હરદા-મધ્યપ્રદેશ
મધ્ય પ્રદેશના હરદામાં આંબેડકર જયંતિ પૂર્વ સંધ્ય પર થોડીવાર માટે તણાવભરી સ્થિતી ઊભી થઈ ગઈ હતી. અહીં સંવિધાન નિર્માતા બાબા સાહેબની પ્રતિમાને ભગવાન રંગથી રંગી દેવામાં આવી હતી. આ હરકત બીજે ક્યાંક નહીં પણ ખુદ નગરપાલિકા નિગમે કરી હતી. તેના પર એસસીએસટી સંગઠને આકરી પ્રતિક્રિયા આપી વાંધો ઉઠાવતા વિવાદ થયો હતો. બાદમાં વાદળી રંગમાં રંગી નાખતા મામલો શાંત પડ્યો હતો. સમગ્ર દેશની માફકમાં બાબા સાહેબ આંબેડકરની ૧૪ એપ્રિલે જયંતિ મનાવવાની તૈયારી છે. પણ આ દરમ્યાન એક નવો ડખો થયો હતો. અહીં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર ભગવો રંગ રંગી દીધો હતો. બાબા સાહેબની પ્રતિમા દરેક જગ્યાએ વાદળી રંગમાં હોય છે. પણ નગર પાલિકાએ આ પ્રતિમા પર ભગવા રંગ લગાવી દીધો હતો. તેને જાેઈને વિવાદ થયો હતો. એસસી એસટી સંગઠન અને ભીમ આર્મીના લોકો ગુસ્સે થયા હતા. એસસી-એસટી સંગઠને આરોપ લગાવ્યો કે, આંબેડકર જયંતિ પર પ્રતિમાને ભગવા રંગથી રંગી દેવામાં આવી હતી. અનુસૂચિત જાતિ જનજાતિ મોર્ચા અને ભીમ આર્મીના લોકોએ તેના પર વાંધો ઉઠાવતા પ્રતિમાનો કલર બદલવાની માગ કરી હતી. ભીમ આર્મીના સભ્યોએ ભારે હોબાળો મચાવી નારા લગાવ્યા હતા. આ દરમ્યાન તણાવની સ્થિતી ઊભી થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતા જાેતા બે કલાકમાં જ નગરપાલિકાએ આંબેડકરની પ્રતિમાને વાદળી રંગમાં રંગી નાખી હતી.


