Gujarat

વિવેકી-વાણીથી વિજ્ય પ્રાપ્ત થાય છે.

પૂર્વજન્મના પ્રારબ્ધ કર્મો અનુસાર અમારા જીવનમાં અનેક લોકો મળે છે.કેટલાક દિવસ સુધી સાથે રહે છે,તેમની સાથે સબંધ બને છે,કેટલાક દિવસ સુધી આ સબંધ ચાલે છે અને કેટલાક દિવસ બાદ સબંધ તૂટી જાય છે,ફરી પાછા નવા લોકો આપણા જીવનમાં આવે છે,તેમની સાથે સબંધ બંધાય છે અને કેટલાક દિવસો બાદ તેમની સાથે પણ સબંધ તૂટી જાય છે.

આવી જ રીતે ઘણા લોકો આપણા જીવનમાં આવે છે,તેમની સાથે સબંધો બંધાતા જાય છે અને તૂટતા જાય છે.ઘણા ઓછા લોકો એવા આપણા જીવનમાં આવે છે કે જેમની સાથે લાંબો સમય સુધી સબંધ બનેલો રહે છે, તેનું શું કારણ છે? કેમ સબંધ તૂટી જાય છે? તેના અનેક કારણો હોય છે તેમાંનું એક મુખ્ય કારણ એ છે કે અમે જ્યારે બીજાઓની સાથે ઉચિત વ્યવહાર નથી કરતા ત્યારે સામાવાળાને તકલીફ થાય છે.તેઓ બે-ચારવાર અમારા દ્વારા પહોંચાડવામાં આવેલ તકલીફોને સહન કરી લે છે પરંતુ સહનશક્તિની પણ હદ હોય છે અને સામાવાળાને લાગે કે આ સબંધથી મને લાભ ઓછો અને તકલીફ વધુ પડવાની છે તેથી તે સબંધને તોડી નાખે છે ભલે તે બહારનો વ્યક્તિ હોય કે ઘરના સદસ્ય હોય.

સબંધો લોહીના સબંધથી ટકતા નથી પરંતુ નમ્રતા,સભ્યતા,ધાર્મિકતા,અનુશાસન,ન્યાયપ્રિયતા.. વગેરે ગુણોના આધારે ટકતા હોય છે.સેવા અને સન્માનના આધારે ટકતા હોય છે.જ્યારે સામાવાળાને સન્માન ન મળે,આપણી ભાષામાં સભ્યતા ના હોય, સામાવાળાની આપણે કદર ના કરીએ તો તે સબંધ લાંબો સમય ટકતા નથી એટલે જો અમે લાંબો સમય સુધી સબંધ બનાવવા ઇચ્છતા હોઇએ તો બીજાને સન્માન આપીએ.

આપે સમાચારપત્રોમાં જાહેરાત વાંચી હશે કે મારા પૂત્ર કે પૂત્રી અમારા કહ્યામાં નથી એટલે તેમની સાથે કાયમ માટે સબંધ કાપી નાખું છું.આજથી તેમની સાથે કોઇએ મારા નામે વ્યવહાર કરવો નહી અને કોઇ આર્થિક નુકશાન થશે તેના માટે હું જવાબદાર નથી એટલે જીવનને સુખમય અને સફળ બનાવવા માટે તમામની સાથે મીઠી ભાષામાં સન્માન અને સભ્યતાપુર્વક વ્યવહાર કરવો.

