શ્રી મહાદેવ કહે છે કે પાર્વતી ! દક્ષિણ ભારતમાં કોલ્હાપુર નામનું નગર છે.જે તમામ પ્રકારના સુખોનો આધાર,સિદ્ધ-મહાત્માઓનું નિવાસસ્થાન તથા સિદ્ધિ પ્રાપ્તિ કરવાનું ક્ષેત્ર છે.તે ભગવતી લક્ષ્મી માતાની મુખ્ય પીઠ છે.આ પૌરાણિક તિર્થ ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર છે.ત્યાં કરોડો તિર્થ અને શિવલિંગ છે,રૂદ્રગયા પણ ત્યાં આવેલું છે.
એક દિવસ કોઇ યુવક આ નગરમાં આવે છે કે જે એક નગરનો રાજકુમાર પણ હતો.તેના શરીરનો રંગ ગોરો તથા સુંદર નેત્રો હતા.તેને નગરમાં પ્રવેશ કરી મહેલોની શોભા નિહાળતાં દેવેશ્વરી મહાલક્ષ્મી માતાના દર્શન કરવાની ઇચ્છાથી મણીકંઠ તીર્થમાં આવે છે અને ત્યાં સ્નાન કરીને પોતાના પિતૃઓનું તર્પણ કરીને મહામાયા મહાલક્ષ્મીજીને પ્રણામ કરીને ભક્તિપૂર્વક સ્તુતિ કરે છે.
હે ર્માં ! જેના હ્રદયમાં અસિમ દયા ભરેલી છે,જે તમામ કામનાઓને પૂર્ણ કરે છે તથા પોતાના કટાક્ષ માત્રથી સમગ્ર જગતની રચના,પાલન અને સંહાર કરે છે તેવી જગતની માતા મહાલક્ષ્મીની જય હો ! જે શક્તિના સહારે,તેમના આદેશ અનુસાર બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે,ભગવાન વિષ્ણુ જગતનું પાલન કરે છે તથા ભગવાન શિવ અખિલ વિશ્વનો સંહાર કરે છે તે સૃષ્ટિપાલન અને સંહારની શક્તિથી સંપન્ન ભગવતી ર્માં નું હું ભજન કરૂં છું.યોગીજનો તમારા ચરણકમળોનું ચિંતન કરે છે.આપ આપની સ્વાભાવિક સત્તાથી અમારી તમામ ઇન્દ્રિયોના વિષયોને જાણો છો.આપ કલ્પનાઓને તથા તેના સંકલ્પ કરનાર મનને ઉત્પન્ન કરો છો.ઇચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ-આ તમામ તમારાં જ રૂપ છે.તમે પરમજ્ઞાનરૂપ છો, તમારૂં સ્વરૂપ નિષ્કામ નિર્મળ નિત્ય નિરાકાર નિરંજન અનંત તથા નિરામય છે.
આવી રીતે સ્તુતિ કરવાથી ભગવતી મહાલક્ષ્મી ર્માં સાક્ષાત પ્રગટ થઇને કહે છે કે રાજકુમાર ! હું તારાથી પ્રસન્ન છું તો તમે કોઇ વરદાન માંગો.ત્યારે રાજકુમાર કહે છે કે ર્માં મારા પિતા બૃહદ્રથ અશ્વમેઘ નામના યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા,દૈવયોગથી રોગગ્રસ્ત થઇને સ્વર્ગવાસી થાય છે.તે સમયે યજ્ઞ સબંધી ઘોડાઓ જે સમગ્ર પૃથ્વીની પરીક્રમા કરીને પરત આવી રહ્યા હતા તેમને કોઇએ બંધન કાપીને કોઇ બીજી જગ્યાએ પહોંચાડી દીધા છે,તેમની શોધ કરવા માટે મેં માણસો મોકલ્યા તો તેઓ પણ ખાલી હાથે પરત આવે છે.મારા ગુરૂની આજ્ઞા લઇને હું આપની શરણમાં આવ્યો છું.હે દેવી ! જો આપ મારી ઉપર પ્રસન્ન થયા હો તો મારા યજ્ઞનો ઘોડો મને પાછો મળે,જેનાથી યજ્ઞ પુરો કરી મારા પિતાના ઋણને ઉતારી શકું.
ભગવતી લક્ષ્મી ર્માં એ કહ્યું કે રાજકુમાર ! મારા મંદિરના દરવાજા ઉપર એક બ્રાહ્મણ રહે છે,જે લોકોમાં સિદ્ધસમાધિના નામથી વિખ્યાત છે,તે મારી આજ્ઞાથી તમારા તમામ કાર્યો પુરા કરી દેશે.મહાલક્ષ્મી ના આવા આદેશ પછી રાજકુમાર સિદ્ધસમાધિ રહેતા હતા ત્યાં આવીને તેમના શ્રીચરણોમાં આવીને પ્રણામ કરીને બે હાથ જોડીને ઉભા રહે છે.તે સમયે બ્રાહ્મણ કહે છે કે તમોને માતાજીએ અહી મોકલ્યા છે તેથી હું તમારા તમામ કાર્યો પુરા કરીશ આમ કહીને મંત્રો દ્વારા બ્રાહ્મણે તમામ દેવતાઓને પોકાર કરે છે.રાજકુમારે જોયું કે તે સમયે તમામ દેવતાઓ હાથ જોડીને ઉપસ્થિત થાય છે તે સમયે આ શ્રેષ્ઠ બ્રાહ્મણે તમામ દેવતાઓને કહ્યું કે દેવગણો ! આ રાજકુમારનો અશ્વ જે યજ્ઞના માટે ફરતો મુક્યો હતો તેને દેવરાજ ઇન્દ્રે ચોરીને કોઇ જગ્યાએ સંતાડી દીધો છે તેને લઇ આવો.
તે સમયે દેવતાઓ યજ્ઞનો ઘોડો લાવીને આપી દે છે ત્યાર પછી દેવતાઓને રજા આપવામાં આવે છે તે સમયે રાજકુમાર બ્રાહ્મણના ચરણોમાં પ્રણામ કરીને કહે છે કે મહર્ષિ ! આપનું આવું સામર્થ્ય આશ્ચર્યજનક છે,આપ સિવાય આ કાર્ય કોઇ કરી શકે તેમ નથી.આપ મારી પ્રાર્થના સાંભળો.મારા પિતા રાજા બૃહદ્રથ અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરીને દૈવયોગથી મૃત્યુને પ્રાપ્ત થાય છે.હજું સુધી તેમના શરીરને તેલમાં ડુબાડીને રાખવામાં આવેલ છે આપ તેમને જીવીત કરો.
બ્રાહ્મણ ર્હંસીને કહે છે કે ચાલો ! જ્યાં યજ્ઞમંડપમાં તમારા પિતા હાજર છે ત્યાં જઇએ.સિદ્ધસમાધિ રાજકુમારને લઇને ત્યાં આવીને જળને અભિમંત્રિત કરીને રાજાના શબ ઉપર છાંટતાં જ રાજા સચેત થઇને ઉભા થઇને કહે છે કે ધર્મસ્વરૂપ ! આપ કોન છો? તે સમયે રાજકુમાર તમામ હકીકતથી રાજાને વાકેફ કરે છે ત્યારે રાજા પોતાને જીવનદાન આપનાર બ્રાહ્મણને નમસ્કાર કરે છે.
રાજા પુછે છે કે હે બ્રાહ્મણ ! ક્યા પુણ્યના પ્રતાપે આપને આ અલૌકિક શક્તિ પ્રાપ્ત થઇ છે? ત્યારે બ્રાહ્મણ મધુર વાણીમાં કહે છે કે હે રાજન ! હું દરરોજ આળસ છોડીને શ્રીમદ ભગવદ ગીતાના બારમા અધ્યાયનો પાઠ કરૂં છું તેનાથી મને આ શક્તિ મળી છે અને તેનાથી જ આપશ્રીને જીવનદાન મળ્યું છે.આવું સાંભળીને રાજાએ પરીવાર સહિત મહર્ષિ પાસેથી ગીતાના બારમા અધ્યાયનો પાઠ કરે છે અને છેલ્લે તમામ પરમપદ મોક્ષને પ્રાપ્ત થાય છે.
