છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલા તાલુકા સેવાસદનના કોન્ફરન્સ હોલમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સબડિવિઝનમાં વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સિનીયર ઇન્વેસ્ટીગેટર ગોવર્ધન મુંડેએ બોડેલી સબડિવિઝનમાં વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત જંગલની જમીન ખેડતા આદિજાતિ પરિવારોને જંગલ જમીન આપવા અંગે કરેલ કામગીરીની વિગતે સમીક્ષા કરી હતી. તેમણે વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલા વ્યક્તિગત અને સામૂહિક દાવા અરજીઓ અંગે વિગતે જાણકારી મેળવી મંજૂર કરેલ દાવા અરજીઓ અને બાકી રહેલી દાવા અરજીઓની પણ વિગતે સમીક્ષા કરી હતી.
બેઠક દરમિયાન જિલ્લા કક્ષાની સમિતિમાં સમાવિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરતા ગોવર્ધન મુંડેએ જણાવ્યું હતું કે, વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત આવેલી દાવા અરજીઓ લાંબો સમય સુધી પેન્ડીંગ ન રહે એની વિશેષ તકેદારી રાખવા જણાવી તેમણે જો કોઇ અરજદારની અરજીમાં આધાર પુરાવાઓ ખૂટતા હોય તો તે રદ્દ ન કરતા અરજદારને પૂર્તતા કરવા માટે તક આપવી જોઇએ એમ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના વન અધિકાર અધિનિયમ વર્કિંગ ગૃપના મેમ્બર મિલિંદ થાટેએ આયોગની કામગીરી અંગે વિગતે જાણકારી આપી આયોગ દ્વારા અનુસૂચિત જનજાતિ સમાજ માટે કરવામાં આવતી કામગીરી અંગે છણાવટ કરી હતી. આ ઉપરાંત તેમણે વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત કરવામાં આવેલી વિવિધ જોગવાઇઓ અંગે પણ વિગતવાર માહિતી આપી હતી.
આયોગની ટીમે બોડેલી સબડિવિઝનમાં સમાવિષ્ઠ બોડેલી, સંખેડા તથા નસવાડી તાલુકાના વન અધિકાર અધિનિયમના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ સાધ્યો હતો.
બેઠક બાદ મીડીયાકર્મીઓ સાથે વાત કરતા સિનીયર ઇન્વેસ્ટીગેટર ગોવર્ધન મુંડેએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના ચેરમેનની સૂચના અનુસાર આયોગની ટીમ છોટાઉદેપુર જિલ્લામાં વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત સમીક્ષા કરવા માટે આવી છે. અહીં લાભાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરવામાં આવ્યો છે તેમજ અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને સમીક્ષા કરવામાં આવી છે એમ કહી તેમણે વન અધિકાર અધિનિયમના અમલીકરણમાં કેટલીક ત્રુટીઓ જણાઇ છે જે દુરૂસ્ત કરવા માટે ભલામણો પણ કરવામાં આવી છે. અમારી આ મુલાકાતનો સંપૂર્ણ અહેવાલ આયોગના ચેરમેનને સુપરત કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
બેઠકમાં પ્રિન્સીપાલ ઇન્વેસ્ટીગેટર કેપ્ટન સ્મિતા ગાયકવાડ, પ્રિન્સિપાલ ઇન્વેસ્ટીગેટર વિમલ શાહ, પ્રાયોજના વહીવટદાર આર.જે.જાડેજા, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, મામલતદાર, એ.સી.એફ, આર.એફ.ઓ રિસર્ચ આસીસ્ટન્ટ મીમાંસા પારોલિયા, રિસર્ચ આસીસ્ટન્ટ સ્વેતા મદગલકર તેમજ સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


