રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી બાજરી, જુવાર અને રાગીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે
***
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતો પાસેથી તા.૧૫/૦૫/૨૦૨૩ થી ૧૫/૦૬/૨૦૨૩ ખરીદ કેન્દ્રો ખાતે ખરીદી કરવામાં આવશે
***
ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૦૦ પ્રોત્સાહક બોનસ
***
રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત બાજરી, જુવાર અને રાગીની નોંધણીની મુદ્દત સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCEદ્વારા તા.૧૫/૦૫/૨૦૨૩ થી વધારીને તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી કરવામાં આવી છે. જે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા જણસીઓના લઘુતમ ટેકાના ભાવમાં ધાન્ય પાક બાજરી, જુવાર, અને રાગી માટે ગુજરાત સરકારનો ખરીદીનો કુલ ભાવ બાજરીનો રૂ. ૨,૬૫૦, જુવારનો રૂ. ૩,૨૯૦ અને રાગીનો રૂ.૩,૮૭૮ ભાવ પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને જણાવવામાં આવે છે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતો પાસેથી તા.૧૫/૦૫/૨૦૨૩ થી ૧૫/૦૬/૨૦૨૩ દરમ્યાન ગુ.રા ના.પુ.નિ.લી.ના ખરીદ કેન્દ્રો ખાતે ખરીદી કરવામાં આવનાર છે. ઓનલાઇન માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ૭-૧૨, ૮-અ ની નકલ, નમુના ૧રમાં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના બેન્ક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ ( IFSC કોડ સહિતનો) સાથે લાવવાના રહેશે.
ખેડૂતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે, જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજીસ્ટ્રેશન બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે રજીસ્ટ્રેશન તેમજ ખરીદકેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી.
૦૦૦
