મુંબઇ
શરદ પવારે તેમની પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ અદાણી પર આપેલા નિવેદન અંગે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે જેપીસી તપાસનો કોઈ વિરોધ નથી, પરંતુ આજે મહત્વનો પ્રશ્ન મોંઘવારી, બેરોજગારીનો છે. તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આરોપને લઈને અદાણીને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમણે અદાણી વિરુદ્ધ જેપીસી તપાસની વિપક્ષની માગ પર પણ અસંમતિ વ્યક્ત કરી હતી. આ પછી વિપક્ષી એકતામાં ખટાશની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આજે સવારે, શરદ પવારે તેમની પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું જેમાં વિપક્ષી સભ્યોની સંખ્યા ઓછી અને શાસક પક્ષના સભ્યોની સંખ્યા વધુ હોય તે સમિતિનો શું ફાયદો? વધુ સારું છે કે સુપ્રીમ કોર્ટ તપાસ કરે. મેં જેપીસીનો વિરોધ નથી કર્યો. પરંતુ તેઓ તેને બહુ અસરકારક નથી માનતા. તેમણે વધુમાં કહ્યું ધારો કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી અને તેમાં ૨૧ સભ્યો હતા. તો બહુમતી હોવાથી ૧૫ સભ્યો ભાજપના હશે. શંકાને અવકાશ રહેશે. વધુ સારું છે કે સુપ્રીમ કોર્ટની કમિટી તપાસ કરે.શરદ પવારે તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેઓ ગૌતમ અદાણીના વખાણ નથી કરી રહ્યા, પરંતુ તેમના યોગદાનને કેવી રીતે નકારી શકાય. આજે મહારાષ્ટ્ર અદાણી પાસેથી સૌથી વધુ વીજળી મેળવે છે. એક સમય હતો જ્યારે કોઈ પણ વસ્તુ પર ટાટા-બિરલાનું નામ લેવામાં આવતું હતું. આજે ફરક એટલો આવ્યો છે કે અદાણીનું નામ લેવાય છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચીફ પવારે પણ કહ્યું કે મેં અદાણી પર આરોપ ન મૂકવા કહ્યું નથી. પરંતુ મને લાગે છે કે આજે દેશ સમક્ષ મહત્વનો મુદ્દો અદાણી નથી. આજે સૌથી સળગતી સમસ્યા મોંઘવારી અને બેરોજગારી છે. ખેડૂતોની વધતી જતી દુર્દશા એ સૌથી મહત્વની સમસ્યા છે. જ્યારે શરદ પવારને પૂછવામાં આવ્યું કે હિંડનબર્ગ વિશે તેમનો શું અભિપ્રાય છે? તેમણે તેના ઉતરમાં કહ્યું કે, આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે બહારની એજન્સી જાણીજાેઈને દેશની અર્થવ્યવસ્થા અને ઉદ્યોગપતિઓને ડિમોટિવેટ કરીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. જેના પર શરદ પવારે કહ્યું કે મને ખબર નથી કે હિંડનબર્ગ શું છે. અદાણી ગ્રુપના મામલામાં જેપીસી તપાસ કરાવવાની માંગનું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે સમર્થન કર્યું નથી. તેમણે શુક્રવારે એક ઈન્ટરવ્યુમાં સુપ્રીમ કોર્ટમાં બનાવવામાં આવેલી કમિટીનું સ્વાગત કરતા કહ્યું કે તેની તપાસ ચાલી રહી છે. એવામાં આશા રાખીએ વધુ સત્ય બહાર આવશે. કોર્ટના ચુકાદા પછી જેપીસીની તપાસનું કોઈ જ મહત્વ રહેશે નહીં. પૂર્વ કેન્દ્રીય મંત્રી પવારના આ નિવેદન પછી કોંગ્રેસે એક નિવેદન બહાર પાડ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે શરદના પોતાના વિચાર હોઈ શકે છે. જયરામ રમેશે કહ્યું આ મામલામાં ૧૯ વિપક્ષોને એક છે. અમે આ સમગ્ર મામલાને ખૂબ જ ગંભીર માનીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે બીજેપીની વિરુદ્ધમાં એનસીપી સહિત ૨૦ વિપક્ષો સાથે છે.


