હરિયાણા
જે પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયનો હું વિદ્યાર્થી રહ્યો એ વિશ્વવિદ્યાલયે ડૉક્ટર ઑફ લિટરેચરની પદવીથી સન્માન કર્યું તે માટે સવિનય આભાર ઃ શ્રી આચાર્ય દેવવ્રતજી
હરિયાણાની સૌથી પ્રતિષ્ઠિત, પ્રાચીન અને સૌથી મોટી કુરુક્ષેત્ર યુનિવર્સિટીએ આજે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને પ્રાકૃતિક કૃષિ, ગોપાલન, ગૌ નસ્લ સુધાર, પ્રાકૃતિક અને યૌગિક ચિકિત્સા, સામાજિક સમરસતા, વૃક્ષારોપણ, જલ સંરક્ષણ અને દેશ સેવામાં તેમના અનન્ય યોગદાન બદલ ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ્ ઉપાધિથી સન્માનિત કર્યા હતા.
કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલયના ૩૩ મા દીક્ષાંત સમારોહમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ દ્વારા કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ અને હરિયાણાના રાજ્યપાલ શ્રી બાંડારુ દત્તાત્રેયજી, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર અને હરિયાણાના ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી મૂલચંદ શર્માની ઉપસ્થિતિમાં શ્રી આચાર્ય દેવવ્રતજીને ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ ઉપાધિ પ્રદાન કરવામાં આવી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ ઉપાધિનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે, જે પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાનનો હું વિદ્યાર્થી રહ્યો છું એ સંસ્થાન આજે ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ્ ઉપાધિથી મને સન્માનિત કરે છે એ માટે હું કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય પ્રતિ
નમ્રતાપૂર્વક આભારની લાગણી પ્રદર્શિત કરું છું. પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ, યોગ અને રાષ્ટ્રની વિવિધ સામાજિક ગતિવિધિઓમાં પ્રદાન બદલ મળેલા આ સન્માન બદલ તેમણે કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી બાંડારુ દત્તાત્રેયજી, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર અને કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. સોમનાથ સચદેવાનો સવિનય આભાર માન્યો હતો અને શુભકામનાઓ પાઠવી હતી.