સુરેન્દ્રનગર
સુજલામ સુફલામ જળ અભિયાનના રાજ્યવ્યાપી પ્રારંભના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતેથી કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમા સાયલાના માનસરોવર તળાવને ઊંડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જળસંચય વધારવાના હેતુથી સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત કરવામા આવી છે. આ અભિયાન થકી પાણીનો સંગ્રહ મોટા પ્રમાણમા થવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધામાં વધારો થશે તેમજ પશુ-પંખીઓ માટે પીવાના પાણીની પણ એક કાયમી વ્યવસ્થા ઉભી થશે. છેલ્લા પાંચ વર્ષમાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની વિગતો આપતા આ યોજના દ્વારા તળાવ ઊંડું કરવાના કામો, ચેકડેમ અને નદીની સાફ-સફાઈના સહિતના કામો થકી જળ સંગ્રહશક્તિમાં ઘણા મોટા પ્રમાણમાં વધારો થયો છે તેમ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ સાયલા તાલુકાનો કેન્દ્ર સરકાર દ્વારા એસ્પીરેશનલ બ્લોકમાં (આકાંક્ષિત તાલુકામાં) સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ જણાવી હવે આ તાલુકામાં આરોગ્ય, શિક્ષણ જેવી સુવિધાઓમાં વધારો થશે તેમ ઉમેર્યું હતું. મંત્રીએ મહિલા સન્માન બચત પત્રો, સુકન્યા સમૃદ્ધિ જેવી વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, આજે સુજલામ સુફલામ અભિયાનના છઠ્ઠા ચરણનો મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન દ્વારા જળસંચયના વિવિધ કામો હાથ ધરવામાં આવશે. જેથી દર વર્ષે ઉનાળુ ઋતુમાં થતા પાણીના પ્રશ્નો નિવારી શકાશે અને પાણીનો સંગ્રહ વધવાથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે. યોજનાકિય જાણકારી આપતા નાયબ મુખ્ય દંડકે જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ યોજના અંતર્ગત ૬૦% સરકાર અને ૪૦% લોક ભાગીદારીથી કામો કરવામાં આવશે. અગાઉના વર્ષોમાં અનેક ધાર્મિક, સામાજિક સંસ્થાઓ આ અભિયાનમાં સહભાગી બની હતી. તેમ આ વર્ષે પણ આ સંસ્થાઓ લોકકલ્યાણના આ કામમાં સહભાગી બની જળ અભિયાનને જન અભિયાન બનાવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં સુજલામ સુફલામ અંતર્ગત થયેલી કામગીરીની વાત કરતા નાયબ મુખ્ય દંડકે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ વિભાગો દ્વારા સુજલામ સુફલામ્ અંતર્ગત જિલ્લામાં ૧૨૯૧ જેટલા કામો હાથ ધરવામાં આવ્યાં હતા. તેમજ ૬૪ લાખ ઘન મીટરના જેટલા કામો થવાથી જિલ્લાના લોકોને આ યોજનાનો સારો લાભ મળ્યો છે. આ કાર્યક્રમમાં સિંચાઈ વિભાગના મદદનીશ ઇજનેર ધર્મેશભાઈ સોનગરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને કાર્યપાલક ઇજનેર આકાશ પટેલે આભારવિધિ કરી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ મુંજપરા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી આર. એમ. રાયજાદા, પ્રાંત અધિકારી યોગરાજસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ અગ્રણી સર્વશ્રી રાજભા ઝાલા, સુરિંગભાઈ ધાંધલ, જીલુભાઇ ખવડ, મુકેશભાઈ કાલિયા, સાયલા સરપંચ અજયરાજસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.