સત અને અસતને અલગ-અલગ જાણવા એ વિવેક છે.સત્સંગ વિના વિવેક આવતો નથી અને રામની કૃપા વિના સત્સંગ સહેલાઇથી મળતો નથી.વિવેક બુધ્ધિમાં પ્રગટ થાય છે.બુધ્ધિ ત્રણ પ્રકારની હોય છેઃસાત્વિક,રાજસી અને તામસી.સાત્વિક બુધ્ધિમાં કર્તવ્ય-અકર્તવ્યનું પુરેપુરૂં જ્ઞાન હોય છે..રાજસી બુધ્ધિમાં કર્તવ્ય-અકર્તવ્યનું પુરેપુરૂં જ્ઞાન હોતું નથી અને તામસી બુધ્ધિમાં સર્વ વસ્તુઓનું વિ૫રીત જ્ઞાન હોય છે. લોભથી મનુષ્યની બુદ્ધિ અને વિવેક નાશ પામે છે

બ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃજાણવું,જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું.જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ પરમાત્માનાં સાક્ષાત દર્શન-અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી રામનું નિર્મલ જ્ઞાન અને વિમલ વિવેક થતો નથી.વિવેક એ મનુષ્યની જીવનરૂપી ગાડીની ‘હેડલાઈટ’ છે,એના અજવાળે જ અંધકારરૂપી વિપરીત પરિસ્થિતિઓમાં માર્ગ કાપી શકાય છે.‘ઓવરટેઈક’ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય ત્યારે વિવેક ચૂકવો ન જોઈએ.વિવેકનો ઉપયોગ કરીને માનવીએ નમ્રતાપૂર્વક જીવનમાં આગળ વધવું જોઈએ.

વિવેકીઓના વિવેક અને ચતુરોની ચતુરાઇની ૫રાકાષ્ટા. તેમાં જ છે કે તેઓ આ વિનાશી અને અસત્ય શરીરના દ્વારા મારા અવિનાશી તેમજ સત્ય તત્વને પ્રાપ્તા કરી લે.(ભાગવત) વિવેક વિનાનું જીવન બ્રેક વિનાના વાહન જેવું છે.વિવેકહીનને મૂર્ખ કહેવાય છે.મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ના હોય ૫રંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે.બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ શ્રદ્ધા છે.

ઘણી વાતો જાણવા છતાં ૫ણ ઢાંકી દેવામાં કે ભૂલી જવામાં જ કલ્યાણ હોય છે.સત્ય ૫ણ કલ્યાણકારી હોય તો જ પ્રગટાવવું હિતકર છે.જે સત્યના પ્રગટ થવાથી કોઇનાં જીવન રહેંસાઇ જતાં હોય તેવા સત્યને પ્રગટ કરવું તે વિવેકનું ૫ગલું ના કહેવાય.

અંતકાળમાં મનુષ્ય જે જે ભાવનું ચિંતન કરતો રહીને શરીરનો ત્યાગ કરે છે તે તે ભાવને જ પ્રાપ્ત  થાય છે.આને જ વિષયરૂપી કૂં૫ળોનું ફુંટવું કહે છે.કૂં૫ળોની જેમ વિષયો ૫ણ દેખાવમાં ખુબ જ સુંદર પ્રતિત થાય છે,જેથી મનુષ્ય તેમાં આકર્ષિત થઇ જાય છે.પોતાના વિવેકથી ૫રીણામ ૫ર વિચાર કરી તેમને ક્ષણભંગુર,નાશવાન અને દુઃખરૂ૫ જાણીને એ વિષયોનો ત્યાગ કરી દેવો જોઇએ.વિષયોમાં સૌદર્ય અને આકર્ષણ પોતાના રાગના કારણે જ દેખાય છે,એટલા માટે વિષયોમાં રાગનો ત્યાગ જ વાસ્તવિક ત્યાગ છે. વિષયો વિષયુક્ત લાડુ સમાન છે.દોષમાં વિષયો કાળા સર્પના વિષથી ૫ણ વધુ તીવ્ર છે કેમ કે વિષ તો ખાવાવાળાને જ મારે છે પરંતુ વિષયોને આંખથી દેખવાવાળાને ૫ણ છોડતા નથી.

પરમાત્મા તમને વધુ સુખ અને સંપત્તિ આપે અને સુખી કરે તો પણ જન્મ મરણના દુઃખને ભૂલશો નહિ.મરણના દુઃખને ભૂલશો નહિ.મરણને નિવારવું અશક્ય છે.જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિનાં દુઃખોનો વારંવાર વિચાર કરો તો વૈરાગ્ય આવશે, પાપ છૂટશે. બાકી પાપના સંસ્કારો જલ્દી છૂટતા નથી.વિચાર વિના વિવેક વૈરાગ્ય આવતા નથી.ઈશ્વરનું ચિંતન થતું નથી.

આ સંસાર ક્ષણે ક્ષણે બદલાય છે.સ્વાર્થ અને કપટ સિવાય સંસારમાં બીજું કંઈ નથી તેમ છતાં જીવને વિવેક નથી.જીવ પર નિ:સ્વાર્થ પ્રેમ કરનાર માત્ર પરમાત્મા જ છે.જ્યાં સ્વાર્થ છે વિકાર છે વાસના છે ત્યાં મોટે ભાગે છળ-કપટ કર્યા વગર ચાલતું જ નથી એને છળ કપટ કરવું જ પડે છે.પતિ-પત્નીના પ્રેમમાં પણ સ્વાર્થ હોય છે.પતિ -પત્ની સાથે પોતાના સ્વાર્થ માટે પ્રેમ કરે છે.જીવ કેવો સ્વાર્થી છે?

ક્રોધનો જવાબ મીઠી વાણીથી આપવો જોઇએ.ક્રોધના સમયે વાણી ઉપર સંયમ રાખવો જોઇએ. હંમેશાં મધુર વાણીનો જ ઉ૫યોગ કરવો,અભદ્ર વચનો ક્યારેય ન બોલવાં.૫રમ હિતકારી સત્ય વચનો બોલવાં,કોઇના દિલને દુઃખ થાય તેવું ના બોલવું..એ વાણીની ૫વિત્રતા છે.જે વ્યક્તિ પોતાના વ્યવહારથી કે પોતાની વાણીની કડવાશથી બીજાનું દિલ દુભાવે છે તેના જીવનમાં અંધકાર ભરાઇ જાય છે.જેની વાણી અને મન સુરક્ષિત બનીને હંમેશાં તમામ પ્રકારથી પરમાત્મામાં લાગેલું રહે છે તે વેદાધ્યાયન-તપ અને ત્યાગ..આ તમામ ફળને પામે છે.૫રમ હિતકારી સત્ય વચનો બોલવાં,કોઇના દિલને દુઃખ થાય તેવું ના બોલવું..એ વાણીની ૫વિત્રતા છે.અન્નથી મન અને પાણીથી વાણી નિર્માણ થાય છે.મનુષ્ય એ હંમેશાં મધુર વાણીનો જ ઉ૫યોગ કરવો,અભદ્ર વચનો ક્યારેય ન બોલવાં,કોઇપણ પ્રકારનું અભિમાન ન કરવું.

અશ્વ શસ્ત્ર શાસ્ત્ર વીણા વાણી મનુષ્યો અને સ્ત્રી..આ બધાં ગુણવાનની પાસે સારાં રહે છે પરંતુ નિર્ગુણી પાસે જવાથી બગડી જાય છે.ક્યારેક ઘમંડમાં આવીને બ્રહ્મજ્ઞાની મહાત્માઓનું અ૫માન કે ઉ૫હાસ ન કરવો કારણ કે તેમની પાસે વાણીરૂપી અમોઘ વજ્ર હોય છે તથા તિક્ષ્ણ કો૫વાળા હોય છે.

