શિમલા
હિમાચલ પ્રદેશમાં આખરે એક મહિનાની રાહ જાેયા બાદ કેબિનેટનું ગઠન થઈ ગયું છે. શિમલામાં રાજભવનમાં રવિવારે સવારે કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, હિમાચલ રાજભવનમાં લગભગ ૧૦ વાગે કેબિનેટના મંત્રીઓએ શપથગ્રહણ કર્યા હતા. સૌથી પહેલા ડોક્ટર ધની રામ શાંડિલ્યે શપથ લીધા હતા. તેઓ સોલનથી ધારાસભ્ય બન્યા છે. ત્યાર બાદ કાંગડાના જ્વાલીથી ધારાસભ્ય ચંદ્ર કુમારે મંત્રી પદના શપથ લીધા હતા. તેઓ છ વાર ધારાસભ્ય રહ્યા છે. ત્યાર બાદ સિરમૌરથી શિલાઈ હર્ષવર્ધને શપથ લીધા હતા. ચોથા નંબર પર જગત સિંહ નેગીએ મંત્રી પદના શપથ લીધા હતા. ત્યાર બાદ શિમલાથી ઝુબ્બલ કોટખાઈથી રોહિત ઠાકુરનો નંબર હતો. તેમના નામની જાહેરાત થતાં જ હોલમાં તાળીઓ વાગી હતી. તો વળી શિમલાથી કુસુમપટ્ટીથી ધારાસભ્ય અનિરુદ્ધ સિંહ અને શિમલા ગ્રામિણથી ધારાસભ્ય અને પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહે સૌથી છેલ્લા પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા. હિમાચલ કેબિનેટમાં દસ પદ પર મંત્રીઓને શપથ લેવડાવે છે. પણ દાવેદાર વધારે હોવાથી સીએમ સુક્ખૂએ હાલમાં ૭ને પદભાર આપવાનો ર્નિણય કર્યો છે. મંત્રીમંડળમાં હવે ત્રણ પદ ખાલી રહે છે અને તેના પર નિયુક્તિ બાદમાં થશે.
