મુંબઈ
બજાર નિયામક સેબીએ શેરબજારમાં લિસ્ટેડ ૧૦૦ કંપનીઓને આદેશ આપ્યો છે કે તેમના સંબંધિત કોઈ સમાચાર બજારમાં ચાલી રહ્યા હોય તો તેમણે ૧૨ કલાકની અંદર જ સ્ટોક એક્સચેન્જ પર તેને પુષ્ટી આપવાની રહેશે કે તેનું ખંડન કરવું પડશે.બજારમાં પારદર્શક્તા લાવવા અને કોઈપણ ઘટનાની ચોક્કસ સમય મર્યાદામાં જ ડિસ્ક્લોઝર સામે લાવવાના આશયથી સેબીએ આ આદેશ આપ્યો છે. સેબીએ એમ પણ કહ્યું કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક દરમિયાન થયેલી ચર્ચા અથવા ડિસ્ક્લોઝર પણ ૩૦ મિનિટની અંદર એક્સચેન્જ સામે લાવવાનું રહેશે. હકીકતમાં બજારમાં કોઈપણ લીસ્ટેડ કંપની અંગે કોઈ સમાચાર આવતા કંપની તેના અંગે ખુલાસો કરવામાં એક-બે દિવસનો સમય લગાવે છે અને આ સમયમાં સ્ટોકમાં ભારે-ઉતાર ચઢાવ જાેવા મળે છે. બોર્ડની બેઠકની વિગતો પ્રમોટર્સના ધ્યાનમાં હોવાથી સ્વાભાવિક જ શૅરના ભાવમાં ઉતાર-ચઢાવની પ્રમોટર્સ પર અસર થઈ શકે છે. સેબીના ડિરેક્ટર્સે બેઠકમાં ર્નિણય કર્યો છે કે શેરબજારમાં માર્કેટ કેપિટલાઈઝેશનની દૃષ્ટિએ ટોચની ૧૦૦ કંપનીઓ પર આ નિયમ ૧લી ઑક્ટોબર ૨૦૨૩થી લાગુ થશે. ત્યાર પછી ૧લી એપ્રિલ ૨૦૨૪થી ટોચની ૨૫૦ કંપનીઓ પર આ નિયમ લાગુ પડશે. સેબીનાં અધ્યક્ષ માધવી પુરી બુચે અદાણી મુદ્દે ટીપ્પણી કરવાનો ઈનકાર કરતા કહ્યું કે, આ મામલો કોર્ટમાં છે. અમે નીતિ હેઠળ કોઈ કંપની વિશેષ પર ટીપ્પણી નથી કરતા. આ સિવાય આ કેસ સુપ્રીમ કોર્ટમાં પણ ચાલુ છે. સેબીએ બજાર વ્યવસ્થા તથા કંપનીના સંચાલનને વધુ સારું કરવા માટે અનેક દરખાસ્તોને મંજૂરી આપી હતી. તેમાં લોકોના લિસ્ટેડ કંપનીઓના નિર્દેશક મંડળમાં સ્થાયીરૂપે રહેવાનું ચલણ સમાપ્ત કરવા તથા શૅર બ્રોકરોની છેતરપિંડી પર લગામ લગાવવા અંગેના નિયમોનો સમાવેશ થાય છે. સેબીએ લીસ્ટેડ કંપનીઓ માટે પર્યાવરણ, સામાજિક અને સંચાલન (ઈએસજી) અંગે માહિતી આપવા અંગે નિયામકીય વ્યવસ્થાને પણ મંજૂરી આપી દીધી છે. વધુમાં સેબી હવે બજારમાં અગાઉથી ઉપલબ્ધ શૅરના ખરીદ-વેચાણ માટે રકમ ખાતાધારકના બેન્ક ખાતામાં જ ‘લોક’ કરવાની સુવિધા લાગુ કરશે. આ સુવિધા હાલ આઈપીઓ માટે લાગુ કરાયેલી છે.