Maharashtra

દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પહેલા જ દિવસે મહારાષ્ટ્રે ૪૫ હજાર ૯૦૦ કરોડનો રોકાણ કરાર મેળવ્યો

મુંબઇ
મહારાષ્ટ્ર માટે આ ખૂબ જ સારા સમાચાર છે. સ્વિટ્‌ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પહેલા જ દિવસે મહારાષ્ટ્રે ૪૫ હજાર ૯૦૦ કરોડનો રોકાણ કરાર મેળવ્યો છે . રાજ્યના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે આ માહિતી આપી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની સાથે તેઓ આંતરરાષ્ટ્રીય આર્થિક સમિટમાં ભાગ લેવા દાવોસ પહોંચ્યા છે. મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રીની હાજરીમાં ૫ કંપનીઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આ કંપનીઓ મહારાષ્ટ્રમાં પોતાનો બિઝનેસ શરૂ કરશે. રાજ્યના યુવાનોની રોજગારી વધારવાની દિશામાં આ ખૂબ જ સકારાત્મક શરૂઆત છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’માં ભાગ લેવા દાવોસ પહોંચ્યા છે. તેમણે દાવોસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર પેવેલિયનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તેમણે ઘણા મહત્વપૂર્ણ ઉદ્યોગો સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.વિવિધ કંપનીઓ સાથે અનેક રોકાણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાથી આશરે દસ હજાર લોકોને રોજગારી મળશે, એવો વિશ્વાસ ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે વ્યક્ત કર્યો છે. જે કંપનીઓ સાથે રોકાણ કરાર કરવામાં આવ્યા છે તેમાં ગ્રીનકો એનર્જી પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ સાથે ૧૨ હજાર કરોડના રોકાણ કરાર, હેથવે હોમ સર્વિસ ઓરંડા ઇન્ડિયાના ૧૬ હજાર કરોડના રોકાણ કરાર,આઇસીપી ઇન્વેસ્ટમેન્ટ/ઇન્ડસ કેપિટલ સાથે ૧૬ હજાર કરોડના રોકાણ કરાર, રૂખી ફૂડ્‌સ સાથે ૨૫૦ કરોડના રોકાણ કરાર તેમ જ નિપ્રો ફાર્મા પેકેજિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે રૂ. ૧,૬૫૦ કરોડના રોકાણ કરારનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *