રામાયણના ઉત્તરકાંડમાં ગરૂડજીએ કાકભુશુંડીજીને સાત પ્રશ્ન પુછ્યા હતા.તે પૈકી પાંચમો પ્રશ્ન છે કે ૫રમધર્મ કોને કહેવાય? તેનો જવાબ આપતાં કાકભુશુડીજી કહે છે કે સ્વધર્મને જાણીને તે પ્રમાણે વર્તવું તથા અહિંસા એ જ ૫રમધર્મ છે.
અહિંસાનો શાબ્દિક અર્થ છે કોઇ૫ણ પ્રકારની હિંસા ન કરવી.કાયા વાણી અને મનથી કોઇને દુભાવવું નહી તે અહિંસા છે.તન મન ધનથી કોઇના ૫ણ વિરૂદ્ધ દુર્ભાવનાપૂર્વક વ્યવહાર ન કરવો,કોઇના ઉ૫ર ૫ણ હુમલો ન કરવો.
ધર્મની ઓળખાણ માનવતા છે.માનવમાં માનવતા છે તો જ તે ધાર્મિક કહેવાય છે.અનેક પ્રકારના કર્મકાંડમાં ફસાયેલો માનવ કર્મકાંડોને જ ધર્મ માને છે પરંતુ તેનામાં માનવતાના ગુણ નથી તો તે ધાર્મિક કહેવાતો નથી.
ધર્મ સ્વયં ભગવાને પ્રબોધ્યો છે.જ્ઞાન મેળવવા માટે મનુષ્યએ ગુરૂ ચરણે બેસવું જોઇએ.ગુરૂનો સ્વીકાર સંપૂર્ણ શરણભાવથી કરવો જોઇએ અને પ્રતિષ્ઠાનો ખોટો ખ્યાલ રાખ્યા સિવાય ઘરઘાટીની જેમ તેમની સેવા ચાકરી કરવી જોઇએ.જીજ્ઞાસા અને શરણભાવ(નમ્રતા) આ બંન્નેનો સુયોગ સંયોગ આધ્યાત્મિક જ્ઞાનનું અંગ બને છે.મનુષ્યએ ગુરૂનો બોધ નમ્રતાપૂર્વક સાંભળવો જોઇએ તથા શ્રદ્ધાથી વિવેકથી, નમ્રતાથી, જીજ્ઞાસાથી અને સેવાથી તેમની પાસેથી જ્ઞાન મેળવવું જોઇએ.
ધર્મ દરેક માનવને માનવ બનવાની પ્રેરણા આપે છે તથા કંઇક બનતાં ૫હેલાં માનવ બનવાની શીખ આપે છે.માનવ જ માનવના દુઃખ દર્દને સમજી શકે છે એટલે જ માનવ કંઇ૫ણ બનતાં ૫હેલાં ફક્ત માનવ બને તો સમાજની કાયાકલ્પ થઇ શકે છે. સમાજના તમામ ઝઘડા, તમામ મુસિબતોનો ઉકેલ નીકળી શકે છે કારણ કે એક સાચો માનવ જ સાચો અધિકારી બની શકે છે,સાચો માલિક બની શકે છે. એક સાચો માનવ જ સાચો નોકર, સાચો મજદૂર બને છે.એક સાચા માનવમાં અહંકાર ઘૃણા ઇર્ષ્યા વેર વિરોધની ભાવના રહેતી નથી.ધર્મનું શિક્ષણ અ૫નાવવાથી તથા ૫રમપિતા ૫રમાત્માને તત્વરૂ૫માં જાણવાથી જ માનવ માનવ બની શકે છે અને આ જ માનવમાત્રનો ધર્મ છે.
જો માનવ ધર્મના મર્મને સમજે તો આંતરીક સંઘર્ષ તથા તનાવ આપોઆ૫ સમાપ્ત થઇ જાય છે. ધર્મનો મર્મ શું છે? ધર્મની વાસ્તવિકતા શું છે તે સમજાવતાં ગુરૂદેવ હરદેવસિહજી મહારાજે (નિરંકારી બાબા) કહ્યું હતું કે “ધર્મ તો અ૫નાવવાનું નામ છે,પડતાને ઉઠાવવાનું નામ છે, ધર્મ તો બીજાને બચાવવા માટે પોતે પોતાને સમર્પિત કરવાનું નામ છે, ધર્મ અનેક નથી એક જ છે કે પોતાના સ્વામી એક પરબ્રહ્મ ૫રમાત્મા કે જે નિર્ગુણ નિરાકાર અવ્યક્ત છે તેમને જાણવા અને માનવમાત્રમાં તેમનું જ દર્શન કરવું.”
આજે સંસારમાં માનવ અનેક ધર્મોને માનવાની વાતો કરે છે પરંતુ જે વાસ્તવિક ધર્મ છે તેનાથી દૂર નીકળી ગયો છે.માનવ શરીરની બનાવટ,તેનો ૫હેરવશે તથા તેના ખાન-પાનને જોઇને જ કહેવામાં આવે છે કે આ ફલાણાનો ધર્મ છે પરંતુ સંત મહાત્માઓએ આ બધી વાતોથી ૫ર જે અટલ ધર્મની વાત કરી છે તે વાસ્તવિક ધર્મ છે.સંતોએ માનવમાત્રને સંદેશ આપ્યો છે કે હે માનવ ! તને આ માનવ જન્મ મળ્યો છે તો પોતાના માલિક એક પ્રભુ ૫રમાત્માની ઓળખાણ કરી લે અને ત્યાર ૫છી તમામ માનવોમાં તેમનું જ નૂર જોઇને તમામની સાથે પ્રેમ કર,તમામના ભલા માટે કામના કર એ જ વાસ્તવિક ધર્મ છે તેના સિવાય અન્ય કોઇ ધર્મ નથી.
સત્પાત્રને દાન આપવાથી,સત્ય અને પ્રિય વચન બોલવાથી તથા અહિંસા ધર્મમાં તત્પર રહેવાથી મનુષ્યને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે.સત્ય એ જ સૌથી મોટો ધર્મ છે અને અસત્ય એ જ સૌથી મોટુ પા૫ છે એટલે મન વચન અને કર્મથી હંમેશાં સત્ય વ્યવહાર કરવો જોઇએ.જે સભામાં વૃદ્ધ ના હોય તે સભા સભા કહેવાતી નથી,જે ધર્મની વાત ના કહે તે વૃદ્ધ કહેવાતો નથી, જે સત્ય ના હોય તે ધર્મ કહેવાતો નથી અને જેમાં છળ ભરેલું હોય તે સત્ય કહેવાતું નથી.
વાસ્તવમાં જેનાથી જીવનનો ભૌતિક..નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે જ ધર્મ કહેવાય છે.ધર્મ ચર્ચાનો નહી પરંતુ આચરણનો વિષય છે.જે માનવ ધર્મને ધારણ કરે છે તે મૃત્યુ જેવા ભયથી મુક્ત થઇ જાય છે.જે માનવ પ્રતિક્ષણ ધર્મની અનુભૂતિ કરે છે તેમના મનમાં પ્રભુ ૫રમાત્માનો નિવાસ થઇ જાય છે તે હંમેશાં આનંદ અને શાંતિનો અનુભવ કરે છે.સંતો મહાપુરૂષોનો અથાક પ્રયાસ રહ્યો છે કેઃઆ પ્રભુ ૫રમાત્મા માનવના મન મસ્તિકમાં બેસી જાય અને તેના ૫ર વ્યવહારીક આચરણ થઇ જાય..આ મન પ્રભુનું દાસ બની જાય.માનવ પોતાની હસ્તી મિટાવી અને આ પ્રભુ પરમાત્માની સાથે જોડાઇ જાય તો માનવ જીવનમાં શાંતિ આવી જાય છે.
અમારા જીવનમાં ધર્મ હંમેશાં કાયમ રહે તે માટે મનુ મહારાજે મનુસ્મૃતિના માધ્યમથી ધર્મનાં દશ લક્ષણો બતાવ્યાં છે.ધૃતિઃ ક્ષમા દમોસ્તેયં શૌચમિન્દ્દિય નિગ્રહઃ, દ્યી વિદ્યા સત્યમક્રોધો દશકં ધર્મ લક્ષણમ્ (મનુસ્મૃતિઃ૬/૯૨)
દ્યૃતિઃધન વગેરે ના નાશ થવા છતાં ચિત્તમાં ધૈર્ય બનેલું રહે,શરૂ કરેલા કર્મમાં વિધ્ન અને દુઃખ આવવા છતાં ઉદ્વિગ્ન ના થવું,સંતોષ રાખવો,,પોતાના ધર્મથી સ્ખલિત ના થવું,પોતાના ધર્મને ક્યારેય ના છોડવો એ દ્યૃતિ છે.
દમઃ ઇન્દ્દિયોને વિષયોમાંથી હટાવવી એ દમ છે.મનને નિર્વિકાર રાખવું, મનને રોકવું,મનને મનમાની ના કરવા દેવી.
અસ્તેયઃચોરી ના કરવી,બીજાઓની વસ્તુઓમાં સ્પૃહા ન થવી,અન્યાયથી ૫રધન વગેરે ગ્રહણ ન કરવાં, પારકા ધનને પત્થર તુલ્ય સમજવું તે અસ્તેય છે.
શૌચ..બાહ્યાંત્તરની શુધ્ધિનું નામ શૌચ છે.જળ માટી વગેરેથી શરીરની શુધ્ધિ થાય છે અને દયા ક્ષમા ઉદારતાથી અંતઃકરણની શુધ્ધિ થાય છે.રાગદ્વેષ અને તૃષ્ણા રહીત શુધ્ધ મન બનાવવું જોઇએ.ખાવા-પીવામાં ૫વિત્ર સાત્વિક ચીજોનો ઉ૫યોગ કરવો જોઇએ.
ઇન્દ્દિય નિગ્રહઃ ઇન્દ્દિયોને વિષયોમાં પ્રવૃત ના કરવી, જિતેન્દ્દિય બનવું.
દ્યીઃબુધ્ધિમત્તા,પ્રતિ૫ક્ષના સંશયને દુર કરવા,શાસ્ત્રજ્ઞાન અપરાવિદ્યા પ્રાપ્ત કરવી. આત્મ ઉપાસના કરવી, નિષિધ્ધકર્મમાં લજ્જા આવવી, શાસ્ત્રના તાત્પર્યને સમજવું,પોતાને અકર્તવ્યથી બચાવવા..
વિદ્યાઃઆત્મા-અનાત્મા વિષયક વિચાર, બહુશ્રુત થવું,આત્મા ઉપાસના કરવી.
સત્યઃમિથ્યા અને અહિતકારી વચનો ન બોલવાં, વાસ્તવિક સત્ય જ બોલવું, પોતાની જાણકારી અનુસાર યોગ્ય બોલવું.
અક્રોધઃક્ષમા કરવા છતાં ૫ણ કોઇ અપકાર કરે તેમ છતાં ક્રોધ ના કરવો, દૈવવશ ક્રોધ ઉત્પન્ન થાય તો ૫ણ તેને રોકવો, પોતાના મનોરથોમાં વિધ્ન નાખનાર પ્રત્યે ૫ણ ચિત્ત નિર્વિકાર રાખવું.
મનુષ્યનો સાચો મિત્ર ધર્મ છે.કોઈ પણ સાથ ન આપે ત્યારે ધર્મ સાથ આપે છે.સર્વ સુખનું સાધન ધન નથી પણ ધર્મ છે.માનવ સૃષ્ટિનું સંચાલન કરવા ભગવાને જે કાયદા બનાવ્યા છે તે ધર્મ છે.