મધ્યપ્રદેશ
મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાંથી હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. અહીં જમીન વિવાદને લઈને ૫ મેના સવારે એક પરિવારના ૬ લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. સૂચના મળતા જ ભારે પોલીસફોર્સ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ. આ ઘટના પાછળ પરિવારની વચ્ચે જૂનો વિવાદ છે. શુક્રવારે સવારે બંને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ. આ બોલાચાલી બાદ વિવાદ એટલો વધી ગયો કે, બંને પક્ષ એકબીજા પર લાકડા લઈને તૂટી પડ્યા. થોડી વાર એક પક્ષે બીજા પર ફાયરિંગ કરી દીધું. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ઘટના જિલ્લાના સિહોનિયા પોલીસ ચોકીના લેપા ભિડોસા ગામમાં ઘટી હતી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, અમુક લોકો બીજાને લાકડા વડે મારી રહ્યા છે. આ વિવાદમાં મહિલાઓ પણ દેખાઈ રહી છે. લાકડીઓથી લડાઈ ચાલી રહી છે. એક યુવક બંદૂક લઈને આવે છે અને ગોળીઓ મારે છે. તે નિશાન સાધીને એક પછી એક કેટલીય ગોળીઓ ફાયર કરે છે. તેની બંદૂકમાંથી ગોળીઓ નીકળતા જ સામે પક્ષના લોકો ઢાર થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, જે સમયે લડાઈ થઈ રહી છે, તે સમયે ચારેતરફ કાળો દેકારો મચેલો છે. આ લડાઈમાં મહિલાઓ પણ હુમલો કરતી દેખાય છે. વીડિયોમાં એક મહિલાનો અવાજ રેકોર્ડ થયો છે. તે મહિલા સ્થાનિક ભાષામાં કહી રહી છે કે, બાળકો ઘરની અંદર જાઓ. બીજી તરફ એક બાળક પાપા, પાપા કહેતું બોલી રહ્યું છે. મોતનું આ તાંડવ ગામમાં લાંબો સમય સુધી ચાલ્યું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં માતમ છવાયેલો છે. પોલીસે જણાવ્યું કે, મૃતકોમાં ગજેન્દ્ર સિંહનો પરિવાર છે. તેમના પર દીછિંગના પરિવારે હુમલો કર્યો. વર્ષ ૨૦૧૩માં આ જ વિવાદને લઈને પરિવારના બે લોકોની હત્યા થઈ હતી. તેનો કેસ હવે એડીજે કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ પરિવાર ગામમાં આમને સામને રહે છે.કોર્ટમાં બંને પરિવારો વચ્ચે સહમતી બની ગઈ હતી. પીડિત પરિવારે કહ્યું હતું કે, આરોપીના પરિવારના લોકો ગામમાં રહી શકે છે. કારણ કે આ ઘટના બાદ તેના પરિવારના લોકો દેશના અલગ અલગ ભાગમાં રહેવા લાગ્યા હતા.