Gujarat

વીજચોરો વિરૂદ્ધ વીજતંત્રની કાર્યવાહી યથાવત

૮ ફેબ્રુઆરીના રોજ પીજીવીસીએલના વ્યાપક દરોડા: બોટાદ તથા ભાવનગર જિલ્લામાં ત્રાટકેલી ટીમોએ લાખોની વીજચોરી પકડી
૪૭૮ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં, જે પૈકી ૭૯ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતા દંડનીય કાર્યવાહી
         પીજીવીસીએલએ વીજચોરો સામે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે. ગઈકાલે આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને બોટાદ જિલ્લાની બોટાદ વિભાગીય કચેરી હેઠળની બોટાદ ગ્રામ્ય તેમજ પાળીયાદ પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૨૯ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને ૪૭૮ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૭૯ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતા કુલ રૂ.૨૧.૪૦ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.નોંધનીય છે કે એપ્રીલ-૨૨થી ડિસેમ્બર-૨૨ના સમયગાળા દરમિયાન બોટાદ વર્તુળ કચેરી હેઠળ કુલ ૨૬,૯૬૨ વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ ૪૪૯૨ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. ૭૬૭.૦૨૮ લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ ૪૯૦૩૫૮ વીજજોડાણો ચકાસીને કુલ ૫૭,૮૧૫ વીજજોડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રૂ. ૧૪૮.૨૯ કરોડના બિલ આપવામાં આવ્યાં છે તેવું અધિક્ષક ઇજનેર, પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરી, બોટાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *