ભોપાલ
મધ્યપ્રદેશના ઇન્દોરમાં મંદિરમાં બનેલી દુર્ધટનામાં ૨૦ લાશ બહાર કાઢવામાં આવી હતી. રામનવમીના દિવસે એટલે ગુરુવારે લગભગ ૧૧-૩૦ કલાકે આ ઘટના બની હતી, જેનાથી આખો વિસ્તાર હચમચી ગયો હતો. આ દુર્ઘટનામાં એક સાથે ૩૬ નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. જાેકે હજુ કેટલાક લોકો ફસાયેલા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. બીજી તરફ, શ્રી બાલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટના અઘ્યક્ષ અને પૂર્વ કોર્પોરેટર સેવારામ ગલાની અને મંત્રી શ્રીકાંત પટેલ તથા કુમાર સબનાની વિરુદ્ધ કલમ ૩૦૪ હેઠળ એફઆઈઆર નોધવામાં આવી છે. ઈન્દોર પોલીસ કમિશનર મકરંદ દેઉસકરે કહ્યું કે આ મામલામાં ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે, એટલા માટે હજુ સુધી કોઈની પણ ધરપકડ કરાઈ નથી. રેસ્ક્યૂ ઓપરેશનમાં એનડીઆરએફની ટીમમાં ૧૪૦ લોકો સામેલ છે. આ સાથે ઈન્દોર જિલ્લાના મહૂ આર્મી હેટક્વાર્ટરથી આર્મી જવાનોને પણ રાહત-બચાવ કામગીરીમાં સામેલ કરાયા છે. આખી રાત દરમિયાન સર્ચ ઓપેરશન ચાલુ રહ્યુ હતું અને ૨૦ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ કેટલાક લોકો ગુમ છે. સમગ્ર વિસ્તારમાં બચાવ કામગીરી અવરોધાઇ રહી છે. વાવના જગ્યામાંથી પાણી કુવાથી સંપૂર્ણ ખાલી કરવામાં આવ્યાના અડધા કલાકમાં ફરી ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે. જેના લીધે પાણી ખાલી કરવાની વ્યવસ્થા ફરી કરવી પડે છે અને બીજી વાર રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવું પડે છે. રેસ્ક્યૂ ઓપરેશન લગભગ ૪૦ ફૂટ ઊંડી વાવમાં ચલાવવામાં આવી રહયું છે. ઈન્દોર શહેરના એક બગીચામાં બનેલા બાલેશ્વર મહાદેવ મંદિરમાં ગેરકાયદે કુવાની વાવને સીમેન્ટના સ્લેબથી ઢાંકી દેવામાં આવી હતી અને તેના પર હવન કુંડ બનાવી દીધો હતો. એ જ હવન કુંડ પર બેસી લોકો હવન કરી રહ્યા હતા, ત્યારે અચાનક કુવામાં સ્લેબ પડ્યો હતો, જેના કારણે હવન કરી રહેલા લોકો વાવમાં પડી ગયા હતા. ઈન્દોરમાં એક છ માળની હોટેલમાં અચાનક આગ લાગી હતી. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને હોટેલમાં ફસાયેલા ૪૨ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ તત્કાળ જાણી શકાયું નહતું. રાઉ પોલીસ સ્ટેશનના પ્રભારી નરેન્દ્ર રઘુવંશીએ જણાવ્યું કે ‘પપાયા ટ્રી હોટેલ’માં આગ લાગી, જેના કારણે હોટેલમાં રોકાયેલા લોકો ફસાઈ ગયા હતા. ૪૨ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, જે પૈકી ૧૦ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના દર્દીઓને હોટેલમાં ધુમાડો ભરાઈ જવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. હોટેલમાં રોકાયેલા લોકો ભયભીત થઈને નીચે કુદકો મારવા ઇચ્છતા હતા, પરંતુ અમે તેમને કુદકો મારતા રોક્યા અને અમારી ટીમે સીડી લગાવીને તેમને સુરક્ષિત નીચે ઉતાર્યા હતા.
