Maharashtra

સ્ક્રિપ્ટ-પાત્રના આધારે પ્રોજેક્ટ પસંદ કરું છું ઃ યશપાલ શર્મા

મુંબઈ
નેશનલ એવોર્ડ વિનર એકટર યશપાલ શર્મા તેમની આગામી ફિલ્મ ‘ચિપકલી’માં સાયકો લેખકનું પાત્ર ભજવી રહ્યા છે. ક્રાઈમ થ્રિલર થીમ પર બનેલી બોલિવૂડ ફિલ્મ ‘ચિપકલી’માં યશપાલ શર્મા સાથે યોગેશ ભારદ્વાજ અને તન્નિષ્ઠા બિસ્વાસ પણ મુખ્ય ભૂમિકામાં નજર આવવાના છે. લેખક વિનોદ ઘોસલાના પુસ્તક ‘છાયાજાપન’ અને કૌશિક કારના ડ્રામા ‘ટિક ટીકીર ડાક’ પર આધારિત ફિલ્મ ‘ચિપકલી’નું નિર્દેશન કૌશિક કાર દ્વારા કરવામાં આવ્યું છે. આજે નિર્દેશક સાથે ફિલ્મને પ્રમોટ કરવા અમદાવાદના બનાના સ્માર્ટપ્લેક્સ પહોંચેલી ફિલ્મ ટીમે નવગુજરાત સમય સાથે કરેલી વાતચીતના કેટલાક અંશ… ફિલ્મમાં પોતાના પાત્ર અંગે વાત કરતા યશપાલ શર્માએ જણાવ્યું હતું કે, મેં બોલિવૂડ અને સાઉથની અનેક કોમર્શિયલ ફિલ્મો કરી છે. મારા કામને ફેન્સે પણ વખાણ્યું છે પણ આ ફિલ્મ મારા માટે કંઈક અલગ છે. હું ફિલ્મ ‘ચિપકલી’ને મારા કરિયરની બેસ્ટ ફિલ્મ માનું છું. જે રીતે ફિલ્મને તૈયાર કરવામાં આવી છે તે જાેઈને દર્શકોને ચોક્કસ ગમશે. ફિલ્મમાં હું એક સાયકો લેખકનું પાત્ર ભજવું છું. મેં જેટલું બને તેટલું રિયાલિસ્ટિક રહીને મારું પાત્ર ભજવવાની કોશિશ કરી છે. તમે નહીં માનો પણ મેં સતત ૪ મહિના સુધી એક જ કપડાંમાં શૂટિંગ કર્યું હતું અને ડબિંગ સમયે પણ હું મારા પાત્રના જ કપડાંમાં પહોંચ્યો હતો જેથી ફિલ્મમાં મારા પાત્રને ન્યાય આપી શકું. ફિલ્મ અંગેની તૈયારી અને ફિલ્મના શૂટિંગ અંગે વાત કરતા યશપાલે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર સમયે મારી પાસે ફિલ્મની સ્ક્રિપ્ટ આવી હતી અને મેં ૪ મહિના સુધી ફિલ્મની તૈયારી કરી હતી. તે સમયે મેં ઘણા સ્વજનો ગુમાવ્યા હતા અને હું અંદરથી તૂટી ગયો હતો અને વિચારોમાં ખોવાઈ ગયો હતો. ફિલ્મ ‘ચિપકલી’માં પણ મારું કેરેક્ટર એવું જ છે જે જ્ઞાની છે તેમજ દરેક વાતને બારીકાઈથી વિચારે છે અને તેને પુસ્તકોમાં ઉતારે છે. ફિલ્મનું શૂટિંગ ફક્ત ૧૦ દિવસ જ ચાલ્યું હતું પણ તેની પહેલા ૨૫ દિવસ ડિરેક્ટરે કયો સીન કેવી રીતે ભજવશે અને કેમેરાના કયા એન્ગલથી સીનને કેપ્ચર કરવામાં આવશે તેનું રિહર્સલ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ ભલે ૧૦ દિવસમાં જ આટોપાઈ ગયું હોય પણ ફિલ્મના ડબિંગ માટે ૧૨ દિવસનો સમય લાગ્યો હતો જે એક અનોખી વાત છે. ફિલ્મમાં યશપાલ શર્મા સાથે જ લીડ કેરેક્ટર ભજવી રહેલા વિશાલ ભારદ્વાજે ફિલ્મ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ફિલ્મની સ્ક્રિપ્ટ ખરેખર અદભુત અને યુનિક છે. અમે અનેક ઈન્ટરનેશનલ એવોર્ડ ફંક્શનમાં વાહવાહી મેળવી છે. યશપાલ સરને હું અનેક વર્ષોથી ઓળખું છું. તેમની સાથે લીડ કેરેક્ટર ભજવવું મારા માટે ગૌરવની વાત છે. નાનપણથી જ તેઓ અભિનયમાં મારા આદર્શ રહ્યા છે. તેમની સાથે ભજવેલા દરેક સીન મારા માટે યાદગાર અનુભવ સમાન છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *