શ્રીનગર
કાશ્મીરના રાજૌરી પહાડી ક્ષેત્રોમાં ત્રાસવાદીઓના અડ્ડાને ડામવા માટે હવે રાજય સરકારે એક નવી યોજના બહાર પાડી છે. રાજૌરીના અનેક વિસ્તારોમાં ત્રાસવાદીને શરણ મળી રહી છે અને તેના કારણે સુરક્ષાદળો માટે પણ મુશ્કેલ સ્થિતિ ઉભી થઈ છે અને હવે જમ્મુ-કાશ્મીર પોલીસ ગઈકાલે રાત્રે એક એડવાઈઝરી બહાર પાડીને આતંકવાદીઓ અંગે ચોકકસ બાતમી આપનારને રૂા.૧૦ લાખનું ઈનામ આપવામાં આવશે. એટલું જ નહી તેનું નામ ગુપ્ત રખાશે અને તેના પરિવારને પણ વધુ સરકારી નોકરી સહિતની સુવિધા અપાશે. ગત તા.૧ જાન્યુ.ના રાજૌરીના ઢાંગરી ગામમાં આતંકવાદીઓએ હુમલો કરીને સાત લોકોને ઠાર માર્યા હતા અને ૧૪ જેટલા લોકો ઘવાયા હતા. આ ગામની આસપાસ આતંકવાદીઓના અનેક અડ્ડાઓ છે પરંતુ ગ્રામવાસીઓ આતંકીઓના ડરથી પોલીસને માહિતી આપતા નથી. પરંતુ હવે રાજય સરકારે આતંકીઓ સામે માહિતી માટે ઈનામી યોજના જાહેર કરી છે અને તેમાં આતંકીઓ અંગે ચોકકસ માહિતી બાદ ત્યાં ઓપરેશન કરાશે અને તે સાચી પડશે તો માહિતી આપનારને રૂા.૧૦ લાખનું ઈનામ અપાશે જેના કારણે હવે રાજયમાં આતંકીઓ સામેનો જંગ વધુ તીવ્ર બનશે તેવી ધારણા છે.