શિમલા
હિમાચલ પ્રદેશમાં અદાણી ગ્રૂપના વ્યાપારિક સંસ્થાનો પર સ્ટેટ એક્સાઈઝ એન્ડ ટેક્સેશન ડિપાર્ટમેન્ટએ દરોડા પાડ્યા હતા. આ ટીમોએ હિમાચલમાં અદાણી વિલ્મર ગ્રૂપના સ્ટોર પર આ કાર્યવાહી કરી હતી. માહિતી અનુસાર એક્સાઈઝ વિભાગની સાથે સાઉથ એન્ફોર્સમેન્ટ ઝોનની ટીમ બુધવારે મોડી સાંજે પરવાણુમાં અદાણીના સ્ટોર પર પહોંચી હતી. માહિતી અનુસાર પરવાણુમાં અદાણીના સ્ટોર પર ત્રાટકેલી એક્સાઈઝ વિભાગોની ટીમોએ ગોડાઉનમાં સ્ટોકનું નિરીક્ષણ કર્યું અને તેનાથી સંબંધિત દસ્તાવેજાેની ચકાસણી કરી હતી. હાલમાં ટેક્સ લાઈબેલિટી અને રોકડમાં ચૂકવણી ન કરવી તેને શંકાસ્પદ માનીને આ કાર્યવાહી કરાઈ રહી છે. મોડી સાંજ સુધીમાં ગોડાઉનમાં દસ્તાવેજાેની ચકાસણી કરાઈ હતી અને સવાલ-જવાબ પણ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે હિમાચલમાં અદાણી ગ્રૂપની કુલ ૭ કંપનીઓ કાર્યરત છે. તેમાં ફ્રૂટના કોલ્ડ સ્ટોરેજ ઉપરાંત રાજ્યમાં મોટાપાયે કરિયાણાની વસ્તુની સપ્લાય પણ અદાણી ગ્રૂપની કંપનીઓ જ કરે છે. જ્યારથી રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવી છે ત્યારથી અદાણી ગ્રૂપની તકલીફો વધી છે. રાજ્યમાં અદાણી ગ્રૂપે તેની બે સિમેન્ટ કંપનીઓમાં પ્રોડક્શન જ બંધ કરી દીધું છે. અહીં માલવહનના ભાડા સંબંધિત અમુક મુદ્દાઓ પર ખેંચતાણને લીધે કામકાજ ઠપ કરી દેવાયું છે.


