ્પના કારણે જ મહાન બને છે.પોતાની ઉન્નતિ ઇચ્છતા મનુષ્યે હંમેશાં પોતાના મનને ઉન્નત રાખવું પડે છે જેથી તે પોતાના કાર્યોની ગુણવત્તા બનાવી રાખે છે.જો મનુષ્યનું મન જ કમજોર બની જશે તો તેનાં પ્રત્યેક કાર્યો નિમ્નકક્ષાના થશે.મનને સંયમી કે ઉચ્ચકોટીનું બનાવવા પોતાના ઉદ્દશ્યનું વિશ્ર્લેષણ કરવું પડશે તેના માટે નિયમિત ધ્યાનનો અભ્યાસ કરવો જોઇએ.
મનીષિયો દ્વારા મનને સંયમિત કરવાને સરળ કામ કહ્યું છે.બુલ્લેશાહે કહ્યું છે કે બુલ્લયા મન દા કી પાના,એત્થો પુટના ઓત્થે લાના..તેને અહીથી ઉખાડી ત્યાં લગાવવાનું હોય છે.ડાંગરને એક સ્થાન ઉપર ઉગાડવામાં આવે છે અને ત્યાંથી ઉપાડીને બીજે રોપવામાં આવે છે ત્યારે જ સારી ઉપજ થાય છે,તેવી જ રીતે આપણા આ ચંચળ મનને પણ એક સ્થાનથી હટાવીને બીજા સ્થાને લગાવવામાં આવે છે.બીજા શબ્દોમાં કહીએ તો મનની ભટકનને રોકવા માટે તેને સ્થાયિત્વ પ્રદાન કરવાનું છે એટલે કે આ અસાર સંસારના ભૌતિક કારોબારમાંથી હટાવીને પરમપિતા પરમાત્માને જાણીને તેમનામાં લગાવવાનું છે.આ કોઇ સરળ કાર્ય નથી પરંતુ વારંવાર અભ્યાસ કરવાથી તેને નિયંત્રિત કરી શકાય છે.
મન પાણી જેવું છે.જેમ પાણી ફર્શ ઉપર પડે તો ગમે ત્યાં ચાલ્યું જાય છે તેવી જ રીતે મન પણ ચંચળ છે ક્યારે અને ક્યાંય ચાલ્યું જાય છે.મનને હંમેશાં સેવા સુમિરણ સત્સંગમાં જોડેલું રાખીશું તો પરમાત્મામાં લીન થઇ જશે.
મનનો મેલ વહેમ છે.અમારી અનેક વાતો ફક્ત વહેમની પ્રતિક્રિયાઓ છે.વહેમ એ મનનો મેલ છે.તે અજ્ઞાન,અવિશ્વાસ અને મૂઢતાનું પ્રતિક છે.અમુક તિથિએ ઘેરથી પ્રસ્થાન ન કરવું જોઇએ,બહાર જતા સમયે છીંક આવવાથી કોઇ ભયંકર ઘટના ઘટીત થશે, ગરોડી શરીર ઉપર પડે તો મૃત્યુ અવશ્યંભાવી છે, જન્માક્ષર મળતા નથી એટલે દાંમ્પત્ય જીવન સારૂં નહી જાય..આવી અનેક વહેમની ધારણાઓથી માનસિક નિર્બળતા આવે છે.આપણે ભારતવાસીઓ હજુ એટલા જ્ઞાન સંપન્ન થયા નથી કે પોતાની જુની વિચારધારાઓને છોડી શકીએ.
અનેક વ્યક્તિઓ ચિંતા ક્રોધ ભય વગેરે મનોવેગો દ્વારા પોતાના મનોબળને એટલું નિર્બળ બનાવી લે છે કે તેના દ્વારા તેમની માનસિક સ્થિતિ અત્યંત વિક્ષુબ્ધ બની જાય છે.આવા વ્યક્તિઓનું મન હંમેશાં કોઇ અજ્ઞાત ભયથી ઉત્તેજીત રહે છે.ચિત્તમાં નિરંતર અસ્થિરતા બનેલી રહે છે,સ્મરણ શક્તિ ઓછી થાય છે, નાની સરખી વાતોમાં ઉદ્વિગ્નતા કટુતા કર્કશતા ઉત્પન્ન થાય છે.મન કુત્સિત કલ્પનાઓનો અડ્ડો બની જાય છે અને છેલ્લે અનેક મનોજનિત રોગોનો શિકાર બની જાય છે.ક્યારેક આ માનસિક દુર્બળતા પાગલપનમાં ફેરવાઇ જઇ અનેક ઉપદ્રવ કરે છે.
મનની અનેક ભૂમિકાઓ છે.સંસાર નિકૃષ્ટ કે ઉત્તમ નથી.સુક્ષ્મદ્રષ્ટિથી અવલોકન કરવાથી અમોને ખબર પડે છે કે સંસાર એવો છે જેવી પ્રતિકૃતિ અમારા અંતર્જગતમાં વિદ્યમાન હોય છે.અમારી દુનિયા એવી છે જેવું અમારૂં અંતઃકરણનું સ્વરૂપ હોય છે.ભલાઇ-બુરાઇ ઉત્તમતા નિકૃષ્ટતા ભવ્યતા કુરૂપતા તો ફક્ત મનની ઉંચી-નીચી ભૂમિકાઓ છે.હવે અમારા હાથમાં છે કે ઇર્ષા દ્વેષ સ્વાર્થની ભઠ્ઠીમાં બળતા રહીને પોતાના જીવનને શૂલમય બનાવવું છે કે સદગુણોનો સમાવેશ કરી પોતાના અંતઃકરણમાં શાંતિ સ્થાપિત કરવી છે. જો અમે ક્રોધ માયા લોભ ઇર્ષા દ્વેષ કે અન્ય વિનાશકારી વિકારથી ઉત્તેજીત રહીએ છીએ અને પછી આશા રાખીએ કે અમારૂં સ્વાસ્થ્ય સારૂં તો આ અસંભવ વાતો છે.મનોજનિત કુત્સિત કલ્પનાઓ,ક્રિયા-પ્રતિક્રિયાઓ, આઘાત-પ્રતિઘાતથી ભૂતપ્રેત વિશેનો અંધવિશ્વાસ આજે પણ અમારા આંતરીક જગતમાં દ્વંદ્વ ઉત્પન્ન કરે છે જેનાથી વિવેક બુદ્ધિ પરાસ્ત થાય છે એટલે અવ્યક્ત મનમાં ઉદભવતી અનિષ્ટ કલ્પનાઓ,ભ્રમ કે પ્રમાદના રૂપમાં વ્યક્ત થાય છે અને અલગ અલગ વ્યથાઓનું કારણ બને છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


