Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

ગાંધીનગર
મુખ્યમંત્રીએ જનસંપર્ક એકમમાં સ્વયં હાજર રહી નાગરિકો-અરજદારોની રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી
નાના માનવીઓની સમસ્યા-રજૂઆતોનું ત્વરિત નિવારણ લાવવા તંત્ર વાહકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાકિદ
મે મહિનામાં ગ્રામ-તાલુકા-જિલ્લા અને રાજ્ય સ્વાગતમાં મળેલી ૬૪૨૧ રજૂઆતોમાંથી ૫૫૮૭નું ત્વરિત નિવારણ થયું
મુખ્યમંત્રીએ સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂરા થવા નિમિત્તે ઉજવાયેલા રાજ્ય વ્યાપી ‘સ્વાગત સપ્તાહ’ના રિપોર્ટની પુસ્તિકાનું વિમોચન કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના માનવીઓની સમસ્યા-રજૂઆતોનું ત્વરિત નિવારણ સ્થાનિક સ્તરે જ લાવી દેવાની અને તે માટે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તંત્ર વાહકોને તાકિદ કરી છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ દિશાનિર્દેશો આપતાં કહ્યું કે, અરજદારો-નાગરિકોએ પોતાની રજૂઆત માટે રાજ્યકક્ષા સુધી આવવું જ ન પડે તેવું સુચારૂ સમસ્યા નિવારણ જિલ્લાસ્તરે જ થવું જાેઇએ.
મુખ્યમંત્રીએ રાજયકક્ષાના સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલી રજૂઆતોના નિરાકરણ માટેનું માર્ગદર્શન સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીઓને આપ્યું હતું.
દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ પ્રજાવર્ગો-નાગરિકોની સમસ્યાઓની રજૂઆતો અને તેના નિવારણ ઉપાયો માટે યોજવામાં આવે છે. મુખ્યમંત્રી તેમના કાર્યાલયના જનસંપર્ક એકમમાં આ ગુરુવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
એટલું જ નહિ, તેમણે અરજદારોને સંવેદના અને ધીરજપૂર્વક સાંભળી તેમની રજૂઆતોના નિવારણ માટે જિલ્લા કલેકટરોને જરૂરી સુચનાઓ પણ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રાજ્ય સ્વાગતમાં અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ, મહીસાગર, અરવલ્લી અને મહેસાણા જિલ્લાઓમાંથી વિવિધ અરજદારોએ પ્રત્યક્ષ આવીને રજૂઆતો કરી હતી.
મુખ્યમંત્રીએ તેમની આ રજૂઆતો-સંદર્ભે સંબંધિત જિલ્લા કલેકટરઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને વિગતો મેળવી હતી તથા તેના નિવારણ માટે યોગ્ય કાર્યવાહીનું માર્ગદર્શન પુરૂં પાડયુ હતું.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂરા થવા નિમિત્તે ઉજવાયેલા રાજ્ય વ્યાપી ‘સ્વાગત સપ્તાહ’ના રિપોર્ટની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, મે મહિનામાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગત કાર્યક્રમોમાં તંત્ર વાહકોને મળેલી કુલ ૬૪૨૧ રજૂઆતોમાંથી ૫૫૮૭નું ત્વરિત સુખદ નિવારણ લાવી દેવામાં આવેલું છે.
રાજ્ય સ્વાગતના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ જાેડાયા હતા.

Page-43.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *