ગેસ્ટહાઉસ સંચાલકે નોકરિયાતનો મોબાઈલ તેમના જ હાથે તોડાવી નાખ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તાલુકાભરમાં ચકચાર
હરેશ ભાલીયા દ્વારા – જેતપુર તા. 8
જેતપુર તાલુકાના વિરપુર(જલારામ) ગામે સમયાંતરે બહાર આવતા ગોરખ ધંધાથી પવિત્ર યાત્રાધામની આબરૂને ધક્કો પહોંચી રહ્યો ખાસ કરીને આવા બધા ગોરખધંધા અતિ ધમધમતા ગેસ્ટહાઉસમાં આચરાતા હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. સ્થાનિક પોલીસ પણ જાણે આંખ આડા કાન કરતી હોય તેમ કોઈ દિવસ કોઈ ગેસ્ટહાઉસ તપાસવાની તસ્દી લેતી નથી. પરિણામે ઘણા ગેસ્ટહાઉસમાં દેહવિક્રયનો ધંધો ફૂલિફાલી રહ્યો છે. જાણકારો કહે છે કે, વીરપુરમાં અન્ય પ્રવાસીઓ ઉપરાંત નવા કજોડા બિન્દાસ્ત રંગરેલીયા મનાવવા આવી પહોંચે છે. ગેસ્ટહાઉસ ચલાવતા સંચાલકો પણ આવા પ્રેમી પંખીડાઓ પાસેથી આધાર પુરાવાઓ માંગતા હશે કે કેમ ? તે રામ જાને. પણ વાસ્તવિકતા એ છે કે, ઘણી વખત સાચા પ્રવાસીઓને પણ ક્ષોભજનક હાલતમાં મુકાવું પડે તેવી ઘટના પણ બનતી રહે છે.
આ વાતને સાબિત કરતી એક ઘટના આજે જે વિરપૂરના ગેસ્ટહાઉસમાં બની જતાં આ વાતનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં ચકચાર જાગી છે. બન્યું એવું કે, અહીંના એક ગેસ્ટહાઉસમાં દક્ષિણ ગુજરાતનું કપલ બાપાના દર્શને આવ્યા ત્યારે રોકાયું હતું. આવા સમયે મહિલા તેમના બાળકને બાથરૂમમાં સ્નાન કરાવતી હતી. આવા સમયે તે જ ગેસ્ટ હાઉસમાં કામ કરતાં એક શખશને કામવાસાનો કીડો સળવળતા બાથરૂમમાં મહિલા સ્નાન કરતી હોવાનું માંની લઈને ઉપર ચડયો હતો અને મોબાઇલમાં શૂટિંગ કરવાનો હિન પ્રયાસ કર્યો હતો પણ મા તે માં બીજા વગડાના વા જેવી કહેવતમાં વણાયેલી માતાને ઉપર કઈક શંકાસ્પદ હિલચાલ થતી હોવાનું જોઈ જતાં તેણી બૂમાબૂમ કરીને બધાને પ્રવાસીઓને ભેગા કરી તપાસ કરી તો આ ગેસ્ટહાઉસનો નોકરિયાત જ આવી હિન પ્રેરવી કરતો પકડાઈ ગયો હતો.
આ સમયે જેમની સાથે બીના બની તેઓએ તો માનવતા દાખવી પોલીસ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું પણ આ યુવાનને ઘડારૂપ સજા મળે એટલે તેમની પત્નીને ગેસ્ટહાઉસ પર બોલાવીને સંચાલક સહિતના સાથી મિત્રોએ મોબાઈલ ભાંગી-તોડી નાખવાનું કહેતા યુવાને પોતાનો મોબાઈલ તોડી-ફોડી નાખ્યો હતો. આ દ્રશ્યો કેમેરામાં કેદ કરીને ગેસ્ટહાઉસનાના જ કોઈ માણસે સોશિયલ મીડિયામાં વહેતો કરતાં વિરપુર ઉપરાંત આખા જેતપુર તાલુકા પંથકમાં ચકચાર જાગી છે.
જાણકારોનો આક્ષેપ છે કે વીરપુરમાં અમુક ગેસ્ટહાઉસો તો આવી રીતે દેહવિક્રયના ધંધા ઉપર જ ચાલી રહ્યા છે. કાયદાના રખેવાળો સાથે મીઠા સંબંધ કેળવીને આવી હિન પ્રવુત્તિઓ ચલાવી રહ્યા છે. વખતોવખત કોઈ ફરિયાદો ઉઠે કે કરે તો પોલીસ હાકલા પડકારા કરીને કામગીરી, કાર્યવાહી કર્યાનો સંતોષ માની લ્યે છે પણ હકીકતે ગોરખધંધાને પ્રોત્સાહન મળતું હોવાના આક્ષેપો થયા છે.
બીજીબાજુ પવિત્ર યાત્રાધામ હોવાથી પોતાના ગેસ્ટહાઉસમાં આવતા યાત્રિકો સાથે આવો હિન વ્યવહાર કરનાર યુવાન લઘુમતી સમાજનો હોવાથી અને આ સમાજના પવિત્ર મહિના દરમિયાન કોઈ દુઃખ પહોંચે તેવું ન કરવામાં માનનાર ગેસ્ટહાઉસના સંચાલકે હાલ તો આ પ્રકરણ પર પરદો પાડી દીધો છે. પણ હવે આવું બીજીવાર નહીં થાય તેવું કોઈ ખાતરી આપી શક્યું ન હતું. જો કે, પોતાનો મોબાઈલ તોડતા ફોડતા યુવાનના વાયરલ થયેલા વિડિયોએ જેતપુર પંથકમાં ચકચાર જાગી છે.
—


