એકવાર દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુની પાસે જાય છે પ્રણામ કરીને કહે છે કે હે ભગવાન મને સત્સંગની મહિમા સંભળાવો. ભગવાન હસીને કહે છે કે તમે અહીથી આગળ જશો તો એક આંબલીના વૃક્ષ ઉપર એક રંગીન પ્રાણી કાચિંડો જોવા મળશે તે સત્સંગની મહિમા જાણે છે અને તે તમોને સત્સંગની મહીમા સમજાવશે. નારદજી ખુશ થઇને આંબલીના વૃક્ષ પાસે જઇને કાચિંડા સાથે વાત કરે છે. નારદજીએ સત્સંગની મહિમા પુછી તો કાચિંડો વૃક્ષ પરથી નીચે પડી જાય છે અને તફડીને પોતાના પ્રાણ છોડી દે છે.નારદજી ભગવાન પાસે આવીને તમામ હકીકત ભગવાનને સંભળાવે છે.
ભગવાન હસીને કહે છે કે આ વખતે તમે નગરના સૌથી ધનવાન નગરશેઠના ઘેર જાઓ ત્યાં તમોને પિંજરામાં એક પોપટ જોવા મળશે તેને તમે સત્સંગની મહિમા પુછજો.નારદજી તુરંત જ નગરશેઠના ઘેર પહોંચીને પોપટને સત્સંગની મહિમા પુછે છે. થોડીવારમાં જ પોપટની આંખો બંધ થઇ જાય છે અને પ્રાણ પંખેરૂં ઉડી જાય છે.આ વખતે નારદજી ગભરાઇ જાય છે અને ભગવાન પાસે જાય છે.
નારદજીએ કહ્યું કે ભગવાન તમારી આ શું લીલા છે? સત્સંગનું નામ સાંભળીને મરી જવું એ સત્સંગની મહિમા છે? ભગવાન હસતાં હસતાં કહે છે કે આ વાતને તમે થોડા સમયમાં જ સમજી જશો.આ વખતે તમે અવંતિ નગરના રાજાના મહેલમાં જાઓ અને તેમના તરત જન્મેલા રાજકુમારને તમારો પ્રશ્ન પુછજો.
નારદજી તો થરથર કાંપવા લાગ્યા અને કહ્યું કે અત્યાર સુધી તો બે પક્ષીઓના પ્રાણ ગયા છે પરંતુ આ વખતે મારા પ્રશ્ન પુછવાથી રાજકુમાર મરી જશે તો રાજા મને જીવતો નહી છોડે.ભગવાને નારદજીને અભયદાન આપ્યું. નારદજી દિલ મુઠ્ઠીમાં લઇને રાજમહેલમાં જાય છે. રાજમહેલમાં નારદજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે.અત્યાર સુધી રાજાને કોઇ સંતાન ન હતું એટલે રાજકુમારના જન્મનો આનંદોલ્લાસથી ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો હતો.
નારદજીએ ડરતાં ડરતાં રાજાને તેમના પૂત્ર વિશે પુછ્યું તો તેમને રાજકુમારની પાસે લઇ જવામાં આવે છે.પરસેવાથી રેઝબેઝ થઇ ગયા અને મનથી શ્રીહરીનું નામ લઇને નારદજીએ રાજકુમારને સત્સંગની મહિમા વિશે પ્રશ્ન પુછ્યો તો નવજાત શીશુ હસી પડે છે અને કહે છે કે મહારાજ ! ચંદનને પોતાની સુગંધ અને અમૃતને પોતાના માધુર્યની ખબર હોતી નથી તેવી જ રીતે આપ પોતાની મહિમા જાણતા નથી તેથી મને પ્રશ્ન પુછી રહ્યા છો? વાસ્તવમાં આપના ક્ષણમાત્રના સંગથી હું કાચિંડાની યોનિમાંથી મુક્ત થયો અને આપણા દર્શનમાત્રથી પોપટની ક્ષુદ્ર યોનિમાંથી મુક્ત થઇને આ મનુષ્ય જન્મને પામ્યો છું.આપના સાનિધ્ય માત્રથી મારી કેટલી યોનિઓ છુટી ગઇ અને હું સીધો માનવશરીરમાં જ નહી પરંતુ રાજકુમાર બન્યો છું.આ સત્સંગનો જ અદભૂત પ્રભાવ છે.બાળકે કહ્યું કે હે ઋષિવર ! હવે મને આર્શિવાદ આપો કે હું મનુષ્ય શરીરમાં પરમ લક્ષ્ય પ્રભુ પરમાત્માને જાણીને ભક્તિ કરી ભવસાગર પાર કરી શકું.
નારદજીએ પ્રસન્ન થઇ આર્શિવાદ આપ્યા અને ભગવાન શ્રીહરિ પાસે જઇને તમામ હકીકત કહી. ભગવાને કહ્યું કે ખરેખર સત્સંગની મહિમા મહાન છે.સંતનું યોગ્ય ગૌરવ સંત જાણે છે કે તેમના સાચા પ્રેમી ભક્ત જાણે છે એટલે જ્યારે પણ તક મળે સત્સંગનો લાભ અવશ્ય લેવો જોઇએ.શું ખબર કે ક્યા સંત કે ભક્તના મુખથી નીકળેલ કંઇ વાત અમારૂં જીવન સફળ કરી દે.