શ્રી મહાદેવ કહે છે કે હે પ્રિયે ! આવી રીતે અનેક જીવો પણ ગીતાના બારમા અધ્યાયનો પાઠ કરીને પરમપદ મોક્ષને પ્રાપ્ત થયા છે.
ગીતાના બારમા અધ્યાયનો સાર એ છે કે જે ભક્ત શરીર ઇન્દ્રિયો,મન-બુધ્ધિ સહીત પોતે પોતાને ભગવાનને અર્પણ કરી દે છે તે ભગવાનને પ્રિય થાય છે.
અર્જુનના મનમાં જીજ્ઞાસા થાય છે કે જે ભક્તો નિરંતર આપની ભક્તિમાં લીન રહીને આપના સગુણ સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે અને બીજા ભક્તો જે ફક્ત અવિનાશી નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે આ બંન્ને પ્રકારના ઉપાસકો શ્રેષ્ઠ કોન? આવા પ્રશ્નથી ગીતાના બારમા અધ્યાયની શરૂઆત થાય છે. ભગવાન કહે છે કે મારામાં મનને પરોવીને નિત્ય નિરંતર મારા ભજન-ધ્યાનમાં રચ્યા-પચ્યા રહેનારા જે ભક્તજનો પરમ શ્રદ્ધાભાવથી યુક્ત થઇને મુજ સગુણ-સાકારની ઉપાસના કરે છે તેઓ મારા મત પ્રમાણે સર્વશ્રેષ્ઠ યોગી છે.
જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન-બુદ્ધિથી પર સર્વવ્યાપક,જોવામાં ન આવનારા નિર્વિકાર નિત્ય અચળ અક્ષર અને નિર્ગુણ નિરાકારની તત્પરતાથી ઉપાસના કરે છે તે તમામ પ્રાણીઓના હિતમાં પ્રિતિવાળા અને તમામમાં સમાનભાવ રાખનારા સાધકો મને જ પામે છે. અવ્યક્તમાં આસક્ત ચિત્તવાળા એ સાધકોને પોતાના સાધનમાં કષ્ટ વધારે થાય છે કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે પરંતુ જે તમામ કર્મોને મારામાં અર્પણ કરીને મારા પરાયણ થઇને અનન્યયોગ સબંધથી મારૂં જ નિરંતર ચિંતન કરતાં મારી ઉપાસના કરે છે તે મારામાં ચિત્ત પરોવનારા ભક્તોનો હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરૂં છું.
ભગવાન કહે છે કે મારામાં જ મનને સ્થિર કર અને મારામાં જ બુદ્ધિને જોડ આ પછી તૂં મારામાં જ નિવાસ કરીશ એમાં લેશમાત્ર સંશય નથી..જો તૂં મનને મારામાં અચળભાવે સ્થિર કરવામાં પોતાને સમર્થ ન માનતો હોય તો અભ્યાસયોગ દ્વારા તૂં મને પામવાની ઇચ્છા કર.. જો તૂં અભ્યાસમાં પણ પોતાને અસમર્થ માનતો હોય તો ફક્ત મારા માટે કર્મ કરવાને જ પરાયણ થઇ જા.મારા અર્થે કર્મો કરતો રહીને પણ તૂં મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને પામીશ..
જો મારા સમતાયોગને આશ્રિત થઇને તૂં ઉપર કહેલ સાધન કરવામાં પણ પોતાને અસમર્થ માનતો હોય તો મન-બુદ્ધિ વગેરે વશમાં કરીને સર્વ કર્મોના ફળની ઇચ્છાનો ત્યાગ કર..અભ્યાસથી શાસ્ત્રજ્ઞાન ચઢીયાતું છે,જ્ઞાન કરતાં ધ્યાન ચઢીયાતું છે અને ધ્યાન કરતાં પણ સર્વ કર્મોના ફળની ઇચ્છાનો ત્યાગ ચઢીયાતો છે કેમકે ત્યાગથી તરત જ પરમશાંતિ મળે છે.શ્રીમદ ભગવદગીતાના બારમા અધ્યાયમાં સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા પોતાના પ્રિય ભક્તોનાં છત્રીસ લક્ષણોનું વર્ણન કરેલ છે જે અલગ લેખમાં જોઇશું..
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)