બીજાના માટે અમારા મનમાં જેવો ભાવ હોય છે તેવો જ ભાવ સામાવાળાના મનમાં આવે છે.આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે.આ વિશે એક ઐતિહાસિક ઘટના જોઇએ.
એકવાર રાજા ભોજની સભામાં એક વેપારી આવે છે.રાજાએ વેપારીને સામેથી આવતાં જોયો તે જ સમયે રાજાના મનમાં વિચાર આવ્યો કે આ વેપારીનું સર્વસ્વ લઇ લેવામાં આવે.વેપારીના ગયા પછી રાજા વિચાર કરે છે કે હું હંમેશાં પ્રજાને ન્યાય આપું છું.આજે મારા મનમાં વેપારીના પ્રત્યે આવો અન્યાયપૂર્ણ ભાવ કેમ આવ્યો કે આ વેપારીનું બધું જ લૂંટી લેવું..!
રાજાએ પોતાના મંત્રીને આ પ્રશ્ન કર્યો તો મંત્રીએ કહ્યું કે આપના પ્રશ્નનો યોગ્ય અને સાચો જવાબ હું આપશ્રીને અઠવાડીયા પછી આપીશ.રાજાએ મંત્રીની વાત સ્વીકારી લીધી.મંત્રી વિલક્ષણ બુદ્ધિનો હતો તે સીધો વેપારીને મળવા માટે પહોંચી જાય છે.વેપારી સાથે મિત્રતા કરીને પુછે છે કે તમે તો ચંદનનાન લાકડાના વેપારી છો તેમ છતાં તમે આટલા બધા ચિંતિત અને દુઃખી કેમ છો?
ત્યારે વેપારી કહે છે કે આ ધારાનગરી સહિત હું ઘણા નગરોમાં ચંદનના લાકડાઓની ગાડીઓ ભરી વેચવા માટે ફરૂં છું તેમ છતાં ચંદનના લાકડાનું વેચાણ થતું નથી.મારી મોટાભાગની મૂડી આ ચંદનના લાકડાની ખરીદીમાં રોકાયેલા છે એટલે હવે આ નુકશાનથી બચીને નીકળવાનો કોઇ ઉપાય નથી.
વેપારીની વાત સાંભળીને મંત્રીએ પુછ્યું કે શું હવે તેના માટે કોઇ રસ્તો નથી? ત્યારે વેપારી હસીને કહે છે કે જો રાજાભોજનું મૃત્યુ થાય તો તેમના દાહ સંસ્કાર માટે મારા તમામ ચંદનના લાકડા વેચાઇ જાય તેમ છે.
મંત્રીને રાજાના પ્રશ્નનો જવાબ મળી ગયો.બીજા દિવસે મંત્રીએ વેપારીને કહ્યું કે તમે આજથી રાજાના ભોજન બનાવવા માટે દરરોજ ચાલીસ કિલો ચંદનના લાકડા મોકલજો અને તેના પૈસા રોજ રોકડા લઇ લેજો.મંત્રીનો આવો આદેશ સાંભળીને વેપારીને ઘણી ખુશી થાય છે.હવે તે રાજાના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.
એક દિવસ રાજસભા ચાલી રહી હતી તે સમયે વેપારી ત્યાં આવે છે તો રાજા વિચાર કરે છે કે કેટલો આકર્ષક વ્યક્તિ છે તેને શું પુરસ્કાર આપી શકાય? રાજાએ મંત્રીને બોલાવ્યા અને પુછ્યું કે મંત્રીવર.. આ વેપારી જ્યારે મારી રાજસભામાં આવ્યો હતો ત્યારે તેના વિશે મેં આપને કંઇક પુછ્યું હતું તેનો જવાબ તમે આજદિન સુધી આપ્યો નથી.આજે જ્યારે મેં તેને જોયો તો મારા મનના ભાવ જ બદલાઇ ગયા છે.ખબર નથી પડતી આજેઆજે હું તેના ઉપર આટલો ખુશ કેમ થઇ રહ્યો છું? અને તેને ઇનામ આપવા ઇચ્છું છું?
મંત્રીને તો આ જ ક્ષણની પ્રતિક્ષા હતી એટલે તેમને કહ્યું કે મહારાજ ! આપના બંન્ને પ્રશ્નોના જવાબ આજે હું આપીશ.જ્યારે વેપારી પ્રથમવાર રાજસભામાં આવ્યા ત્યારે તેને પોતાના ઘણા બધા ચંદનના લાકડા વેચવાની ચિંતા હતી અને તે વિચારતો હતો કે રાજાનું મૃત્યું થાય તો મારા તમામ ચંદનના લાકડા વેચાઇ જાય.હવે આપના ભોજન બનાવવા માટે દરરોજ વીસ કિલો ચંદનના લાકડા તેની પાસેથી ખરીદવામાં આવી રહ્યા છે એટલે હવે આ વેપારી આપના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને તે કારણોસર પહેલાં આપ તેને દંડીત કરવા ઇચ્છતા હતા અને અત્યારે ઇનામ આપવા ઇચ્છો છો.
આપણી જેવી ભાવના હોય છે,અમે બીજાના વિશે જેવું વિચારતા હોઇએ છીએ તેનું જ પ્રતિબિંબ સામાવાળાના મન ઉપર પડતું હોય છે.અમે જેવા હોઇએ છીએ તેવી જ પરિસ્થિતિ અમોને પોતાની તરફ આકર્ષિત કરે છે.અમારા જેવા વિચારો હોય છે તેવા જ લોકો અમોને મળે છે-આ જ આ જગતનો નિયમ છે.અમે જેવું વાવીએ છીએ તેવું જ ફળ અમોને મળે છે.અમે બીજાઓના માટે મનમાં જેવા ભાવ રાખીએ છીએ તેવા જ ભાવ બીજાઓ અમારા માટે રાખતા હોય છે,એટલે આ વાર્તામાંથી અમોને એ જ શિક્ષા મળે છે કે હંમેશાં બીજાઓના પ્રત્યે હંમેશાં સકારાત્મક ભાવ રાખવો જોઇએ..
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા) તા.ગોધરા