Gujarat

શ્રીમદ ભગવદગીતાના પાંચમા અધ્યાયનું માહાત્મય

શ્રી ભગવાન કહે છે કે હે દેવી ! હવે તમામ લોકો દ્વારા સન્માનિત પાંચમા અધ્યાયનું માહાત્મય ટૂંકમાં બતાવું છું જેને સાવધાન થઇને સાંભળો.

મદ્ર દેશમાં પુરૂકુત્સપુર નામનું નગર હતું જેમાં પિંગલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો.તે વેદપાઠી બ્રાહ્મણોના વિખ્યાત વંશમાં કે જે સર્વદા નિષ્કલંક હતો તેમાં જન્મ્યો હતો પરંતુ પોતાના કૂળના માટે ઉચિત વેદ-શાસ્ત્રોના સ્વાધ્યાયને છોડીને ઢોલ વગાડીને નાચગાનમાં મન લગાવ્યું.ગીત-નૃત્ય અને વાજાં વગાડવાની કળામાં પરીશ્રમ કરીને પિંગળે ઘણી જ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને તેનાથી તેને રાજભવનમાં પ્રવેશ મેળવ્યો હતો.

તે રાજાની સાથે રહેવા લાગ્યો.સ્ત્રીઓ સિવાય અન્ય ક્યાંય તેનું મન લાગતું ન હતું.ધીરે ધીરે અભિમાન વધી જવાથી તે ઉચ્છ્રંખલ બનીને તે એકાંતમાં અન્ય લોકોના દોષો રાજાને બતાવવા લાગ્યો. પિંગળની એક સ્ત્રી હતી જેનું નામ અરૂણા હતું.તે નીચ કૂળમાં જન્મી હતી અને કામી પુરૂષોની સાથે વિહાર કરવા તેમને શોધવા માટે હંમેશાં ફર્યા કરતી હતી.તેના પતિને પોતાના માર્ગનો કાંટો સમજીને એક દિવસ અડધી રાતે ઘરમાં જ તેનું માથું કાપીને મારી નાખ્યા અને તેમની લાશને જમીનમાં દાટી દીધી.જે મર્યા પછી યમલોકમાં પહોંચી ભીષણ નરકોની યાતના ભોગવીને નિર્જન વનમાં ગિદ્ધ યોનિમાં જન્મ થાય છે.

અરૂણાને પણ ભગન્દર નામનો રોગ થતાં પોતાના સુંદર શરીરનો ત્યાગ કરીને ઘોર નરકમાં યાતના ભોગવીને પોપટીની યોનિમાં જન્મ થાય છે.એક દિવસ તે દાણા ચણવાની ઇચ્છાથી અહી તહી ભટકી રહી હતી એટલામાં જ તેનો પુર્વજન્મનો પતિ કે જે ગિદ્ધ બન્યો હતો તેને પોતાના પૂર્વ જન્મના વેરનું સ્મરણ થતાં પોતાના તિક્ષ્ણ નખોથી તેને ફાડી નાખતાં પોપટી ઘાયલ થઇને પાણીથી ભરેલી મનુષ્યની ખોપડીમાં જઇને પડે છે.ગિદ્ધે ફરીથી પોપટી ઉપર તરાપ મારી તો ઘાયલ પોપટી ખોપડીના પાણીમાં ડૂબીને પોતાના પ્રાણોનો ત્યાગ કરે છે,એટલામાં એક શિકારીએ જાળ નાખી પોતાના બાણોનું નિશાન બનાવતાં ઘાયલ ગિદ્ધ પણ ખોપડીના પાણીમાં પડી ડુબીને મરણને શરણ થાય છે.

યમરાજાના દૂત આ બંન્નેને યમલોકમાં લઇ જાય છે ત્યાં બંન્ને પોતાના પુર્વકૃત પાપકર્મને યાદ કરીને ભયભીત થઇ રહ્યા હતા.ત્યારબાદ યમરાજાએ તેઓના ઘૃણિત કર્મો ઉપર દ્રષ્ટિપાત કર્યો ત્યારે તેમને ખબર પડી કે મૃત્યુના સમયે અકસ્માતે ખોપડીના પાણીમાં સ્નાન કરવાથી તેમના તમામ પાપો નષ્ટ થઇ ચુક્યા હતા તેથી યમરાજાએ તેઓને મનવાંચ્છિત લોકમાં જવાની આજ્ઞા આપી.આ સાંભળીને પોતાના પાપોને યાદ કરીને તે બંન્નેને ઘણી જ નવાઇ લાગે છે અને ધર્મરાજાની પાસે જઇને તેમના શ્રીચરણોમાં પ્રણામ કરીને પુછે છે કે ભગવાન..અમે બંન્નેએ પૂર્વજન્મમાં અત્યંત ઘૃણિત પાપો કર્યા હતા તો પછી અમોને મનવાંચ્છિત લોકમાં મોકલવાનું કારણ શું છે?

યમરાજાએ કહ્યું કે ગંગાનદીના કિનારે વટ નામના એક ઉત્તમ બ્રહ્મજ્ઞાની સંત રહેતા હતા.તે એકાંતવાસી,મમતારહિત,શાંત,વિરક્ત અને કોઇના પ્રત્યે દ્વેષ રાખતા ન હતા.તેઓ દરરોજ શ્રીમદ ભગવત ગીતાના પાંચમા અધ્યાયનો જપવાંચન કરતા હતા આ તેમનો રોજનો નિયમ હતો.પાંચમા અધ્યાયને શ્રવણ કરવાથી મહાપાપી પુરૂષ પણ સનાતન બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે,તેના પુણ્યના પ્રભાવથી શુદ્ધ ચિત્ત થઇને તેમને પોતાનું શરીરનો ત્યાગ કર્યો હતો.શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરવાથી જેનું શરીર નિર્મળ બની ગયું હતું,જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી ચુક્યા હતા તે મહાત્માનાની ખોપડીના પાણીમાં પડવાથી તમે બંન્ને પવિત્ર બની ગયા છો એટલે હવે તમે બંન્ને મનવાંચ્છિત લોકોમાં જાઓ કારણ કે શ્રીમદ ભગવદ ગીતાના પાંચમા અધ્યાયના માહાત્મયથી તમે બંન્ને શુદ્ધ થઇ ગયા છો.

શ્રી ભગવાન કહે છે કે તમામના પ્રત્યે સમાનભાવ રાખનારા ધર્મરાજાના દ્વારા આ પ્રમાણે સમજાવવાથી બંન્ને ઘણા જ પ્રસન્ન થઇને વિમાનમાં બેસીને વૈકુંઠધામમાં જાય છે.

ગીતાના પાંચમા અધ્યાયનો સાર એ છે કે..મનુષ્યએ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવવા છતાં સુખી કે દુઃખી ના થવું જોઇએ કારણ કે તેનાથી પ્રભાવિત થનાર મનુષ્ય સંસારમાં ઉંચો ઉઠી પરમ આનંદનો અનુભવ કરી શકતો નથી.

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *