મુંબઈ
જૈન સમાજના વિરોધ બાદ કેન્દ્ર સરકારે પારસનાથ હિલને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાની પોતાના યોજનાને મુલતવી રાખી છે તો બીજી તરફ ઝારખંડના આદિવાસી સંગઠને આ પારસનાથ ટેકરી પર પોતાનો દાવો મજબૂત કરવા વિરોધ-પ્રદર્શન કરવા માટે કમર કસી છે. એણે આ ટેકરી પર પોતાનો દાવો કરતાં આ ટેકરીને મારંગ બુરુ (દેવતાની ટેકરી) તરીકે ઓળખાવી છે તેમ જ જ્યાં સુધી સરકાર આ હિલને આદિવાસીઓની જાહેર ન કરે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી આપી છે. પારસનાથ હિલ પર જૈનોના ૨૪ તીર્થંકરોમાંથી ૨૦ તીર્થંકરે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. દર વર્ષે મોટી સંખ્યામાં જૈનો શ્રદ્ધા અને આદર સાથે આ શિખરની મુલાકાત લે છે. ઝારખંડ મુક્તિ મોરચાના વિધાનસભ્ય અને મુખ્ય પ્રધાન હેમત સોરેનના વિરોધી ગણાતા લોબિન હેમબ્રામે આ ટેકરી પર આદિવાસીઓના દાવાને મજબૂત કરવા તાજેતરમાં જ ઝારખંડ બચાવો મોરચા નામના અભિયાનની શરૂઆત કરી હતી. તેમના મતે કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારે આ ટેકરીને જૈન તીર્થ જાહેર કરીને ખોટું પગલું ભર્યું છે. સંથાલ આદિવાસીઓ સદીઓથી આ ?ટેકરીને મારંગ બુરુ તરીકે ઓળખે છે તેમ જ એને પૂજે છે. આ ટેકરીને પૂજવાનો તેમનો હક છીનવી લેવાયો છે. ૧૯૫૬માં એ સમયના બિહારમાં હઝારીબાગ ગૅઝેટમાં પણ પારસનાથ હિલનો સંથાલ આદિવાસીઓના પવિત્ર સ્થળ તરીકેનો ઉલ્લેખ કરાયો છે. મંગળવાર, ૧૦ જાન્યુઆરીએ આદિવાસીઓને પારસનાથ ટેકરી પાસે ભેગા થઈને આંદોલન કરવા માટે વિધાનસભ્યે અપીલ કરી છે.