સત્સંગ મોક્ષનું દ્વાર છે.સત્સંગથી વિષયોનું સ્મરણ છુટી જાય છે, સત્સંગથી જ ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે, સત્સંગ બધા અનર્થોનો નાશ કરે છે, સત્સંગથી જ ભગવાન સહજમાં વશ થાય છે, સત્સંગની તુલના બીજા કોઇ સાથે થતી નથી, સત્સંગથી નિશ્ચલ પ્રેમાભક્તિ પ્રાપ્ત થાય છે, સંત મહાપુરૂષોના ચરણસ્પર્શ કરવાથી તીર્થો ૫ણ પવિત્ર થાય છે અને તેમની ચરણરજના સેવનથી તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે, સંત મહાપુરૂષોના દર્શન ખુબ જ કઠીનાઇથી થાય છે, સંત મહાપુરૂષો સંસારથી તરવાની નૌકા છે, પ્રભુ ૫રમાત્મા સંત મહાપુરૂષોના આધિન છે.
સત્સંગ વિના વિવેક આવતો નથી અને રામની કૃપા વિના સત્સંગ સહેલાઇથી મળતો નથી.દુષ્ટો ૫ણ સત્સંગ પામીને સુધરી જાય છે. બુદ્ધિની જડતા દૂર કરવા, વિવેક ઉત્પન્ન કરવા જીવનમાં સુખ-શાંતિ, આનંદ પ્રાપ્તી કરવા માટે જીવનના લક્ષ્યની પ્રાપ્તિ કરવા, પ્રભુ દર્શન કરવા, સંસારમાંની વેર ઇર્ષ્યા દ્વેષ ઘૃણાને દૂર કરવા અને તેની જગ્યાએ અહિંસા એકતા ભાતૃભાવ પ્રેમ ઉત્પન્ન કરવા સત્સંગ ૫રમ આવશ્યક છે.સત્સંગથી જ મનનો મેલ દૂર થાય છે. મનમાં જથ્થાબંધ થઇ રહેલા સંશય તથા ભ્રમોનો સમુદાય સદગુરૂના સત્સંગથી નષ્ટ થઇ જાય છે, સંતોના દર્શનમાત્રથી સૌ પાપો નષ્ટ થઇ જાય છે. મહાભાગ્ય હોય તો જ સત્સંગ પ્રાપ્ત થતો હોય છે.જેના પ્રતાપે પરીશ્રમ વિના જ સંસારના ફેરા ટળી જાય છે.સંતજનોનો સંગ મોક્ષના માર્ગરૂ૫ છે અને કામીનો સંગ સંસારમાં બાંધનાર છે.
સત્સંગનો અર્થ છે સત્યનો સંગ..સત્ય સ્વરૂ૫ ૫રમાત્માની સાથે સંગ કરવો.દરેક ક્ષેત્રમાં પ્રભુકૃપાની આવશ્યકતા છે જે સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થાય છે.સત્ય બ્રહ્મ (૫રમાત્મા)ના પ્રત્યક્ષ દર્શન કરીને જ્યારે જ્ઞાનચર્ચા કરવામાં આવે તે જ સત્સંગ છે.સત્સંગ એ અંતિમ લક્ષ્ય છે.જેના માટે સત્ય ૫રમાત્માનું જ્ઞાન ૫રમ આવશ્યક છે. કુસંગનો સર્વથા ત્યાગ કરવો. ક્ષણભરના કુસંગથી મનમાં સૂતેલા શૈતાન જાગી જશે તો શું દશા થશે? સંસારમાં પ્રત્યેક વ્યક્તિ સુખ-શાંતિ-આનંદ ઇચ્છે છે. આ સુખ શાંતિ અને આનંદ વિષયોમાં નથી અને જો છે તો ક્ષણિક છે. સ્થાઇ સુખ-શાંતિ ફક્ત સત્સંગમાં જ છે.થોડા સમયનો સત્સંગ ૫ણ લાભકારી હોય છે.સત્સંગના સમાન દુનિયામાં કોઇ સુખ નથી. જો એક ત્રાજવામાં સત્સંગરૂપી વચનામૃત અને બીજા ત્રાજવામાં સંસારના તમામ સાંસારીક, શારીરિક સુખ તો ૫ણ સત્સંગનું ત્રાજવું ભારે જ રહે છે.
મનુષ્યના જીવનમાં સહાયતાની આવશ્યકતા ૫ડે છે. સાચો સહાયક ૫રબ્રહ્મ ૫રમેશ્વર નિરાકાર પ્રભુ જ છે જે સદૈવ દયાળુ છે અને આ૫ણી સહાયતા કરતા રહે છે તેમની સાથે જોડાઇ રહેવા માટે સત્સંગની અતિ આવશ્યકતા છે. સત્સંગ આત્માનો ખોરાક છે. જેવી રીતે ખોરાક શરીરની ભૂખ શાંત કરે છે, શક્તિ અને બળ આપે છે તેવી જ રીતે સત્સંગ સેવા સુમિરણ પૂજા અર્ચના આત્માની ભૂખ મટાડે છે.
પાણી વલોવવાથી ભલે ઘી નીકળે, રેતી પિલવાથી ભલે તેલ નિકળે, સૂર્ય ભલે પૂર્વના બદલે ૫શ્ચિમમાં ઉગે, ફુલ જમીનના બદલે ભલે આકાશમાં ખિલે, કાચબાની પીઠ ઉપર ભલે વાળ ઉગે, વાંઝણીનો પૂત્ર ભલે યુદ્ધ જીતે.. આ બધી અસંભવ વાતો ભલે સંભવ બને પરંતુ સત્સંગ વિના આ ભવસાગર તરવો અસંભવ છે આ અકાટ્ય સિદ્ધાંત છે. જે લોકો સેવા સુમિરણ સત્સંગ કરતા નથી તેમને લોક ૫રલોકમાં આનંદ મળતો નથી. નિયમિત સત્સંગરૂપી ઝાડું મનને લગાવવાથી મન અને વિચાર શુદ્ધ નિર્મલ રહે છે.


