ભોપાલ
બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની મધ્યપ્રદેશનાં સાગરમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાનું સાતમા દિવસે સમાપન થયું હતું. છેલ્લા દિવસે ૯૫ લોકો સનાતન ધર્મમાં પરત ફર્યા હતા. આ દરમિયાન પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મંચ પરથી પરત આવેલા લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં કોઈ મોટી લાલચ આવશે તો શું તમે ફરી જશો, જવાબમાં લોકોએ કહ્યું કે, અમે તમારી પ્રેરણાથી સનાતન ધર્મમાં આવ્યા છીએ અને ક્યારેય પાછા નહીં જઈએ. આ દરમિયાન કથામાં ઉપસ્થિત હજારો લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, જ્યાં સુધી શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી હું હિંદુઓને ખંડિત થવા નહીં દઉં. વરસાદ પડી રહ્યો છે, જમીન ચોક્કસપણે ભીની છે, પરંતુ અંતઃકરણ ભીનું ન હોવું જાેઈએ. જે યજ્ઞમાં વરસાદ પડે છે તે યજ્ઞ સફળ થાય છે. હું કહેતો હતો કે સાગરમાં કંઈક મોટું થવાનું છે. આજે કેટલાક પરિવારો સનાતન ધર્મમાં પાછા ફરી રહ્યા છે. આમાં ૫૦ થી વધુ પરિવારોના ૯૫ લોકોનો સમાવેશ થાય છે, જેઓ મૂંઝવણમાં પડી ગયા અને અન્ય ધર્મમાં ગયા હતા. કથામાં ભાગવતના પ્રસંગોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું અને અનેક ઉદાહરણોનું વર્ણન કરવામાં આવ્યું હતું. છેલ્લા દિવસે વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો કથામાં ઉમટી પડ્યા હતા. કથાના અંતિમ દિવસે તેમણે કહ્યું કે, તમે બધા સાગરના લોકો ધન્ય છો, આજે મારો અહીં કથાનો છેલ્લો દિવસ છે. અહીં જેવી ભક્તિ ક્યાંય જાેઈ નથી. મને તમારા બધાની આદત પડી ગઈ છે. ટૂંક સમયમાં ફરી આવીશ અને તમને બધાને રામ કથા સંભળાવીશ. કથાના છેલ્લા દિવસે ભારે વરસાદ પડ્યો હતો. બાગેશ્વર ધામ સરકારના દર્શન કરવા મોડી રાતથી જ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોને વરસાદમાં ભીંજાતા જાેઈને તેઓ બાલ્કનીમાંથી વારંવાર લોકોનું અભિવાદન કરતાં રહ્યા હતા. આ સાથે જ સાથીદારોને વ્યવસ્થા જાળવવા માટે નિર્દેશ આપતા રહ્યા. જ્યારે તેઓ પોતે વ્યવસ્થાઓ વિશે માહિતી મેળવતા રહ્યા ત્યારે તેમણે કથા પંડાલમાં કહ્યું કે, સાગર જેવા શ્રોતાઓ ક્યાંય જાેવા મળતા નથી. તમારી શ્રદ્ધા અપાર છે. તેથી જ હું ત્રણ દિવસથી સૂતો નથી. હવામાન ગમે તે હોય, ગમે તેટલું વાવાઝોડું આવે અમને કથા કરવાથી કોઈ રોકી નહીં શકે.