હતાશ વ્યક્તિ વાણીનો સંયમ ચુકી જતી હોય છે.તલવારનો ઘા સમય આવે રૂઝાઇ જશે પણ જો કોઇના માટે કડવા શબ્દોનો પ્રયોગ કરીશું તો તેના દિલમાં જે દર્દનો ઘા થશે તે ઉમ્રભર જશે નહી.સૌને પ્રિય લાગે તેવી મીઠી વાણી બોલવી જોઇએ.વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય છે.સત્સંગથી જ વાણીમાં મીઠાશ અને ૫રો૫કારની ભાવના જાગ્રત થાય છે.જેમની વાણીમાં મધુરતા આવતી નથી તેમનામાં પ્રેમ-નમ્રતા સમદ્દષ્ટ્રિ સેવા સુમિરણ ૫રો૫કાર કરવાની ભાવના જેવા ગુણો આવતા નથી.અન્નથી મન અને પાણીથી વાણી નિર્માણ થાય છે તેથી ખાન-પાનમાં સંયમ રાખવો.દરેક મનુષ્યએ એવી વાણી બોલવી જોઇએ જેનાથી સાંભળનારનો ગુસ્સો ઓછો થાય,મનમાં ઠંડકનો અનુભવ કરે,સારી લાગે,મનને આનંદિત કરી શકે,સુખનો અનુભવ કરાવી શકે અને આપણા મનને પણ આનંદ આપી શકે.મીઠી વાણીથી અમે દરેકનો પ્રેમ અને આદર મેળવી શકીએ છીએ.મીઠી વાણીથી આપણે દરેકની ઉપર વિજ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.

વ્યભિચાર તો માત્ર શારીરિક જ નહી પરંતુ માનસિક કે વાણી દ્વારા ૫ણ ના કરવો જોઇએ.૫રસ્ત્રી સાથે તેના વિશે બીજાની સાથે શૃંગાર વિષયક વાતો કરવી એ વાણી દ્વારા વ્યભિચાર ગણાય છે.વાણીનો લય મનમાં થાય છે,મનનો લય પ્રાણમાં થાય છે ત્યારે જીવાત્માના હૃદયમાં પ્રકાશ દેખાય છે તેના મનમાં જે વાસના હોય છે તે પ્રમાણે તે પ્રકાશમાં ચિત્ર થાય છે, તે સંસ્કાર જાગે છે તે પ્રમાણે તેને નવો દેહ મળે છે.

સંસારના સુખોના આઠ મૂળભૂત તત્વોમાં મધુર વાણી એક છે જેનાથી પોતાના સમુદાયમાં ઉન્નતી, મનોવાંછિત વસ્તુની પ્રાપ્તિ અને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે.મન-વાણી અને કાયાથી કોઈને દુભાવવું નહિ તે યજ્ઞ છે,અહિંસા છે.વાણી,વર્તન અને વિચારને શુદ્ધ રાખવા તે તપશ્ચર્યા છે.જે કોઈ કર્કશ વાણી બોલતો નથી,કોઈનું અપમાન કરતો નથી અને સર્વને માન આપે છે તેના જીવનમાં મિસરી જેવી મીઠાશ આવે છે.

પુણ્ય ના કરો તો કાંઇ નહિ પણ પાપ તો ન જ કરો.અધર્મની પત્ની મૃષાદેવી.મિથ્યા ભાષણ કરવાની ટેવ તે મૃષાદેવી.તેમાંથી દંભનો જન્મ થયો છે.દંભનો પુત્ર લોભ.લોભનો પુત્ર-ક્રોધ.ક્રોધની નિપજ તે કર્કશ વાણી.મહાભારત અને રામાયણના કરૂણ પ્રસંગોનું મૂળ કર્કશ વાણીમાં છે.દુર્યોધનને આંધળાનો પુત્ર આંધળો કહ્યો અને મહાભારતનો આરંભ થયો.સીતાજીએ લક્ષ્મણને કર્કશ વાણીમાં ઠપકો આપ્યો. લક્ષ્મણને મારીચ પાછળ જવું પડ્યું અને તેમની ગેરહાજરીમાં રાવણ સીતાજીને ઉઠાવી ગયો અને રામાયણ શરૂ થયું.કર્કશ વાણીમાંથી થયો કળીયુગ, કલહનું રૂપ તે કળીયુગ.જો ભક્તિ શુદ્ધ હોય તો કર્કશ વાણી કંઈ કરી શકતી નથી.

Vmm-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *